શક્તિ : હિંદુ ધર્મમાં સ્ત્રી સ્વરૂપે ઉપાસાતી ઈશ્વરી શક્તિ; સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યાશક્તિ – મા ભવાની, જગન્માતા, જગદંબા. આ આદ્યાશક્તિ તે જ મહામાયા કે મા દુર્ગા તરીકે જાણીતી છે. તે મૂળ પ્રકૃતિરૂપ અદિતિ છે અને ભગવતી, દેવી, શક્તિ, અંબિકા, પાર્વતી, દુર્ગા આદિ આ દૈવી વિભૂતિના જ અવતારો હોવાનું મનાય છે.
‘શક્તિ’ પદમાં રહેલ ‘શ’નો અર્થ છે કલ્યાણ કે સમૃદ્ધિ અથવા ઐશ્વર્ય અને ‘ક્તિ’ એટલે શૌર્ય કે પરાક્રમ. કલ્યાણકારિતા અને પરાક્રમશીલતા એ બે ગુણોનું મૂર્તિમંત સ્વરૂપ જે છે તેવી દેવી શક્તિ કહેવાય છે. આદ્યાશક્તિ ઐશ્વર્ય અને પરાક્રમરૂપા છે તથા ઐશ્વર્ય અને પરાક્રમ પ્રદાન કરનારાં છે.
– સમર્થ બનવું એ ધાતુ ઉપરથી વ્યુત્પન્ન થયેલ ‘શક્તિ’ શબ્દનો મૂળ અર્થ છે વસ્તુ કે વ્યક્તિ વગેરેમાં રહેલું તેમનાં કાર્ય અંગેનું ચાલક બળ. ઇષ્ટ કર્મ સિદ્ધ કરી આપે તેવા સામર્થ્યને અથવા બળને શક્તિ કહે છે. તે અર્થમાં સામર્થ્ય, તાકાત, દૈવત, કૌવત, સત્ત્વ વગેરેને શક્તિના પર્યાયરૂપ લેખી શકાય. આ સત્ત્વ કે સામર્થ્ય જગતના જડ-ચેતન વગેરે સર્વ કોઈ પદાર્થમાં હોય છે; પરંતુ વ્યક્તિભેદે તે શક્તિ ભિન્ન ભિન્ન હોય છે. ભૌતિક પદાર્થોમાં રહેલી આ શક્તિ તે અધિભૂત શક્તિ છે તથા વનસ્પતિ, પશુ-પંખી, માનવ આદિમાં રહેલ સામર્થ્ય તે અધિદૈવ શક્તિ ગણાય છે; પરંતુ તેનાથી પર જ્ઞાની પુરુષનું જે સામર્થ્ય છે તે છે અધ્યાત્મશક્તિ, જે બ્રહ્માત્માનો અનુભવ કરાવે છે.
શક્તિના ત્રણ ભેદ અધિભૂત, અધિદૈવ ને અધ્યાત્મ પૈકી અધિભૂત શક્તિ જડ છે. અધિદૈવ શક્તિ અહંકાર સાથે જોડાયેલી હોઈ જડાજડ છે અને અધ્યાત્મશક્તિ ચિન્મયી છે. અધ્યાત્મશક્તિનાં બે આવરણ-જ્ઞાનાવરણ અને ક્લેશાવરણ-નો ભંગ થતાં, ચિત્શક્તિ આનંદમય સ્વરૂપને પામે છે. આનંદથી છલકાતી ચિન્મયી શક્તિને જ દેવતામયી અદિતિ એવું નામ અપાયું છે.
સકલ અને નિષ્કલભેદે દ્વિવિધ એવા બ્રહ્મનું જે સ્વરૂપ છે તેમાં સ્વાનુભવ કરવાનું સામર્થ્ય રહેલું છે તેને શક્તિ અથવા દેવી કહે છે. તે ચૈતન્યશક્તિનાં સ્થૂળ, સૂક્ષ્મ અને પર એવાં ત્રણ રૂપ છે. તે પૈકી કર-ચરણ વગેરે અવયવોવાળું સ્વરૂપ સ્થૂળ છે, તો મંત્રમય શરીર એ સૂક્ષ્મ છે; પરંતુ તેની ઉપાસના કરનારની બુદ્ધિ-વાસનાથી ઘડાયેલું જે અન્ય રૂપ છે તે ‘પર’ કહેવાય છે. આ સર્વ પ્રકારનાં રૂપનું ભક્તિપુર:સર ચિંતન કરવાથી શક્તિસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે.
