શર્મા, મહાદેવ (જ. 9 ઑગસ્ટ 1907; અ. ?) : જ્ઞાનવૃદ્ધ સંગીતજ્ઞ. તેમના પિતા સંસ્કૃત વેદ, કર્મકાંડ જેવા પ્રાચીન સંસ્કૃતિના વિષયોના મોટા પંડિત હતા. પિતાનું અવસાન થતાં તેમને શાળાકીય શિક્ષણ લેવાની ફરજ પડી. તે દરમિયાન નામાંકિત મોરબી નાટક કંપનીના સૂત્રધાર સાથે તેમને ગાઢ સંબંધ બંધાતાં નાટકોના ગાયન તથા અભિનયની ઊંડી છાપ તેમના બાળમાનસ પર પડી.
મૅટ્રિકની પરીક્ષા આપ્યા બાદ 1925માં તેમણે કીર્તનકાર ઘૂંડીરાજ કોઠારી પાસે સંગીતનું શિક્ષણ લેવાનો પ્રારંભ કર્યો. તદુપરાંત તેમણે કલામર્મજ્ઞ કંચનલાલ મામાવાળા અને સંગીતમાર્તંડ પં. ઓમકારનાથજી ઠાકુર જેવી સમર્થ પ્રતિભાઓ પાસેથી સંગીતની દીક્ષા લીધી. પછી ખંડસમયના સંગીતશિક્ષક તરીકે જોડાયા. તે દરમિયાન ગીત, નાટક, નૃત્ય, ગરબા, નૃત્યનાટિકા વગેરે પ્રકારોમાં સંગીતનિયોજન કરીને પ્રતિષ્ઠા પામ્યા.
1927માં તેમણે ઓમ શ્રી સંગીત ઉપાસના મંદિરની સ્થાપના કરી. તેમાં શાસ્ત્રીય રાગ-સંગીત શીખવવાનો ખાસ આગ્રહ રખાયો. આ સંસ્થાની 65 વર્ષની પ્રવૃત્તિ દરમિયાન 2,000 જેટલા વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ પ્રકારની સંગીતદીક્ષા પામ્યા. તેમણે પણ લોકસમુદાય સમક્ષ શાસ્ત્રીય ગાયનની સૂક્ષ્મ ખૂબીઓ, ગાયકીનું માધુર્ય તથા સુંદરતાનો પરિચય આપી ભારે નામના મેળવી.
1966થી 1972 સુધી તેઓ ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના સભ્ય; બૃહદ્ ગુજરાત સંગીત સમિતિના કારોબારી સભ્ય; 25 વર્ષ સુધી ઉચ્ચ ડિગ્રી પરીક્ષાઓના પરીક્ષક; વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં પરીક્ષક; સંગીત મહોત્સવ સ્પર્ધામાં નિર્ણાયકનો કાર્યબોજ સંભાળ્યો. સૂરતની સ્થાનિક કલાસંસ્થા ‘રાષ્ટ્રીય કલાકેન્દ્ર’ને તેમણે 15 વર્ષ સુધી સેવા-સહયોગ આપ્યાં.
સંગીત-વિષયક તેમની નિષ્ણાત જાણકારી તથા સુદીર્ઘ અનુભવનો જનસમુદાયને લાભ આપવાના ઉદ્દેશથી તેઓ સ્થાનિક દૈનિક ‘ગુજરાત મિત્ર’ તથા ‘નવનીત-સમર્પણ’ જેવાં સામયિકોમાં નિયમિત લેખો લખતા રહ્યા. અનેક સંગીત-તાલીમ શિબિરો તથા સેમિનારોમાં તેમણે તેમની વિદ્વત્તાનો લાભ આપ્યો હતો.
1984માં તેમણે ‘સામગાન ક્રિયા પદ્ધતિ’ નામક સંશોધનલક્ષી ગ્રંથ આપ્યો. તેમનું બીજું પુસ્તક ‘લલિતપિયા રાગદર્શન’ 1987માં પ્રગટ થયું.
તેમની આવી બહુમુખી સંગીત-પ્રતિભા બદલ 1977માં સૂરતની કલાપ્રેમી જનતા તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી દ્વારા તેમને સામવેદનો સંશોધનગ્રંથ પ્રગટ કરવા બદલ 1989-90ના વર્ષનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
બળદેવભાઈ કનીજિયા