શર્મા, ઓગેટી પરીક્ષિત (. 1930) : સંસ્કૃત ભાષાશાસ્ત્રી, કવિ અને પંડિત. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાશાસ્ત્ર અને અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઘણી ભારતીય ભાષાઓના જ્ઞાતા છે. દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં 20 વર્ષ સુધી તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને મહારાષ્ટ્ર સરકારના ડિવિઝનલ આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે સેવાનિવૃત્ત થયા.

તેમણે મુંબઈના ‘ફ્રી પ્રેસ જર્નલ’માં પત્રકાર તરીકે પણ કામગીરી કરી હતી. તેઓ વિદ્વાન પંડિત હતા અને અભિનયાત્મક કલાની બક્ષિસ તેમજ સંગીતની જાણકારી ધરાવતા હોઈ, તેમણે વિદ્વત્તાપૂર્ણ પત્રો અને કૃતિઓમાં મહત્વનું પ્રદાન કર્યું. કાવ્યો રચ્યાં, સંસ્કૃત નાટકોમાં અભિનય કર્યો. સંસ્કૃત સંગીત નૃત્યનાટિકાનું નિર્દેશન કર્યું. તેમજ અદ્યતન વાદ્યવૃંદ સાથેના સંસ્કૃત કંઠ્યસંગીત-સમારોહ યોજ્યા.

તેમના મૂળ સંસ્કૃત ગ્રંથોમાં ‘લલિતગીતલહરી’ (1962) (ઊર્મિકાવ્ય); ‘યશોધરા મહાકાવ્યમ્’ (1978) (મહાકાવ્ય), ‘અક્ષય ગીતરામાયણ’ (1994) (ઊર્મિકાવ્ય); ‘પરીક્ષિનાટકચક્રમ્’ (1984) (27 નાટકોનો સંગ્રહ), ‘જનપદ નૃત્યગીતમંજરી’ (1986) (લોકગીતો), ‘સૌન્દર્યમીમાંસા’ (સૌન્દર્યપરક), ‘શ્રીમત્પ્રતાપરણાયનમ્’ (1989) (મહાકાવ્ય) ઉલ્લેખનીય છે.

ઓગેટી પરીક્ષિત શર્મા

તેમને યશોધરા મહાકાવ્યમ્ માટે ઑલ ઇન્ડિયા કાલિદાસ ઍવૉર્ડ; પંડિત, મહાકવિ, ગિર્વાણ-ગેય-કવિ-મંડલ ચક્રવર્તીના ખિતાબો આપવામાં આવ્યા. તેમના મહાકાવ્ય ‘શ્રીમત્પ્રતાપરણાયનમ્’ મહાકાવ્ય બદલ તેમને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. મુઘલ સલ્તનત સામેના તેમના યુદ્ધ દરમિયાન રાજસ્થાનના શૂરવીર મહારાણા પ્રતાપ અને તેમના પરિવારે વેઠેલાં સંઘર્ષ અને યાતનાઓના જીવંત ચિત્રાંકન દ્વારા દેશભક્તિપૂર્ણ મનોભાવોની રજૂઆત કરવા માટે વિવિધ પાત્રોના રુચિકર આલેખન માટે તથા સરળ અને અસરકારક અભિવ્યક્તિશૈલી માટે આ પુરસ્કૃત કૃતિ સંસ્કૃત સાહિત્યમાં ધ્યાનાકર્ષક બની છે.

બળદેવભાઈ કનીજિયા