બ્રહ્મતત્ત્વમાં રહેલી આ સ્વાભાવિકી શક્તિ કે જે જગતનું વૈચિત્ર્ય પ્રકટ કરનારી છે, તે ચિદ્રૂપા શક્તિ આદ્યા કહેવાય છે; અને તે સ્વચ્છ-નિર્મળ ભાવે વિલસે છે. આ શક્તિ સર્વ પ્રાણી કે પદાર્થમાં રહી ચમત્કૃતિ કરે છે. છાંદોગ્ય ઉપનિષદમાં તેને ‘પરાદેવતા’ તરીકે ઓળખાવી છે, તો તૈત્તિરીય ઉપનિષદમાં તેને જ ‘પરમે વ્યોમન્’ કહી છે. ‘શ્ર્વેતાશ્વતર ઉપનિષદ’માં જણાવાયું છે કે, પોતાના ગુણોથી ઢંકાયેલી દેવની આત્મભૂતા શક્તિ જગતનું કારણ છે. આ પરાશક્તિ સ્વાભાવિકી અને વિવિધ રૂપોવાળી છે. તેના ત્રણ વિભાગ છે જ્ઞાનશક્તિ, બલશક્તિ (સંકલ્પ અથવા ઇચ્છાશક્તિ) અને ક્રિયાશક્તિ. આ પૈકી ક્રિયારૂપા શક્તિ પ્રાણમય છે; ઇચ્છારૂપા શક્તિ મનોમય છે અને જ્ઞાનરૂપા શક્તિ વિજ્ઞાનમય છે.
બ્રહ્મતત્ત્વની મૂળ પૂર્ણભાવવાળી પ્રેરક દૈવી શક્તિ કે જેને ઉપનિષદમાં પરાદેવતા અથવા દેવતાત્મશક્તિ અથવા ચિચ્છક્તિ કહી છે તે પ્રાણમયી, જીવનમયી ને આનંદમયી હોવાથી સચ્ચિદાનંદમયી ગણાય છે. બ્રહ્મનું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ કે જે તેની પોતાની સ્વાભાવિક શક્તિરૂપ છે તે આ સ્વયંભૂ દિવ્યશક્તિ જ જ્ઞાન, ઇચ્છા ને ક્રિયા રૂપે વિભક્ત થાય છે. તે મુજબ ચિત્શક્તિનો પ્રથમ ભાવ જે બાલાના રૂપમાં પૂજાય છે તેમાં ઇચ્છાશક્તિનું પ્રાધાન્ય છે. સુન્દરીરૂપ બીજા ભાવમાં ક્રિયાશક્તિનું અને કાલીરૂપે રહેલ ત્રીજા ભાવમાં જ્ઞાનશક્તિનું પ્રાધાન્ય છે. જ્યાં આ ત્રણેય ભાવોનું કેન્દ્રબિન્દુ છે તેમાં પરાશક્તિ, પરાવાક્ વગેરે ભાવ થકી તુરીય પદનો બોધ થાય છે.
આ ઇચ્છા, જ્ઞાન અને ક્રિયાશક્તિનું મૂલ કેન્દ્ર અધિકરણમાં રહેલું હોવાથી શક્તિને સ્ત્રીનું રૂપક અપાય છે; અને જગતના ઉપાદાનકારણ રૂપે શક્તિ, ઈશ્વરી, નારાયણી વગેરે સંજ્ઞાઓ આપવામાં આવે છે. વાસ્તવમાં તો સ્ત્રી, પુરુષ કે નપુંસક ત્રણેય પ્રકારનાં સચેતન શરીરીઓમાં શક્તિનો કુંડલિની રૂપે ગુપ્તવાસ હોય છે.
