શર્મા, મદનમોહન (જ. 30 જુલાઈ 1934, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના વાર્તાકાર, નવલકથાલેખક અને નાટ્યકાર. કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. હવે સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં વ્યસ્ત.
ડોગરી માતૃભાષામાં તેમણે લખેલાં પુસ્તકો આ પ્રમાણે છે : ‘ધરન તે ધુરોં’ (નવલકથા); ‘અંગારે દી લૌ’, ‘ઇક જનમ ઔર’ (બંને રેડિયોનાટકો); ‘ચનાની રાત’, ‘દૂધ, લહુ, ઝહર’ તથા ‘નાયક’ (એ તમામ વાર્તાસંગ્રહો), ‘ઇક પર્ચમાન બદલી દા’ તથા ‘જાનોર’ (બંને નાટકો) તથા ‘પેંડે મેરે જીવન દે’ (અનુવાદ).
તેમના પાંચમા વાર્તાસંગ્રહ ‘નાયક’માં વિશેષ પ્રૌઢિ, આત્મવિશ્વાસ, પ્રયોગશીલતાનો અભિગમ અને વિષયાલેખનની મૌલિકતા જોવા મળે છે. તેમણે એકાંકી તથા રેડિયોનાટકો પણ લખ્યાં છે. સંખ્યાબંધ નિબંધો લખવા ઉપરાંત તેમણે કેન્દ્રીય સાહિત્ય અકાદમી માટે ડોગરી ટૂંકી વાર્તાઓનું સંપાદન કર્યું છે તથા શરતચંદ્ર ચૅટરજી (‘ગૃહદાહ’), ગૉર્કી (‘એપ્રન્ટિસશિપ’) તથા હેમિંગ્વે(‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’)ના ડોગરીમાં અનુવાદ કર્યા છે.
વળી તેમને જમ્મુ-કાશ્મીરની કલા, સંસ્કૃતિ અને ભાષા અકાદમી તરફથી તેમજ નાટિકા અને વૈજ્ઞાનિક વાર્તા બદલ આકાશવાણી તરફથી પુરસ્કાર મળ્યા છે.
તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : ‘દૂધ, લહુ ઝહર’ (1971) વાર્તાસંગ્રહ માટે તેમને 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. જમ્મુ અને કાશ્મીરની કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અકાદમીના ઍવૉર્ડ; તેમજ નાટકો અને વિજ્ઞાનકથા માટે આકાશવાણી તરફથી ઇનામ.
મહેશ ચોક્સી