શતકકાવ્યો : સો શ્ર્લોકો ધરાવતો સંસ્કૃત કાવ્ય-પ્રકાર. ઉપલબ્ધ સામગ્રી અનુસાર સંસ્કૃત સાહિત્યમાં ‘શતક’ કાવ્યની પરંપરા ઈ. સ.ની 7મી સદીથી આરંભાય છે. ‘શતક’ એટલે સો કે તેથી થોડાં વધારે પદ્યોવાળું કાવ્ય. શતકમાં ઓછામાં ઓછાં 100 પદ્યો તો હોય જ. શતક કોઈ નિશ્ચિત વિષયને અનુલક્ષીને પણ રચાયું હોય અથવા જેને ‘મુક્તક’ કહેવાય તેવા પ્રકારનાં સો પદ્યો પણ તેમાં હોય. તેમાં વિષય એક હોય પણ કથાત્મક ન હોય; રીતિ કથનાત્મક કે વર્ણનાત્મક પણ હોય. ‘અમરુશતક’ તો શૃંગારરસનાં વિવિધ મુક્તકોથી ભરપૂર હોવા સાથે આનંદવર્ધનના શબ્દોમાં તેનું એક મુક્તક સો પ્રબંધની ગરજ સારે તેવું છે. શતકકાવ્યોમાં ભર્તૃહરિનાં શૃંગાર, નીતિ અને વૈરાગ્ય શતકત્રય, અમરુકનું ‘અમરુશતક’, મયૂરનું ‘સૂર્યશતક’, બાણનું ‘ચંડીશતક’ અને લીલાંશુકનું ‘કૃષ્ણકર્ણામૃત’ મુખ્ય છે. એ સિવાય પણ ભર્તૃહરિના શતકને અનુસરતાં જૈનકવિઓ રચિત શતકોમાં ‘સોમશતક’, ‘શૃંગારવૈરાગ્યશતક’, ‘પદ્માનન્દ શતક’, ‘ધનદત્રિશતી’ વગેરેનો પણ સમાવેશ થાય છે. ભર્તૃહરિનાં શતકો પર ધનસારગણિની સંસ્કૃત ટીકા પ્રસિદ્ધ છે.
મયૂરકૃત ‘સૂર્યશતક’માં સૂર્યની સ્તુતિ છે. મયૂર બાણભટ્ટના શ્વશુર હતા એવી અનુશ્રુતિ છે. બાણના શાપને કારણે મયૂરને કોઢ નીકળ્યો અને તેના નિવારણ માટે મયૂરે સૂર્યદેવને પ્રસન્ન કરવા ‘સૂર્યશતક’ની રચના કરી. તેમાં સૂર્યદેવ પ્રત્યેનાં ભક્તિભાવભર્યાં પદ્યો છે. અનુશ્રુતિ મુજબ સૂર્યોપાસનાથી મયૂરનો કુષ્ઠરોગ મટી ગયો હતો.
બાણને પણ મયૂરે વળતો શાપ આપતાં બાણે પણ, કહે છે કે, ‘ચંડીશતક’ની રચના કરી હતી. ‘ચંડીશતક’માં દેવી દુર્ગાના મહિષાસુરમર્દિની સ્વરૂપની સ્તુતિ છે. સ્રગ્ધરા છંદ છે અને કાવ્ય ગાઢ બંધવાળું છે. દુર્ગાના રણચંડી સ્વરૂપનું લય અને પ્રાસ સાથે વર્ણન કરવામાં આવ્યું છે અને ભૂરિભાવા ભવાની દુર્ગાને દુરિતનું શમન કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. અનુશ્રુતિ મુજબ બાણ પણ શાપમુક્ત થયા હતા.