વેદોમાં જે વ્યાપક દેવતામયી શક્તિનું વર્ણન કરાયું છે તે શક્તિનું ઉપાસ્ય રૂપ બ્રાહ્મણગ્રન્થો તથા આરણ્યકોમાં પ્રગટ થયું છે. બ્રહ્મચૈતન્યની શુદ્ધ શક્તિ ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી આદિ રૂપે ઉલ્લેખાઈ છે. તે પૈકી સદબ્રહ્મનું સ્વરૂપ જેના ગાન થકી રક્ષાય છે તે શક્તિ ગાયત્રી છે અને તેમાંથી વિશ્વનો પ્રાદુર્ભાવ થતો હોઈ તે જ સાવિત્રી કહેવાય છે અને વળી તેમાંથી બ્રહ્માનંદનો પ્રવાહ વહેતો હોઈ તે જ સરસ્વતી પણ કહેવાય છે. આદ્યાશક્તિ કુમારી-બાલા રૂપે, સતી-યુવતીભાવમાં શિવપત્ની રૂપે સ્વેચ્છાવિઘાત થતાં નાશ કરનાર કાલી રૂપે અને વળી વિશ્વનો ઉદ્ધાર કરનાર કુમાર કે સ્ક્ધદને જન્મ આપનાર જનની – સ્કન્દમાતા રૂપે એમ વિધવિધ રૂપે શક્તિનું પ્રાગટ્ય વર્ણવાય છે; જેનાથી ત્રિવર્ગની સિદ્ધિ થાય છે તથા જે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ભગ – દિવ્ય ગુણો આપનારી છે તે ‘સુભગા’ પણ કહેવાય છે. વળી, જગતને ઉત્પન્ન કરવાની ઇચ્છાશક્તિને ત્રિપુરા કહે છે. તેનાં અન્ય નામોમાં સુન્દરી, અંબિકા, પાર્વતી, ઉમા, હૈમવતી વગેરે પ્રાપ્ત થાય છે. તેમાં કાલી, તારા, સુન્દરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ઘૂમાવતી, બગલા, માતંગી અને કમલા આ દસ કે જે શક્તિનાં જ મુખ્ય રૂપો છે, તેમને દશ મહાવિદ્યા તરીકે ગણાવાઈ છે; જ્યારે બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી અને ઐન્દ્રી – એ સાત શક્તિઓને માતૃકા તરીકે વર્ણવી છે. કેટલીક ભયંકર ને રુદ્ર શક્તિઓની કલ્પના પણ કરવામાં આવી છે; જેવી કે, કાલી, કરાલી, કાપાલી, ચામુંડા અને ચંડી. તેમનો સંબંધ કાપાલિક અને કાલમુખાઓની સાથે છે. કેટલીક એવી શક્તિઓની કલ્પના પણ થઈ કે જે વિષયવિલાસ તરફ દોરી જાય તેવી છે. આ દેવીઓ આનંદભૈરવી, ત્રિપુરસુંદરી, લલિતા વગેરે છે. તેમના ઉપાસકોના મતે શિવ અને ત્રિપુરસુંદરીના યોગથી સંસાર બન્યો છે.
દેવી ભાગવતમાં જણાવ્યા મુજબ, જેમ અગ્નિ અને તેની ઉષ્ણતા, સૂર્ય અને તેનાં કિરણ, ચન્દ્ર અને તેની ચન્દ્રિકાનો યોગ છે તેવી જ રીતે બ્રહ્મ સાથે તેની માયા છે અને તે સહજાતા ‘નિત્યા શક્તિ’ છે. બ્રહ્મની આ માયાશક્તિને કેટલાક ‘તપસ્’ કહે છે તો કોઈ તેને ‘તમસ્’ કહે છે; કોઈ તેને ‘જડ’ કહે છે તો કોઈ તેને ‘અજ્ઞાન’ કહે છે. કોઈ તેને ‘પ્રધાન’ તો કોઈ તેને ‘પ્રકૃતિ’ કહે છે. શાક્તો તેને ‘નિત્યા શક્તિ’ કહે છે, શૈવો તેને ‘વિમર્શ’ કહે છે અને વૈદિકો કે વેદાન્તીઓ તેને ‘અવિદ્યા’ કહે છે.
