શરપુંખો : ઔષધિજ વનસ્પતિ. પરિચય : ગુજરાતમાં અમદાવાદ, વાપી-વલસાડ, દમણગંગા તથા અન્ય અનેક સ્થળોએ, શરપુંખો કે શરપંખો જેને સંસ્કૃતમાં शरपुंख હિન્દીમાં शरफोंका અને ગુજરાતી લોકભાષામાં ઘોડાકુન અથવા ઘોડાકાનો કહે છે, તે ખૂબ થાય છે. આ વનસ્પતિ આયુર્વેદમાં યકૃત(લીવર)નાં દર્દોમાં એક રામબાણ ઔષધિ રૂપે વખણાય છે. આ વનસ્પતિ વર્ષાયુ, 0.4572 મી.થી 0.9144 મી. ઊંચી ગુલ્મ જાતની ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. તેની પાનસળી 76.2 મિમી.થી 152.4 મિમી. લાંબી અને મેથીનાં પાન જેવાં તેનાં પાન રુવાંટીદાર થાય છે. આ વનસ્પતિને ઓળખવાની એક ખાસ રીત છે. તેના પાનને નીચે-ઉપરથી પકડીને ખેંચીને તોડતાં, તેના બે ભાગ એવી રીતે થાય છે કે એક ભાગ ભાલા જેવો અણીદાર અને સામેનો બીજો છેડો ઘોડાના બે ઊભા કાન જેવો દેખાય છે. માટે જ તેને ગ્રામીણ લોકો ‘ઘોડાકાનો’ કહે છે. આ વનસ્પતિના છોડ ઉપર લાલ કે રીંગણી રંગનાં ફૂલો થાય છે. તેની બીજી એક જાત સફેદ ફૂલની પણ છે, જે જમીન પર ફેલાય છે. શરપંખાના છોડ ઉપર 25.4 મિમી.થી 48.1 મિમી. લાંબી અને 3.175 મિમી.થી 6.35 મિમી. પહોળી તથા ચપટી ફળી (શિંગ) થાય છે. આ છોડ મૂળથી ખૂબ મજબૂત હોય છે.
ગુણધર્મ : શરપુંખાની બે જાતોમાં ધોળા ફૂલનો શરપુંખો વધુ ઉત્તમ છે. શરપંખો સ્વાદે તીખો, કડવો, તૂરો; ગુણમાં હળવો, ગરમ અને કૃમિ, યકૃત (લીવર), પ્લીહા (બરોળ), ગુલ્મ (ગોળો), જખમ, વિષ, ઉધરસ, દમ, હરસ, તાવ, રક્તદોષ, કફ, હૃદયરોગ, વાયુ, કફોદર, ગલત કોઢ (રક્તપિત્તલૅપ્રસી), ત્વચા પર ઝાંય વગેરે મટાડે છે. શરપંખો વધુ માત્રામાં લેવાય તો ઊલટી કરે છે. તે પેશાબ સાફ લાવનાર (મૂત્રલ) અને સોજાનો નાશકર્તા છે. તેનાં મૂળ મંદાગ્નિ, જૂના ઝાડા, ઉદરશૂળ તથા ગ્રહણી-રોગ મટાડે છે. તે હૃદયરોગ માટે પૌષ્ટિક અને સર્પવિષનાશક પણ છે. શરપંખો પુરુષના વીર્યની તથા સ્ત્રીના માસિકસ્રાવ અને ગર્ભાશયની શુદ્ધિ કરી તેને સંતાન આપે છે.
ઔષધિ–પ્રયોગો : (1) લીવર (યકૃત) અને બરોળનો સોજો કે તેના કદમાં વધારો : આ રોગમાં શરપંખાના મૂળ કે પાનનું ચૂર્ણ બનાવી, રોજ સવાર-સાંજ 5 ગ્રામ છાશ કે પાણીમાં લેવાય છે અથવા શરપંખાના પંચાંગને બાળી બનાવેલી ભસ્મ 1 થી 1 ગ્રામ (અડધાથી એક) રોજ મધ સાથે સવાર-સાંજ લેવાય છે. (2) હરસ-મસા : આ રોગમાં શરપંખાના મૂળનું ચૂર્ણ રોજ દહીં કે છાશમાં બે વાર લેવામાં આવે છે. (3) પ્રમેહ (પરમિયો-મૂત્રરોગ) : આ રોગમાં શરપંખાનાં મૂળ, ગોખરું, આમળાં અને ગળોનો ઉકાળો કરી, તેમાં મધ અથવા સાકર નાંખી રોજ પીવામાં આવે છે. (4) કૃમિ : આ રોગમાં શરપંખાના મૂળનો પાણીમાં ઘસારો કરી, દર્દીના પેટ ઉપર ચોપડવામાં આવે છે તેમજ તેનાં મૂળ અને વાવડિંગનું ચૂર્ણ બનાવી ગોળ કે મધ સાથે ચટાડાય છે. (5) શરપંખાનાં મૂળ, ગોખરું અને કાળા મરીનું ચૂર્ણ કે ઉકાળો કરી રોજ પીવાથી પેશાબ સાફ આવે છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા