શરણાગતિ : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષકારો પૈકી કોઈ એક પક્ષે પોતાની સંપૂર્ણ હાર ઔપચારિક રીતે કબૂલ કરી બીજા પક્ષને તાબે થવાની ઘોષણા. આવી ઘોષણા સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આવે છે અને પરાજિત પક્ષ વિજયી પક્ષ સામે પોતાનાં સૈનિકો, શસ્ત્રો તથા યુદ્ધમાં વપરાતાં અન્ય અયુદ્ધકારી કે બિનલડાયક સાધનો સુપરત કરવાની તૈયારી બતાવે છે. શરણાગતિ બે પ્રકારની હોઈ શકે : (1) શરતી અને (2) બિનશરતી. આમાંથી પ્રથમ એટલે કે શરતી શરણાગતિમાં પરાજિત પક્ષ વિજયી પક્ષ સામે શરણાગતિ સ્વીકારવા માટે કેટલીક શરતો મૂકી શકે છે અને તે સ્વીકારવી કે નહિ એ વિજયી પક્ષની મુનસફી પર નિર્ભર કરે છે. આવી શરતો બિનલશ્કરી સ્વરૂપની હોય છે. જો વિજયી પક્ષ પરાજિત પક્ષની શરતો સ્વીકારવાની ના પાડે તો યુદ્ધ નિર્ણાયક તબક્કા સુધી ચાલુ રહે છે અને જો વિજયી પક્ષ તે સ્વીકારે તો બંને પક્ષો યુદ્ધ-તહકુબીની જાહેરાત કરી શકે છે; પરંતુ જો શરણાગતિ બિનશરતી હોય તો પરાજિત પક્ષને વિજયી પક્ષ સમક્ષ સંપૂર્ણ રીતે આત્મસમર્પણ કરવું પડે છે અને વિજયી પક્ષ શરણાગતિ માટે જે જે શરતો મૂકે છે તે બધી જ પરાજિત પક્ષને સ્વીકારવી પડે છે. શરણાગતિ શરતી હોય કે બિનશરતી, બંને કિસ્સાઓમાં પરાજિત અને વિજયી પક્ષ વચ્ચે સંધિ કે કરારનામું કરવું પડે છે. જેના પર બંને પક્ષો દ્વારા સહીસિક્કા થવાથી યુદ્ધનો ઔપચારિક અંત થયેલો ગણાય છે.
શરણાગતિ શરતી હોય કે બિનશરતી, પરાજિત પક્ષ વિજયી પક્ષને પોતાના સૈનિકોનો કબજો સોંપે છે. આવા સૈનિકો જ્યાં સુધી વિજયી પક્ષના તાબા હેઠળ કેદ હોય છે ત્યાં સુધી આવા કેદીઓને ‘યુદ્ધના કેદીઓ’ (Prisoners of War ટૂંકાક્ષરી POW) કહેવામાં આવે છે અને તેમની સાથે વિજયી પક્ષે કયા પ્રકારનો વ્યવહાર કરવો તે અંગે આંતરરાષ્ટ્રીય સમજૂતી થયેલી છે. રાષ્ટ્રસંઘના બધા જ સભ્યો આવી સમજૂતીની શરતોથી બંધાયેલા હોય છે; દા.ત., યુદ્ધકેદીઓ સાથે માનવીય વ્યવહાર કરવો, તેમનામાં જે અધિકારી દરજ્જાના હશે તેમની સાથે તેમના દરજ્જાનું ગૌરવ જળવાય એ રીતે તેમની સગવડો આપવી તથા તેમની સાથે વ્યવહાર કરવો વગેરે. સામાન્ય રીતે શરણાગતિ બિનશરતી જ હોય છે.
વીસમી સદીના શરણાગતિના નમૂનારૂપ ત્રણ કિસ્સાઓ નીચે મુજબના છે :
(1) પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં જર્મનીની કારમી હાર થઈ અને તેણે 11 નવેમ્બર 1918ના રોજ શરણાગતિ સ્વીકારી. વિજેતા રાષ્ટ્રો(ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇટાલી)એ પૅરિસ ખાતે વર્સાઇલના પ્રાસાદમાં જૂન 1919માં કરેલી સંધિ દ્વારા જર્મની પર રાજકીય અને લશ્કરી દૃષ્ટિએ અત્યંત અપમાનજનક અને આર્થિક રીતે કમરતોડ શરતો લાદવામાં આવી.
