શરણ, દીનાનાથ (જ. 26 જૂન 1938, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી 1958માં હિંદી સાથે એમ.એ. અને મગધ યુનિવર્સિટીમાંથી 1969માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેઓ 1965-68 દરમિયાન નેપાલની ત્રિભુવન યુનિવર્સિટીમાં કોલંબો યોજના હેઠળ પ્રાધ્યાપક રહ્યા. પટણાની શ્રી ગુરુ ગોવિંદસિંગ કૉલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા; બિહાર હિંદી સાહિત્ય સંમેલનના માનાર્હ સભ્ય; 1993માં સાહિત્યાંચલ અને 1995માં સાહિત્ય સંગમના પ્રમુખ.
તેમની માતૃભાષા માગધી (હિંદી) છે. તેમાં તેમણે 30 જેટલા ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિંદી કાવ્યમેં છાયાવાદ’ (1957); ‘છાયાવાદ વિશ્ર્લેષણ ઔર મૂલ્યાંકન’ (1958), ‘નારી, તુમ કેવલ શ્રદ્ધા હો’ (1959) નવલકથા; ‘નયી દૃષ્ટિ’ : નયા આલોક’ (1959) વાર્તાસંગ્રહ; ‘નેપાલી સાહિત્ય કા ઇતિહાસ’ (1974) વિવેચનગ્રંથ તથા ‘વાસંતી’ (1973) નેપાળીમાંથી અનૂદિત નવલકથા ખાસ ઉલ્લેખનીય છે. ‘સંઘર્ષદૂત’ માસિકના મહેમાન સંપાદક તરીકે તેમણે કામગીરી કરી છે.
તેમને સાહિત્ય તથા કલાક્ષેત્રે કરેલા પ્રદાન બદલ 1955-57નો બિહાર રાષ્ટ્રભાષા પરિષદ ઍવૉર્ડ, તથા ડી. લિટ.ની (માનદ) પદવી, ‘સાહિત્યાલંકાર’, ‘વિદ્યાસાગર’ વગેરે ખિતાબો પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા