શર્મા, અપૂર્વ (જ. 1 જાન્યુઆરી 1943, હાલેમ, જિ. શોણિતપુર, આસામ) : અસમિયા વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘બાઘે ટાપુર રાતિ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી (ગૌહત્તી) યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક તથા અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ અંગ્રેજી, બંગાળી તથા હિંદીમાં સારી જાણકારી ધરાવે છે.
તેઓએ ‘ધ આસામ ટ્રિબ્યૂન’માં રિપોર્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તે પછી નૌગાંવ ગર્લ્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક બન્યા. તે પછી ત્યાંનું આચાર્યપદ શોભાવ્યું. અત્યાર સુધીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘બંધુર પાઠાત કેઇજન્માન દેકામાનુહ’ (1977); ‘ભારતીય અર્થનીતિ’ (1978); ‘શુભો બાર્તા’ (1985); ‘ભારતર જાતીય સંસ્કૃતિ’ (અનુવાદ, 1990); ‘બાઘે ટાપુર રાતિ’ (1996) અને ‘અસમિયા ચલચિત્ર સા-પોહર’(2000)નો સમાવેશ થાય છે. તેમની એક વાર્તા ‘હલધર’ પરથી બનેલી ફિલ્મને પુરસ્કૃત કરવામાં આવી છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘બાઘે ટાપુર રાતિ’ 7 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. તેમણે સર્જેલાં પાત્રો માનવીય ઊર્જાથી પ્રદીપ્ત છે. તેના આધારભૂત ગુણો છે : પ્રેમ, કરુણા અને ભ્રાતૃભાવ; જે ગમે તેવા સંકટનો વિધેયાત્મક રીતે સામનો કરી શકે છે. તેઓ કહેવાતા આધુનિકતાવાદીઓથી તદ્દન જુદા ‘ઉત્સાહી સેનાની’ છે. તેમની આ પુરસ્કૃત અસમિયા કૃતિએ ભારતીય કથાસાહિત્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે.
બળદેવભાઈ કનીજિયા