શમી, મહંમદ (જ. ૩ સપ્ટેમ્બર 1990, અમરોહા, ઉત્તરપ્રદેશ) : ભારતનો ટેસ્ટ અને વનડેનો ઉત્કૃષ્ટ ઝડપી ગોલંદાજ.
ઉત્તરપ્રદેશના નાનકડા ગામના ખેડૂત પુત્ર મહમંદ શમીના પિતા તેમના સમયના ઝડપી ગોલંદાજ હતા. પરિણામે તેમણે પોતાના પુત્રને પણ ઝડપી ગોલંદાજ બનાવવાનાં સ્વપ્નો સેવ્યાં હતાં. શમીની ગોલંદાજીની પ્રારંભિક તાલીમ તેના ગામથી 22 કિમી. દૂર આવેલાં મુરાદાબાદ ખાતે કોચ બદરુદ્દીન સિદ્દીકી પાસે થઈ હતી. કોચ પાસેથી શમીને રમતની બારીકાઈઓ સમજવાની સાથે સાથે સખત મહેનત અને શિસ્તના પણ પાઠ શીખવા મળ્યા. અહીં શમી મૅચ પૂરી થયા બાદ જૂના દડાથી ‘રિવર્સ સ્વિંગ’ની કળા શીખવા અથાગ મહેનત કરતો. શમીના કોચને લાગ્યું કે આ છોકરાનું ભવિષ્ય અહીં બરાબર નહીં ખીલે તેથી તેમણે શમીને કૉલકાતા જઈ પોતાની કારકિર્દી બનાવવાનું સુચન કર્યું. અહીં શમીએ શરૂઆતમાં ડેલહાઉસી ઍથ્લેટિક ક્લબ તરફથી રમવાનું શરૂ કર્યું. બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરીએ શમીની રમતથી પ્રભાવિત થઈ તેને પોતાની ટાઉન ક્લબ તરફથી રમવા આમંત્રણ આપ્યું. તેની રમતનો વિકાસ જોઈ સેક્રેટરી શ્રી દાસે બંગાળના પસંદગીકાર એસ. બેનરજીને ભલામણ કરી અને આ રીતે શમી અન્ડર-22ની ટીમ માટે પસંદગી પામ્યો.

મહંમદ શમી
મોહન બાગાન ક્રિકેટ ક્લબ તરફથી બૉલિંગ કરતા શમી ઉપર ભારતના તે સમયના સુકાની સૌરવ ગાંગુલીની નજર પડી અને તેની બૉલિંગથી પ્રભાવિત થઈ ગાંગુલીએ બંગાળની રણજીટ્રૉફી ટીમમાં શમીને લેવાની પસંદગી સમિતિને ભલામણ કરી. પરિણામે નવેમ્બર, 2010માં આસામ સામે ઇડન ગાર્ડનમાં રમી પોતાની પ્રથમ કક્ષાની કારકિર્દીની શરૂઆત કરી. અહીં તેણે ત્રણ વિકેટ ઝડપી. પરિણામે શમીને ફેબ્રુઆરી, 2012માં ઈસ્ટ ઝોન તરફથી દુલિપ ટ્રૉફી રમવાની તક મળી. અહીં પણ તેણે પ્રભાવશાળી પ્રદર્શન કરતાં આઠ વિકેટ લઈ પોતાની ટીમને વિજેતા બનાવી. ત્યારબાદ શમીને ઇન્ડિયા ‘એ’ ટીમ તરફથી રમવા માટે વેસ્ટ ઇન્ડીઝ જનાર ટીમમાં સ્થાન મળ્યું અને ત્યારબાદ ન્યૂઝીલૅન્ડ ગયેલી ઇન્ડિયા ‘એ’ ટીમમાં પણ તે પસંદગી પામ્યો.
દરમિયાન શમીએ 18 ફર્સ્ટ ક્લાસ મૅચોમાં 71 વિકેટ ઝડપી. તેના આ પ્રભાવી પ્રદર્શનને આધારે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે પસંદગી કરવામાં આવી. ભારતના પ્રવાસે આવેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે નવેમ્બર, 2013માં કૉલકાતાના ઇડન ગાર્ડનમાં રમાયેલ ટેસ્ટ મૅચમાં શમીને સ્થાન મળ્યું. શમી જાણે આવી તકની રાહ જોતો હોય તેમ તેણે પ્રથમ દાવમાં 71 રનમાં 4 અને બીજા દાવમાં 47 રનમાં 5 વિકેટ ઝડપી. 118 રન સામે 9 વિકેટ ભારતના કોઈ પણ ઝડપી ગોલંદાજ દ્વારા પ્રથમ ટેસ્ટમાં લેવાયેલ સૌથી વધુ વિકેટનો વિક્રમ બન્યો.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સફળતા પછી દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડના પ્રવાસ માટે પણ તેની પસંદગી થઈ. ત્યારબાદ 2014માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં શમીએ એક બૅટ્સમૅન તરીકે શાનદાર દેખાવ કરતાં તેના ફાસ્ટ બૉલિંગ જોડીદાર ભુવનેશ્વરકુમાર સાથે અંતિમ વિકેટ માટે 110 રન જોડ્યા. ટેન્ટબ્રિજમાં રમાયેલ આ ટેસ્ટમાં શમીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પોતાની પ્રથમ અડધી સદી નોંધાવી. ત્યારબાદ 2014-15ના ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પોતાની 29મી ટેસ્ટ રમતાં 100 વિકેટની સિદ્ધિ પણ મેળવી.
ટેસ્ટની સાથે વનડેમાં પણ તેણે અદભુત સફળતા મેળવી છે. 6 જાન્યુઆરી, 2013ના રોજ પાકિસ્તાન સામેની દિલ્હીમાં રમાયેલ મૅચથી વનડે કારકિર્દીની શરૂઆત કરનાર શમીએ અત્યાર સુધીમાં 108 વનડેમાં 206 વિકેટ ઝડપી છે. જેમાં 2023ના વિશ્વકપમાં ન્યૂઝીલૅન્ડ સામે તેણે 57 રનમાં ઝડપેલી સાત વિકેટ તેનો શ્રેષ્ઠ દેખાવ છે.
એટલું જ નહિ, તેનો આ દેખાવ ભારત તરફથી વનડેમાં કોઈ પણ ખેલાડીનો શ્રેષ્ઠ દેખાવ છે. આ વિશ્વકપમાં તે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો હતો. શમીના શાનદાર પ્રદર્શન બદલ 2024માં ભારત સરકારે તેનેઅર્જુન ઍવૉર્ડથી નવાજ્યો. શમી ભારતનો માત્ર સાતમો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ અને વનડે બંનેમાં બસોથી વધુ વિકેટ લીધી છે. પાંચ ફૂટ આઠ ઇંચ ઊંચાઈ ધરાવતો શમી હજુ 35 વર્ષની ઉંમરે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કાર્યરત છે.
જગદીશ શાહ
