શફી શૌક (જ. 18 માર્ચ 1950, કાપ્રિન, જિ. સોપિયાન, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી લેખક. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા કાશ્મીરીમાં ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી, હિંદી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાની જાણકારી ધરાવે છે. હાલ તેઓ કાશ્મીર યુનિવર્સિટીમાં રીડર અને કલા વિભાગના ડીન તરીકે કાર્યરત છે. તેઓ 1993–1997 દરમિયાન કાશ્મીરી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની સલાહકાર સમિતિના સભ્ય; જમ્મુ અને કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચરની જનરલ કાઉન્સિલના તથા ‘અન્હાર’ના સંપાદક-મંડળના સભ્ય રહ્યા.
તેમણે 14 વર્ષની વયે લેખનકાર્ય શરૂ કરેલું. તેમણે કાશ્મીરીમાં 8 મૌલિક, 9 અનૂદિત ગ્રંથો ઉપરાંત અન્ય અનેક ગ્રંથો સંપાદિત સ્વરૂપે આપ્યા છે. તેમાં ‘યાદ આસમાનન હિન્ઝ’ કાવ્યસંગ્રહ; ‘અદબી તન્કિબ’ અને ‘જબાન તિ અદબ’ (1980) ભાષા અને સાહિત્યના આલોચનાત્મક ગ્રંથો છે. ‘અદબી તન્કિબ’માં ‘એરિસ્ટોટલ્સ પોએટિક્સ’, ‘હોરેસ’સ આર્સ પોએટિકા’ જેવા વિશ્વપ્રસિદ્ધ પ્રશિષ્ટ ગ્રંથોનો અનુવાદ છે. તે ઉપરાંત ‘કાશ્મીરી અદબુક તવારીખ’ (1977) પણ વિવેચનગ્રંથ છે. ‘કીશુર ગ્રામર’ વ્યાકરણવિષયક ગ્રંથ છે. ‘જુબ છુમ બ્રમાન’, ‘કન્યાદાન’ અને ‘દાના કીનિ નાદાન’ તેમના અનૂદિત ગ્રંથો છે. તેમને રાજ્ય સંસ્કૃતિ અકાદમીનો સર્વશ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર, સી.આઈ.આઈ.એલ.(મૈસૂર)નું ભાષાભારતી સન્માન અને સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર(2005)થી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘યાદ આસમાનન હિન્ઝ’ કાવ્યસંગ્રહ બદલ 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કૃત કૃતિ તેમની કવિપ્રતિભાની દ્યોતક છે. તેમાંનાં કાવ્યોના માધ્યમ દ્વારા કવિને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. મિજાજ અને સંવેદનાઓના સૂક્ષ્મ ચિત્રાંકનને કારણે જીવંત આ કાવ્યોના માધ્યમથી કાશ્મીરના લોકજીવનનું યથાર્થ દર્શન અભિવ્યક્ત થયું છે. આ કૃતિ કાશ્મીરીમાં લખાયેલ ભારતીય કાવ્યની એક ઉલ્લેખનીય ભેટ ગણાય છે. તેમણે ‘જ્યૉર્જ ગ્રિયર્સન’ અને ‘લલ્લરૂખ’ પર ફિલ્મ-સ્ક્રિપ્ટ પણ લખી છે.
બળદેવભાઈ કનીજિયા