(2) બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં પણ જર્મની અને તેનાં સાથી રાષ્ટ્રો ઇટાલી તથા જાપાનનો મિત્રરાષ્ટ્રોની સેનાઓ સામે ઘોર પરાજય થયો. આ યુદ્ધના પરાજય પછી યુરોપમાં મિત્રરાષ્ટ્રોની સેનાઓ સમક્ષ જર્મન નૌકાદળના સર્વોચ્ચ વડા ડેન્ઝિંગે 2 મે 1945ના રોજ યુરોપનાં પરાજિત રાષ્ટ્રો વતી બિનશરતી આત્મસમર્પણ કર્યું; જ્યારે હીરોશિમા અને નાગાસાકી આ જાપાનનાં બે નગરો પર મિત્રરાષ્ટ્રોનાં લડાયક વિમાનોએ અણુબૉંબ ઝીંકતાં જાપાનની વધુ તારાજી અટકાવવા માટે જાપાનના લશ્કરે જનરલ ટોજોના નેતૃત્વ હેઠળ અમેરિકન સેનાપતિ જનરલ મૅકાર્થર સમક્ષ બિનશરતી શરણાગતિ સ્વીકારી. યુદ્ધના અંતે ગુનાઇત કૃત્યો આચરવા બદલ યુરોપમાં ન્યુરમ્બર્ગ ખાતે જર્મનીના અગ્રણી અધિકારીઓ સામે તથા જાપાનમાં ટોકિયો ખાતે જાપાનના અગ્રણી અધિકારીઓ સામે ખટલા ચલાવવામાં આવ્યા હતા.
(3) ડિસેમ્બર 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના અધિકૃત ગણાય તેવા બીજા યુદ્ધમાં ભારતીય લશ્કર સામે પાકિસ્તાનનો કારમો પરાજય થયો; જેના અંતે 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની લશ્કરની પૂર્વ કમાનના સર્વોચ્ચ વડા લેફ્ટનન્ટ જનરલ નિયાઝીએ પાકિસ્તાનના લશ્કર વતી તત્કાલીન પૂર્વ પાકિસ્તાન(બાંગ્લાદેશ)ના પાટનગર ઢાકાના રેસકોસ મેદાન પર ભારતના લશ્કરની પૂર્વ કમાનના વડા લેફ્ટેનન્ટ જનરલ જગજિતસિંગ અરોરા સામે બિનશરતી આત્મ-સમર્પણ કર્યું અને તેને કારણે બાંગ્લાદેશ નામના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો. આ શરણાગતિ પછી ભારતના લશ્કર વતી પાકિસ્તાની લશ્કરના લેફ્ટનન્ટ જનરલ નિયાઝી સાથે આશરે 93,000 પાકિસ્તાની સૈનિકોને યુદ્ધ બંદી (POW) બનાવવામાં આવ્યા હતા.
આધુનિક યુદ્ધોમાં પરાજિત રાષ્ટ્ર કે સેના વિજયી રાષ્ટ્ર કે સેના સમક્ષ જ્યારે શરણાગતિ કે આત્મસર્મપણ કરે છે ત્યારે તેની નિશ્ચિત વિધિ કરવામાં આવે છે; તે માટે આજનાં યુદ્ધોની જેમ કોઈ ઔપચારિક વિધિ કરવામાં આવતી ન હતી.
ફેબ્રુઆરી 1849માં બીજા શીખ વિગ્રહમાં ચિલિયાનવાલાની લડાઈમાં અંગ્રેજો સામે શીખ લશ્કરનો પરાજય થતાં તેણે બ્રિટિશ લશ્કર સામે શરણાગતિ સ્વીકારી હતી જેના પરિણામે અંગ્રેજોએ પંજાબને ખાલસા જાહેર કર્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે