શર્મા, ચંદ્રધર (જ. 31 જાન્યુઆરી 1920, કોટા, રાજસ્થાન) : હિંદી તથા સંસ્કૃત પંડિત. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી તેમણે 1942માં એમ.એ.; 1944માં એલએલ.બી.; 1947માં ડી.ફિલ.; 1951માં ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1960-80 દરમિયાન જબલપુર યુનિવર્સિટીમાંથી ફિલસૂફી વિભાગના પ્રાધ્યાપક તથા વડા;
1963-64 અમેરિકામાં વ્હિટની ખાતે મુલાકાતી પ્રાધ્યાપક; 1980માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા. તેઓ યુનિવર્સિટી પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા.
તેમણે અત્યાર સુધીમાં સંસ્કૃત, અંગ્રેજી તથા હિંદીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ડાયલેક્ટિક ઇન બુદ્ધિઝમ ઍન્ડ વેદાંત’ (1952); ‘એ ક્રિટિકલ સર્વે ઑવ્ ઇન્ડિયન ફિલૉસૉફી’ (1960); ‘અદ્વૈત ટ્રેડિશન ઇન ઇન્ડિયન ફિલૉસૉફી’ (1996) તેમના ઉલ્લેખનીય અંગ્રેજી ગ્રંથો છે. સંસ્કૃતમાં : ‘શ્રદ્ધાભરણમ્’ (1953) તેમનું દીર્ઘકાવ્ય છે. ‘સુરજન-ચરિત-મહાકાવ્યમ્’ (1952) તેમનો સંપાદિત ગ્રંથ છે. હિંદીમાં : ‘પાશ્ર્ચાત્ય-દર્શન’ (1954-1992); ‘ભારતીય દર્શન : આલોચના ઔર અનુશીલન’ (1990) નોંધપાત્ર ગ્રંથો છે.
તેમને 1990માં પ્રણવાનંદ ફિલૉસૉફી ઍવૉર્ડ; રાજસ્થાન સંસ્કૃત અકાદમી તરફથી વિશિષ્ટ ‘વિદ્વત્’ સન્માન પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા