શર્ફ, ફિરોઝ દિન (જ. 1898; અ. 1955) : પંજાબી લેખક. તેમણે ફક્ત પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે નાની વયે કાવ્યરચના શરૂ કરેલી. પાછળથી તેમણે ઉત્તમ કક્ષાના કવિનું સ્થાન પ્રાપ્ત કર્યું અને અકાલી ચળવળ ઉપરાંત અસહકાર અને ખિલાફત ચળવળો દરમિયાન ખ્યાતિ પામ્યા. શીખ સમુદાય સમક્ષ શીખ ગુરુઓએ કરેલ પાઠ અંગેનાં તેમનાં કાવ્યોથી તેમને સારી એવી ખ્યાતિ મળી. 1953માં પતિયાળા અને ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન ગવર્નમેન્ટ તરફથી તેમને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમણે પંજાબી ફિલ્મો માટે પણ ગીતો રચ્યાં. તેઓ પંજાબી બુલબુલ તરીકે લોકપ્રિય બનેલા. તેમના જીવન દરમિયાન તેમના 30થી વધુ ગ્રંથો પ્રગટ થયા હતા. કાવ્યસંગ્રહો ઉપરાંત ‘શરધા દે ફૂલ’ નામક નાટક રચ્યું. તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘શર્ફ સનેહે’ (1944); ‘સુનહરી કલિયાં’, ‘શર્ફ હુલારે’, ‘શર્ફ નિશાની’, ‘શર્ફ ઉદારી’; ‘દુખન દે કિરને’ (1949), ‘નૂરી દર્શન’ (1924), ‘શર્ફ દે ગીત’ (1944); ‘જોગન અને લાલન દે હાર’ વગેરે છે. અકાલી ચળવળ માટે રચેલ કાવ્યસંગ્રહ ‘દુખન દે કિરને’ માટે તેમને 1 વર્ષનો જેલવાસ ભોગવવો પડેલો. ‘સુનહરી કલિયાં’માં સુધારાવાદી અને દેશભક્તિનાં ગીતો છે. ‘નૂરી દર્શન’માં શીખ-ગુરુઓ અને શીખધર્મ સંબંધી ગીતો છે.
તેમણે કાવ્યોમાં વિવિધ છંદોનો ઉપયોગ કર્યો છે. આમ તેઓ પંજાબી સંસ્કૃતિના કવિ હતા.
બળદેવભાઈ કનીજિયા