ભર્તૃહરિનાં ત્રણ શતકો સંસ્કૃત સાહિત્યનાં અતિ પ્રસિદ્ધ શતકો છે. ‘નીતિશતક’માં 104 પદ્યોમાં વિવિધ છંદોમાં નીતિવિષયક ચિંતન કરવામાં આવ્યું છે; જેમાં પ્રથમ પદ્યમાં જ કામની નિન્દા કરવામાં આવી છે. ભર્તૃહરિના જીવનમાં બનેલી અમરફળની ઘટનાનો એમાં સંદર્ભ છે. અનુશ્રુતિ પ્રમાણે રાજા ભર્તૃહરિ પોતાના પૂર્વજીવનમાં ભોગી અને વિલાસી હતા. પોતે પોતાની પ્રિયતમાને આપેલ અમરફળ પ્રિયતમાએ તેના પ્રેમીને, પ્રેમીએ તેની પ્રેમિકાને અને તે પ્રેમિકાએ પુન: રાજાને આપતાં ભર્તૃહરિને સંસારની અસારતાનું ભાન થયું અને તેઓ વિરક્ત સંન્યાસી બન્યા. ભર્તૃહરિએ સાંસારિક અને ત્યાગમય ઉભય જીવનમાં જે કંઈ સૂક્ષ્મેક્ષિકાપૂર્વક નિહાળ્યું, અનુભવ્યું. તેના પરિપાક રૂપે તેમને જે જીવન અને જગતનું દર્શન લાધ્યું તે સઘળું સ્થિતપ્રજ્ઞભાવે તેમનાં ત્રણેય શતકોમાં નિરૂપ્યું છે.
‘નીતિશતક’માં સજ્જનપ્રશંસા અને દુર્જનનિન્દા, રાજનીતિ, ભાગ્ય, ધન, વિદ્યાપ્રશંસા, સમાજવ્યવહાર જેવા વિષયોને સ્પર્શતાં પદ્યો છે. વિદ્યાવાન અને ધીર પુરુષોની તેમાં ભરપૂર પ્રશંસા છે. વિદ્યાધન તો કલ્પાન્તે પણ નષ્ટ થતું નથી. યાચકોને તેનું દાન કરવાથી તેની નિરંતર વૃદ્ધિ થતી રહે છે. ‘નીતિશતક’માં અહિંસા, સત્ય, દયા, દાન, તપ વગેરે સિદ્ધાંતોનો પણ સમાદર કરેલો છે.
‘શૃંગારશતક’ પણ વૈરાગ્યના સંસ્પર્શથી યુક્ત છે. ભર્તૃહરિનાં શૃંગારપદ્યો અમરુનાં ‘શૃંગારશતક’નાં પદ્યોની જેમ નિર્ભેળ શૃંગારરસની અભિવ્યક્તિ કરતાં નથી; પરંતુ ભલભલા વિદ્વાન, તપસ્વીઓ પણ નારીવિભ્રમોથી પરાજિત થઈ જાય છે. એમ એમાં મોટેભાગે શૃંગારની નકારાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે.
‘શૃંગારશતક’નો આરંભ ભગવાન શિવની સ્તુતિથી થયો છે, જેમાં તેમને ‘જ્ઞાનપ્રદીપ’ કહેવામાં આવ્યા છે. પ્રારંભિક પદ્યમાં સુખી ગૃહસ્થોની પ્રશંસા છે પછી નારીની ચંચળતા, તેના મોહપાશમાં બદ્ધ વીર, વિદ્વાન વગેરેનું નિરૂપણ છે; પરંતુ યોગાભ્યાસમાં જેની મૈત્રી છે તેને વિષયોથી કોઈ લેવાદેવા નથી એવું પણ કવિ કહે છે. આ ઉપરાંત વિષયરસનું આધિક્ય, કમલનયના નારીઓનું પ્રલોભન, મનની રુચિ, જિતેન્દ્રિયનું સ્વરૂપ, કંદર્પનું આધિક્ય, પથિકનું વર્ણન, યુવતીનાં સ્વાભાવિક મંડનો, કટાક્ષ અને સ્નિગ્ધ વાણીનું નિરૂપણ છે. નારી અને નદીની વિષમતા, નારી નરકદ્વારની ચાવી વગેરે નિરૂપણો જોતાં ભર્તૃહરિનું શૃંગારશતક શાન્તરસના વિભાવરૂપ લાગે છે.
ઋતુવર્ણનોમાં વસંત અને શિશિરનાં વર્ણનો કવિત્વમય છે.