અદ્વૈતવાદ અનુસાર ચિદ્રૂપ જણાતી પરમાત્મશક્તિ માયા કહેવાય છે, અને અવિદ્યારૂપ તે માયા જ આ જગતનું ઉપાદાન કારણ છે; જ્યારે તાન્ત્રિકોના મતે બ્રહ્મની શક્તિ કે જે ચિદ્રૂપા છે તે અનંતરૂપધારિણી માયા છે. તે પરમેશ્વરની પરાશક્તિ વિવિધ ભાવવાળી છે અને તે મૂલ શક્તિનું પરિણામ તે આ જગત છે.
‘દુર્ગાસપ્તશતી’માં જણાવ્યું છે કે, ચિતિરૂપા શક્તિ સમગ્ર જગતને વ્યાપીને રહેલી છે. પારમેશ્વરી શક્તિનો પ્રકૃતિ રૂપે પ્રથમ આવિર્ભાવ થયાનું વર્ણન પુરાણો તથા તન્ત્રો દક્ષયજ્ઞ તેમજ સતીની કથા દ્વારા વર્ણવે છે. સતીનો બીજો આવિર્ભાવ પાર્વતી રૂપે દર્શાવાયો છે. ઉપનિષદમાં ઉમા હૈમવતીની પણ કથા છે. દેવી-માહાત્મ્યમાં આ ઉપરાંત અન્ય અનેક ગૌણ અવતારોનો નિર્દેશ છે. તેમાં જણાવાયું છે કે વિષ્ણુના વિવિધ અવતારોની સાથે સાથે શક્તિ પણ અવતરિત થાય છે. આ પ્રત્યેક આવિર્ભાવમાં શક્તિ દ્વારા અમુક પાપી અસુર કે દૈત્યનો સંહાર કરાયો છે; જેમ કે, ચંડિકા દ્વારા શુંભ, નિશુંભ, મહિષાસુર વગેરે હણાયા છે. બ્રહ્માંડપુરાણ અનુસાર લલિતાદેવી દ્વારા ભંડાસુરનો વધ થયો છે તો તારકાસુરના વધ માટે કુમારોત્પત્તિના હેતુથી પાર્વતીનો આવિર્ભાવ થયો છે. જોકે આ સર્વ બાબતો રૂપકાત્મક છે ને તેમાં ઊંડું અધ્યાત્મરહસ્ય રહેલું છે.
પરમેશ્વરનો પ્રભાવશાળી એવો જે તે ગુણ પણ શક્તિ કહેવાય છે. દરેક દેવમાં એક વિશેષ શક્તિ રહેલી છે. દેવાસુરસંગ્રામ પ્રસંગે બ્રહ્મા વગેરે દેવોએ પોતપોતાની વિવિધ શક્તિઓ ચંડિકાને આપી અને વળી જે તે દેવનાં વાહન, આભૂષણ, આયુધ વગેરે પણ જે તે દેવી ધારણ કરે છે; એમ જણાવાયું છે. ‘દેવી ભાગવત’ મુજબ આ દેવીઓ છે બ્રહ્માણી, વૈષ્ણવી, શાંકરી, કૌમારી, વાસવી, નારસિંહી, યામ્યા, કૌબેરી, વારુણી વગેરે.
શાક્ત સંપ્રદાય અનુસાર શક્તિસ્વરૂપે અધ્યાત્મભાવે જે ચિન્મયી અને આનંદમયી છે તે દેવવર્ગમાં માયામયી છે અને મનુષ્યાદિ પ્રાણીઓમાં પ્રકૃતિમયી થાય છે. પ્રકૃતિમયી એટલે ભૂતમયી થયા પછી તે વિકૃતિમયી પણ બને છે. જે શક્તિ પાશમોક્ષ કરનારી છે તે જ પાશબદ્ધ પણ કરનારી છે.
