શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ લે એ કોઈને ગમતું નહોતું.
એ જમાનામાં દીકરી ગાયિકા બને એવું ભાગ્યે જ કોઈ મા-બાપ ઇચ્છતાં, પણ શમશાદે આવી વિપરીત સ્થિતિમાં પણ સંગીત પ્રત્યેનો લગાવ જાળવી રાખ્યો. સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે જ્યારે તેમને ગાતાં સાંભળ્યાં ત્યારે તેમણે તેમની પાસે એક પંજાબી ગીત ગવડાવ્યું. ગીત હતું ‘હાથ જોડા પંખિયાં દા….’ પછી તો આ ગીતની રેકર્ડ પણ બહાર પડી ને ખૂબ વેચાઈ. તે પછી બીજાં ગીતોની રેકર્ડ પણ બહાર પડતી ગઈ. તેમાં લોકગીતો ઉપરાંત નાચ અને કવ્વાલીનો સમાવેશ થતો હતો. 1937થી આ ક્ષેત્રે આવેલાં શમશાદ જોતજોતામાં રેડિયો-કલાકાર તરીકે પણ જાણીતાં બની ગયાં હતાં.
ચલચિત્રોમાં શમશાદને પાર્શ્ર્વગાયન માટે પહેલી તક લાહોરમાં દલસુખ પંચોલીએ આપી હતી. પહેલી વાર શમશાદ પાસે તેમણે પંજાબી ચિત્ર ‘યમલાજટ્ટ’માં ગીતો ગવડાવ્યાં. એ વખતે પાર્શ્ર્વગાયન એટલે શું એ પણ શમશાદને ખબર નહોતી, પણ ‘યમલાજટ્ટ’માં તેમણે ગાયેલાં આઠ ગીતો ખૂબ લોકપ્રિય થયાં. એ પછી ગુલામ હૈદરનાં કેટલાંક ચિત્રોમાં તેમણે ગીતો ગાયાં. દરમિયાન લાહોરમાં જ 1941માં બનેલા દલસુખ પંચોલીના ચિત્ર ‘ખજાનચી’માં તેમને હિંદી ગીતો ગાવાની તક મળી. આ ચિત્રની સફળતામાં તેનાં ગીતસંગીતનો બહુ મોટો ફાળો હતો. દરમિયાનમાં 1944માં ગુલામ હૈદર મુંબઈ આવી જતાં તેમની મંડળીના એક સભ્ય તરીકે શમશાદ બેગમ પણ મુંબઈ આવી ગયાં. અહીં ગાયિકા તરીકે તેઓ બહુ જલદી સ્થાપિત થઈ ગયાં. એ જમાનામાં અમીરબાઈ કર્ણાટકી છવાયેલાં હતાં. તેમ છતાં, શમશાદ બેગમે પણ પોતાનું સ્થાન જમાવી લીધું. એ સમયના તમામ અગ્રણી સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવ્યાં.
શમશાદ બેગમે ગાયેલાં લોકપ્રિય ગીતોની યાદી લાંબી છે. નાસિકામાંથી નીકળતો તીવ્ર સ્વર તેમની ગાયકીની આગવી ઓળખ છે. સામાન્ય રીતે આવો અવાજ કોઈ પણ ગાયક માટે એક મર્યાદા બની રહે, પણ શમશાદે તેને મર્યાદા બનવા દીધો નહિ. અનેક પ્રકારની ભાવનાઓ વ્યક્ત કરતાં ગીતો તેમણે ગાયાં. તેમની વિશાળ રેન્જને કારણે એ શક્ય બની શક્યું.
નોંધપાત્ર ગીતો : ‘સાવન કે નજારે હૈ’ (‘ખજાનચી’, 1941), ‘ગાડીવાલે દુપટ્ટા ઊડા જાયે રે’ (‘પૂંજી’, 1943), ‘આંસુઓં પે ખત્મ હુઆ મેરે ગમ કા ફસાના’ (‘બહેરામખાન’, 1946), ‘હમદર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે’ (‘દર્દ’, 1947), ‘ધરતી કો આકાશ પુકારે’ (‘મેલા’, 1948), ‘યે રૂપ કી દુનિયા ઔર બચા લે મેરે બાબુ’ (‘શબનમ’, 1949), ‘મેરે પિયા ગયે રંગૂન’ (‘પતંગા’, 1949), ‘મિલતે હી આંખેં દિલ હુઆ’, ‘છોડ બાબુલ કા ઘર મોહે પી કે નગર’ (‘બાબુલ’, 1950), ‘હુસ્નવાલોં કી ગલિયાં મેં જાના નહીં’ (‘શીશમહલ’, 1950), ‘સૈંયા દિલ મેં આના રે’ (‘બહાર’, 1951), ‘અમન મેં રહ કર વિરાના’ (‘દીદાર’, 1951), ‘કભી આર કભી પાર’ (‘આરપાર’, 1954), ‘કહીં પે નિગાહેં કહીં પે નિશાના’ (‘સીઆઇડી’, 1956), ‘પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયાં ચલી’ (‘મધર ઇન્ડિયા’, 1957), ‘ભીગા ભીગા પ્યાર કા સમા’ (‘સાવન’, 1959), ‘કજરા મુહબ્બતવાલા’ (‘કિસ્મત’, 1968).
હરસુખ થાનકી