‘વૈરાગ્યશતક’માં 117 પદ્યો છે તેમાં આરંભમાં શાન્ત તેજરૂપ વિજ્ઞાનમૂર્તિ પરબ્રહ્મને નમસ્કાર કર્યા છે. સમગ્ર શતકમાં તૃષ્ણા, ભોગેચ્છા વગેરેની નિર્બળ માનવો ઉપરની સર્વોપરીતા અને માનવજીવનની કરુણતા વ્યક્ત કરવામાં આવી છે. શરીર જરાજીર્ણ થતાં મૃત્યુનાં બધાં જ કારણો સામે હોવા છતાં દેહ છૂટતો નથી તેમ જણાવી ભર્તૃહરિ તેમના એક અતિપ્રસિદ્ધ પદ્યમાં જણાવે છે તેમ, ‘ભોગો ભોગવાતા નથી અમે જ ભોગવાઈ ગયા, તપ તપ્યું નથી પરંતુ અમે જ તપી ગયા. તૃષ્ણા ર્જીણ ન થઈ અમે જ જીર્ણ થઈ ગયા અને કાળ કંઈ ગતિ કરતો નથી અમે જ ચાલ્યા ગયા. તૃષ્ણા માનવનો કેડો મૂકતી નથી’ એમ વારંવાર જણાવી તૃષ્ણાની પકડ માનવ પર કેવી તો ભયંકર છે તેનું દર્શન કરાવ્યું છે.
કામ અને મોહનો મહિમા પતંગ અને મત્સ્યનાં ઉદાહરણોથી સમજાવ્યો છે. માનવીઓની પ્રશંસા, રાજાઓના ગર્વને ઉપાલંભ ઇત્યાદિ વિગતોનું નિરૂપણ આલંકારિક શૈલીમાં કર્યું છે.
કવિ દૃઢ વૈરાગ્યની ભાવના કેળવતાં જણાવે છે કે હિમાલયની કોઈ શિલા પર પદ્માસન વાળીને બેસવાનો, ગંગાકિનારે યોગમુદ્રામાં બ્રહ્માનન્દની મસ્તીમાં જ્યાં દિવસો પસાર થતા હોય તથા પ્રૌઢ હરણો જ્યાં શંકારહિત થઈને પોતાનાં શિંગડાં ઘસતાં આનંદ પામતાં હોય એવા દિવસો ક્યારે આવશે ? શિવમય બની જવાનું પણ કવિ ઇચ્છે છે.
આ ઉપરાંત સંતોષ, અસંગ, યોગીઓનો આનંદ, સંસારની ક્ષણભંગુરતા વગેરેની ચર્ચા પણ પ્રસ્તુત શતકમાં કરવામાં આવી છે.
‘વિજ્ઞાનશતક’ પણ ભર્તૃહરિનું રચેલું કહેવાય છે : પરંતુ ઉપર્યુક્ત શતકત્રય તો તેમની કૃતિ હોવાનું નિશ્ચિત છે.
‘અમરુશતક’માં 108 મુક્તકો છે. એક મત પ્રમાણે એમાં 51 પદ્યો જ હતાં. અનુશ્રુતિ અનુસાર શંકરાચાર્યની રચના હોવાનું કહેવાય છે. કહે છે કે મંડનમિશ્રને વાદમાં હરાવનારા શંકરાચાર્ય સામે જ્યારે મંડનની પત્ની ભારતીદેવી ચર્ચામાં ઊતર્યાં ત્યારે ભારતીદેવીએ સંસાર સંબંધી પ્રશ્નો પૂછતાં સાંસારિક જીવનનો અનુભવ લેવા શંકરાચાર્ય કાશ્મીરના મૃત રાજા અમરુકના શરીરમાં પ્રવેશ્યા હતા અને સંસારનો અનુભવ લઈ પાછા પોતાના શરીરમાં આવીને તેમણે ભારતીદેવીને પરાજિત કર્યાં હતાં, પરંતુ શંકરાચાર્યનો સમય વહેલો હોઈ અનુશ્રુતિમાંથી કદાચ અમરુકનું વતન કાશ્મીર છે એવું જ ફલિત થાય છે.