દિવ્ય પદાર્થોની દિવ્યતાનું બીજ શક્તિતત્ત્વમાં રહેલું છે અને શક્તિ કે જે કાર્યકર્તૃત્વવાળું ચેતનબળ છે, તે બ્રહ્મતત્ત્વનો અંતર્ગામી ને બહિર્ગામી ધર્મ છે તે તેનો સ્વભાવધર્મ છે છતાં ધર્મના ચિંતન અર્થે શક્તિતત્ત્વને પદાર્થ રૂપે વિચારવામાં આવે છે અને તેની ઉપાસના કરાય છે. દેવીના આંતરચિંતનને ઉપાસના કે અંતર્યાગ કહે છે, જ્યારે બહિર્યાગમાં જપ, હોમ, તર્પણ, માર્જન અને બ્રહ્મભોજન – એ પાંચ અંગો ગણાયાં છે. ઉપાસ્ય દેવી ઘણુંખરું પ્રતીક રૂપે પૂજાય છે. કાં તો યન્ત્રમાં પીઠસ્થાપના કે પછી માટીના છિદ્રવાળા ઘટમાં ઘૃતદીપકની સ્થાપના કે પછી બાજઠ ઉપર સબિન્દુ ત્રિકોણ રચી કે જવારા ઉગાડી દેવીપૂજન થાય છે. સબિન્દુ ત્રિકોણ કે જે શક્તિનું પ્રતીક છે તેની અધિષ્ઠાત્રી દેવી ત્રિપુરા કહેવાય છે અને આ મૂલ પ્રતીકનું વિવરણ શ્રીચક્રમાં રહેલું છે. આ સર્વની સમજૂતી શ્રીવિદ્યામાં આપવામાં આવી છે.
પુરાણોમાં શક્તિઓની સંખ્યા 51 (એકાવન) દર્શાવાઈ છે; જેમનાં સ્થાનોને શક્તિપીઠ કહે છે. દેવી ભાગવત અને કાલિકાપુરાણમાં પ્રાપ્ત થતી કથા અનુસાર પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં વિના નિમન્ત્રણે જઈને અપમાનિત થતાં દક્ષપુત્રી સતીએ પોતાનો દેહ યજ્ઞકુંડમાં હોમી દીધો. તે પછી ક્રોધિત થયેલા રુદ્ર-શિવ પોતાની પત્ની સતીના નિશ્ર્ચેષ્ટ દેહને ખભે લઈને સમગ્ર ત્રિલોકમાં, ઉન્મત્ત બની નૃત્ય કરતા ફરવા લાગ્યા. આ સમયે વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડેટુકડા કરી તેને જુદા જુદા સ્થાને નાખી દીધા. સતીના દેહના જે તે અંશ અને જે તે આભૂષણ જુદે જુદે ઠેકાણે જઈ પડ્યાં અને ત્યાં દરેક સ્થળે એક એક શક્તિ અને એક એક ભૈરવ જુદાં જુદાં રૂપ ધરી અવતીર્ણ થયાં. આગળ જતાં, તે સ્થાનો પર શક્તિપીઠો રચાયાં. પરવર્તી પૌરાણિક સાહિત્યમાં અને શાક્ત ઉપાસનાના ‘શિવવિજય’, ‘દક્ષાયણીતન્ત્ર’, ‘યોગિનીતન્ત્ર’, ‘તન્ત્રચૂડામણિ’ વગેરે ગ્રન્થોમાં શક્તિપીઠો વિશે વિસ્તૃત જાણકારી મળે છે. આ શક્તિપીઠો શાક્તતીર્થો મનાય છે.
‘નાગાનન્દસૂત્ર’માં શક્તિને વિમર્શ, ચિતિ, ચૈતન્ય, આત્મા, સ્વરસ ઉદય પામનારી વાગ્દેવી, પરાવાક્, સ્વાતંત્ર્ય, પરમાત્મા પ્રત્યેની ઉન્મુખતા, ઐશ્વર્ય, સત્તત્ત્વ, સત્તા, સ્ફુરતા, સાર, માતૃકા, માલિની, હૃદયમૂર્તિ, સ્વસંવિદ્, સ્પન્દ વગેરે નામ પ્રાપ્ત થાય છે; પરંતુ આ સર્વમાં ‘શક્તિ’ એ એક રૂઢસંજ્ઞા છે.
જાગૃતિ પંડ્યા