શબર (વેદમાં) : દક્ષિણ ભારતની એક આદિવાસી જાતિ. ‘ઐત્તરેય બ્રાહ્મણ’માં જણાવ્યા મુજબ તેઓ વિશ્વામિત્રના જ્યેષ્ઠ પુત્રનાં સંતાનો હતાં અને શાપ મળવાથી તેઓ મ્લેચ્છ થયા હતા. ‘મહાભારત’માં જણાવ્યા પ્રમાણે વસિષ્ઠની ગાય કામધેનુનાં છાણ અને અંગોમાંથી તેઓ ઉત્પન્ન થયા હતા. એ રીતે આ પ્રકારની બીજી કેટલીક જાતિઓ પણ ઉત્પન્ન થઈ હતી. શબરો મધ્યદેશમાં વસતા હતા અને સમય જતાં તેમણે ભારતના મધ્યભાગ તથા પશ્ચિમ અને અગ્નિ દિશા તરફ સ્થળાંતર કર્યું હતું. ‘મહાભારત’માં તેમને દક્ષિણાપથવાસી તરીકે ઓળખાવ્યા છે. મહાભારતના યુદ્ધમાં તેમણે કૌરવોનો પક્ષ લીધો હતો અને સાત્યકિના હાથે મરાયા હતા.
પરદેશના લેખક પ્લિનીએ જણાવેલ સુઆરી કે ટૉલેમીએ જણાવેલા શબરાઈને તેઓ મળતા આવે છે. તેઓ ઘણુંખરું વિશાગાપટ્ટણમની ટેકરીઓમાં રહેતા. સવરલુ અથવા સૌર, ગ્વાલિયરના પ્રદેશમાં વસતા સવરિસ અને ઓરિસાની સરહદે વસતા જંગલી લોકો જેવા હતા.
આ જાતિ ગુજરાતની સરહદ પર 2,000 વર્ષ પૂર્વે રહેતી હતી. એ જાતિના લોકો સાબરકાંઠાની સરહદની વન્યજાતિઓમાં ભળી ગયા હશે. કવિ બાણે ‘કાદમ્બરી’માં વિંધ્ય પ્રદેશના શબરોનો ઉલ્લેખ કરીને તેમનો પહેરવેશ તથા ટેવો જણાવ્યાં છે. તેઓ ચંડિકા કે દુર્ગા દેવીની પૂજા કરતા હતા.
જયકુમાર ર. શુક્લ