અમરુકનાં મુક્તકો સ્વમાં પરિપૂર્ણ છે. કોણ કોનાથી ચડિયાતું તે કહેવું મુશ્કેલ છે. અમરુનાં પદ્યો નિર્ભેળ શૃંગારરસનાં છે. પ્રસન્ન દામ્પત્ય. મુગ્ધપ્રેમીઓનાં હાસ-પરિહાસ, રિસામણાં, મનામણાં – એમ કંઈ કેટલાય રસાળ પ્રસંગોથી ભરપૂર કવિતાથી ઝરતાં પદ્યો છે. સહૃદયને પુન: પુન: માણવાં ગમે તેવાં આકર્ષક પદ્યો છે.
અમરુકનો ભાવપક્ષ અપૂર્વ છે. શૃંગારના બંને ભેદો વિપ્રલંભ અને સંભોગના નિરૂપણમાં અમરુકની લેખિની સિદ્ધહસ્ત કલાકારની છે. પ્રસ્તુત શતકમાં નવોઢા, મુગ્ધા, ખંડિતા, પ્રૌઢા, સ્વાધીનપતિકા, વાસકસજ્જા, પ્રોષિતભર્તૃકા – એમ વિવિધ નાયિકાઓનાં તાદૃશ અને ભાવસભર વર્ણનો છે. આલંબન અને ઉદ્દીપનવિભાવ, અનુભાવ, સાત્ત્વિકભાવ તથા સંચારી ભાવોની વ્યંજના સહજપણે તે કરે છે. અમરુનું લક્ષ્ય ભાવકોને શૃંગારનો નિર્ભેળ આસ્વાદ કરાવવાનું છે. એટલે ભર્તૃહરિના ‘શૃંગારશતક’ કરતાં અમરુનાં પદ્યો વિશેષ સ્વાભાવિક, સહજ અને એકધારી રસાનુભૂતિ કરાવનારાં બન્યાં છે. જ્યારે ભર્તૃહરિના શૃંગારશતકમાં શૃંગાર હોવા છતાં ભાવપક્ષ એટલો પ્રબળ નથી; ઊલટાનું નિર્વેદનો ભાવ ક્યારેક તેમાં વધારે તીવ્ર લાગે છે અને શૃંગારનો આસ્વાદ ખંડિત થતો જણાય છે.
બિલ્વમંગલનું ‘કૃષ્ણકર્ણામૃત’ પણ કૃષ્ણના બાલ અને કિશોરસ્વરૂપની લીલાઓને વર્ણવતું રસપ્રચુર કાવ્ય છે. કવિ ગોપીભાવે બાલકૃષ્ણ અને બંસીધરકૃષ્ણને ભજે છે અને આમ મધુરભાવનો ચરમોત્કર્ષ લગભગ સઘળાં પદ્યોમાં જણાય છે.
આ ઉપરાંત બે ભલ્લટશતકો પણ છે. ભલ્લટ-1 કાશ્મીરના રાજા શંકરવર્માના દરબારના કવિ હતા. (ઈ. સ. 884-902). તેમનું શતક અઘરી શૈલીમાં રચાયું છે, તોપણ સરસ કવિત્વયુક્ત છે. તેમાં નીતિ ઉપરનાં પદ્યો છે. અભિનવગુપ્ત, ક્ષેમેન્દ્ર અને મમ્મટ તેમાંથી પોતાના અલંકારગ્રંથોનાં ઉદ્ધરણો આપે છે. ભલ્લટનાં પદ્યો સુભાષિતસંગ્રહોમાં સંગ્રહાયેલાં છે.
ભલ્લટ-2 દક્ષિણના છે. તેમણે કાંજીવરમનાં દેવી પેરુનદેવી પર શતક રચ્યું છે. તેમની કવિતા dexterous શબ્દાર્થના કૌશલ્યથી યુક્ત છે.
ધનદરાજ દેહલના પુત્રે 1434માં ભર્તૃહરિની જેમ, ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ – એમ ત્રણ શતકો રચ્યાં છે.
