શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ (જ. 1923, કુંડઈ, ગોવા) : કોંકણી કવિ, અનુવાદક અને સંપાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ચાંફેલ્લી સાંજ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પોર્ટુગીઝ લિસેયુનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ મરાઠી ભાષાના જાણકાર છે. તેમને અંગ્રેજી તથા હિંદી ભાષાની પણ કાર્યસાધક જાણકારી છે. તેઓ સરકારી સેવામાંથી 1981માં સેવાનિવૃત્ત થયા.
તેમણે 3 કાવ્યસંગ્રહો આપ્યા છે : ‘દિસ્તાવો’ (1972), ‘અદૃષ્ટાચે કાલે’ (1982) અને ‘ચાંફેલ્લી સાંજ’ (1997). તેમણે 5 કૃતિઓ કોંકણીમાં અનૂદિત કરી છે. હાલ તેઓ 9 ગ્રંથમાં રચાનાર ‘કોંકણી શબ્દસાગર’(કોંકણી વિશ્વકોશ)ના ત્રીજા ગ્રંથનું સંપાદન કરવામાં વ્યસ્ત છે. તેનો પ્રથમ ગ્રંથ 1992માં પ્રગટ કરાયો હતો.
તેમને ‘દિસ્તાવો’ અને ‘અદૃષ્ટાચે કાલે’ માટે ગોવા કલા અકાદમીના પુરસ્કાર બે વાર એનાયત કરવામાં આવેલા. ફ્રાન્સિસ થૉમા સ્ટીવન્સ કેન્દ્ર દ્વારા જેસુઇટ ઍન્તૉન પરેરા પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે. તેમનું ગોવા સરકાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ચાંફેલ્લી સાંજ’માં કવિએ પ્રકૃતિ તેમજ જીવન ધારણ કરનાર સઘળાં ઉપાદાનોમાં રહેલી માનવીયતાનું ગીત ગાયું છે. તેમણે તેમની કાવ્યાત્મક અભિવ્યક્તિમાં સાંસ્કૃતિક મૂલ્યોનો રંગ પૂર્યો હોવાથી આ કૃતિ કોંકણીમાં લખાયેલ ભારતીય કવિતામાં મૂલ્યવાન પ્રદાન ગણાઈ છે.
બળદેવભાઈ કનીજિયા