શતપથ બ્રાહ્મણ : શુક્લ યજુર્વેદનો બ્રાહ્મણગ્રંથ. આ બ્રાહ્મણગ્રંથ બૃહત્કાય છે. शतं पन्थानः यत्र शतपथः। ततुल्यः शतपथः। ‘સો માર્ગો મળે એવો ‘ભૂમિભાગ’). એના જેવો (વિશાળ ગ્રંથ તે) શતપથ. અધ્યાય- સંખ્યા પણ લગભગ 100 છે. શુક્લ યજુર્વેદની બે શાખા છે : માધ્યંદિની અને કાણ્વ. બંનેમાં આ બ્રાહ્મણનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે :
શાખા | કાંડ | પ્રપાઠક | અધ્યાય | બ્રાહ્મણ | કંડિકા |
માધ્યંદિની | 14 | 68 | 100 | 438 | 7624 |
કાણ્વ | 17 | – | 104 | 446 | 5865 |
કાણ્વ શાખામાં પ્રપાઠકોમાં વિભાજન નથી. માધ્યંદિની શાખાના બ્રાહ્મણનું પ્રકાશન લિપઝિગથી એ. વેબરે ઈ. સ. 1924માં કર્યું છે અને કાણ્વ-બ્રાહ્મણનું પ્રકાશન બનારસથી ડબ્લ્યૂ. કૅલેન્ડે ઈ. સ. 1926માં કર્યું છે. આ સર્વપ્રથમ વાર થયેલાં પ્રકાશનો છે. બંને ઉપર આચાર્ય સાયણનાં ભાષ્ય ઉપલબ્ધ છે. ઉપલબ્ધ બ્રાહ્મણગ્રંથોમાં તે સૌથી વધુ પ્રાચીન છે. શંકર બાલકૃષ્ણ દીક્ષિત અને ટિળકના અભિપ્રાયોને લક્ષ્યમાં લેવામાં આવે તો આ બ્રાહ્મણનો સમય ઈ. પૂ. 3100થી 2500નો છે. આ બ્રાહ્મણના સંકલનનું શ્રેય મહર્ષિ યાજ્ઞવલ્ક્યને જાય છે. મહાભારતમાં તે રાજર્ષિ જનકને કહે છે : शतपथं देव अपूर्व च कृतं मया। (‘મારા દ્વારા અપૂર્વ એવા આ શતપથની રચના થઈ છે.’) આ બ્રાહ્મણની અપૂર્વતા – અનન્ય વિલક્ષણતા સ્વયંસ્પષ્ટ છે.
શતપથ બ્રાહ્મણના પ્રથમ કાંડમાં દર્શ અને પૌર્ણમાસ ઇષ્ટિઓ રજૂ થઈ છે. બીજા કાંડમાં અગ્ન્યાધાન વગેરે અગ્નિહોત્રની વિધિઓ અને ચાતુર્માસ્ય વગેરે યજ્ઞોની મીમાંસા છે. ત્રીજા કાંડમાં સોમયાગના દીક્ષાભિષવ સુધીના વિધિઓ વર્ણવાયા છે. ચોથા કાંડમાં સોમયાગના બાકીના વિધિઓ, સોમસંસ્થા, દ્વાદશાહ અને સત્ર વગેરે યાગોનું નિરૂપણ છે. પાંચમા કાંડમાં વાજપેય અને રાજસૂય યજ્ઞો નિરૂપાયા છે. છઠ્ઠા કાંડમાં ઉષાસંભરણ અને વિષ્ણુક્રમની વાત છે. સાતમા કાંડમાં ચયન યાગની વિસ્તૃત વિગતો છે. આઠમા કાંડમાં પ્રાણભૃત્ વગેરે ઇષ્ટકાસ્થાપનાનો વિધિ વર્ણવાયો છે. નવમા કાંડમાં શતરુદ્રીય હોમ, ધિષ્ણ્યચયન, પુનશ્ચિતિ વગેરેનો ખ્યાલ આપ્યો છે. દસમા કાંડમાં ચિતિ અને ચયનયાગ, ઇષ્ટકાઓ, અગ્નિની ઉપાસના, ઋષિવંશ વગેરેની ઝીણી વિગતો છે. અગિયારમા કાંડમાં વિવિધ ઇષ્ટિઓ, દાક્ષાયણયજ્ઞો, પંચમહાયજ્ઞ, અધ્યાત્મ, પ્રાયશ્ચિત્ત વગેરે વિશે ચર્ચા રજૂ થઈ છે. બારમા કાંડમાં દીક્ષાક્રમ, મહાવ્રત, ગવામયન, સૌત્રામણીયાગ વગેરેનો વિધિ વિસ્તારથી આપ્યો છે. તેરમા કાંડમાં અશ્વમેધ, પુરુષમેધ, સર્વમેધ, પિતૃમેધ વગેરેનું વિવરણ છે. અંતિમ ચૌદમા કાંડમાં પ્રવર્ગ્યકર્મ, પ્રવર્ગ્યોત્સાદન અને બૃહદારણ્યક ઉપનિષદની રજૂઆત છે. આમાં સમગ્ર યજ્ઞવિદ્યાનું વિશેષ રીતે માહાત્મ્ય પ્રગટ થયું છે. ઉત્તરકાલીન સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું અહીં ઉદ્ગમન છે. રામકથા, પુરુરવા-ઉર્વશી વૃત્તાન્ત, કદ્રુસુપર્ણા યુદ્ધ વગેરે ઉપાખ્યાનો અહીં એની પ્રારંભિક અવસ્થામાં પ્રાપ્ત છે. ભગવાન મનુ અને મત્સ્યની જળપ્રલયવાળી કથા અહીં છે. પ્રશિષ્ટ સંસ્કૃતમાં નાટ્ય અને કાવ્યનાં સ્વરૂપનું ઘડતર ઉત્તરકાળમાં થાય તેવા સાહિત્યિક અંશો આ બ્રાહ્મણમાં ઉપલબ્ધ છે. શબ્દોની વ્યુત્પત્તિઓ આ બ્રાહ્મણમાંથી મળે છે. અહીં પ્રયોજાયેલા अर्हत् અને श्रमण શબ્દો જે અર્થમાં પ્રયોજાયા છે એ જ અર્થ પછીના જૈન-બૌદ્ધકાળમાં પણ જળવાયો છે. રાજા જનક, દુષ્યંત, ભરત, જનમેજય જેવા ઐતિહાસિક રાજાઓની વિગતો આમાં છે. વૈદિક યજ્ઞો માટેનો આ સર્વગ્રાહી કોશ તો છે જ. આ રીતે આ બ્રાહ્મણગ્રંથ અનેક રીતે મહત્ત્વનો છે.
રશ્મિકાંત મહેતા