સોમપ્રભે ‘સિંદૂરપ્રકર’ (જૈન ધર્મ અનુસાર) ‘શૃંગારવૈરાગ્યતરંગિણી’ વગેરે રચના કરી છે. સુબ્રહ્મણ્ય, જનાર્દન અને સોમનાથ જેવા આધુનિક કવિઓએ પણ શતકકાવ્યોની રચના કરી છે.
પદ્માનંદ કવિએ ‘વૈરાગ્યશતક’ની રચના કરી છે. અપ્પય્ય દીક્ષિતે પણ ‘વૈરાગ્યશતક’ની રચના કરી છે. શિલ્હણ નામના કવિએ ‘શાંતિશતક’ લખ્યું છે, તો નરહરિ નામના કવિએ ‘શૃંગારશતક’ રચ્યું છે. કોઈક અજ્ઞાત કવિએ તલવાર વિશે ‘ખડ્ગશતક’ લખ્યું છે. ગુમાનિ નામના કવિએ મનુષ્યને ઉપદેશ આપતું ‘ઉપદેશશતક’ પણ રચ્યું છે. વિશ્ર્વેશ્વર પાંડેય નામના કવિ નવી જાતની ‘રોમાવલીશતક’ની શૃંગારપ્રધાન રચના કરનારા છે. તો વળી કુસુમદેવ નામના કવિની દૃષ્ટાંત વિશેની ‘દૃષ્ટાંતશતક’ રચના પણ નવી તરાહની છે. નાગરાજ નામના કવિએ ચિત્ર અલંકારના જ એક પ્રકાર ભાવ ગુપ્ત રાખી કયા ભાવથી અમુક ક્રિયા કરવામાં આવી તે વિશે ‘ભાવશતક’ નામના કાવ્યની રચના કરી છે.
આલંકારિકોમાં શિરોમણિ આચાર્ય આનંદવર્ધન ‘દેવીશતક’ નામનું દેવીની સ્તુતિ કરતું શતકકાવ્ય કરનારા કવિ છે. એવા જ આલંકારિક આચાર્ય રાજા ભોજે ધનુષ્ય વિશે વર્ણન કરતું ‘કોદંડશતક’ નામનું કાવ્ય પ્રસ્તુત કર્યું છે. વૈષ્ણવ કવિ શ્રીકૃષ્ણવલ્લભ ‘કાવ્યભૂષણશતક’ નામના ઉત્તમ શતકકાવ્યના રચયિતા છે. મહામાત્ય વસ્તુપાળ અને તેજપાળના સમસામયિક ગુજરાતી મહાકવિ સોમેશ્વરે ભગવાન રામ પર આધારિત ‘રામશતક’ નામના શતકકાવ્યની રચના કરી છે. કવિ ઉત્પ્રેક્ષાવલ્લભ શૃંગારવિષયક ‘સુંદરીશતક’ના કવયિતા છે. વળી ઈશ્વરવિષયક ‘ઈશ્વરશતક’ રચનારા અવતારકવિ પણ જાણીતા છે; જ્યારે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર પર રચાયેલા ‘સુદર્શનશતક’ના કવિ ક્રૂરનારાયણ નામ ધરાવનારા છે. મહાકવિ નીલકંઠ દીક્ષિત ‘અન્યાપદેશશતક’ નામના અન્યોક્તિ કાવ્યના, કળિકાળની વિષમતાઓ વર્ણવતા ‘કલિવિડંબનશતક’ના અને રાજસભાનું મનોરંજન કેવી રીતે કરવું તે વિશેના ‘સભારંજન શતક’ના રચયિતા શતકકાવ્યકવિ છે. જૈન કવિ જંબૂગુરુએ જૈન ધર્મ વિશેના ‘જૈનશતક’ની કાવ્યરચના આપી છે; જ્યારે મધુસૂદન નામના કવિએ ‘અન્યાપદેશશતક’ની કાવ્યરચના કરી છે.
ટૂંકમાં, આ શતકોમાં નીતિ, શૃંગાર, શાંત, મધુર તથા ભક્તિપૂર્ણ ભાવોની વ્યંજના સુચારુ રૂપે કરવામાં આવી છે.
પારુલ માંકડ
પ્ર. ઉ. શાસ્ત્રી