શંકરદેવ (જ. 1449, બારડોવા, જિ. નવગામ, આસામ; અ. 1568) : 15મી 16મી સદીના પ્રથમ કક્ષાના આસામી કવિ, સંત અને કલાકાર. શિશુવયે જ માતાપિતા ગુમાવ્યાં. ગામની શાળામાં અસાધારણ પ્રતિભા દર્શાવી. શાળાનાં 5થી 6 વર્ષ પૂરાં થતાં તેઓ સંસ્કૃતના પંડિત બન્યા. તેઓ દુન્યવી બાબતોથી અલિપ્ત રહેતા. તેથી થોડા વખતમાં તેમનાં લગ્ન લેવડાવી તેમના પર શિરોમણિ ભુયાનની કપરી ફરજો લાદી.
તેમનાં પત્ની પુત્રીને જન્મ આપીને અવસાન પામ્યાં. તેથી થોડાં વર્ષ રાહ જોઈ વયસ્ક પુત્રીને હરિ ભુયાન સાથે પરણાવી. પછી તેઓ 1481માં 12 વર્ષની ઉત્તરભારતની લાંબી યાત્રાએ નીકળી પડ્યા. યાત્રાએથી પાછા ફર્યા બાદ શ્રીધર સ્વામીની ટીકા સાથેના ભાગવત-પુરાણના ઊંડા અભ્યાસથી પ્રેરાઈને તેમણે ભક્તિ સંપ્રદાયનો પ્રચાર શરૂ કર્યો. કચારીઓ સાથેની સતત અથડામણ ટાળવા તેમને વતન છોડવું પડ્યું અને છેલ્લે આહોમ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી પરના માજુલી ટાપુ પર તેઓ તેમનાં સગાં-સંબંધીઓ સાથે સ્થિર થયા. ત્યાં પણ અશાંતિ ઊભી થતાં આહોમ રાજ્ય છોડીને તેમને કોચ-બિહાર રાજ્યના કામરૂપમાં ચાલ્યા જવાની ફરજ પડી. આ સંત અને તેમના અનુયાયીઓ આખરે પટવૌસીમાં સ્થાયી થયા. અહીં તેમના સંપ્રદાયનો પ્રચાર અને વ્યાપ વધ્યો. કેટલાક મહિનાની પુરીની મુલાકાત બાદ આશરે 97 વર્ષની ઉંમરે તેમને નવા વિરોધનો સામનો કરવો પડ્યો. વૈષ્ણવ વિરોધી છાવણી તરફથી સંતની પ્રવૃત્તિઓ બાબતમાં નરનારાયણને કાનભંભેરણી કરી; પરંતુ વિદ્વાન રાજાએ તે ધ્યાનમાં ન લીધી અને સંતની તરફેણ કરી.
શંકરદેવની સાહિત્યિક કારકિર્દી ત્રણ કાળમાં વહેંચી શકાય : (1) કાયસ્થ પ્રદેશ, (2) આહોમ રાજ્ય અને (3) કોચ રાજ્ય. પ્રથમ કાળ દરમિયાન તેમણે ‘હરિશ્ર્ચંદ્ર-ઉપાખ્યાન’, ‘ભક્તિ-પ્રદીપ’, ‘કીર્તન-ઘોષ’, ‘રુક્મિણીહરણ કાવ્ય’, ‘પ્રથમ બારગીતા’, ‘ભાગવત-6’, ‘ભાગવત-8’ અને ‘ગુણમાળા-2-6’ની રચના કરી.
બીજા કાળ દરમિયાન તેમના ‘કીર્તન-ઘોષ’, ‘ભાગવત-10, 11, 12, 1, 2, 9’, ‘કુરુક્ષેત્ર’, ‘નિમિ-નવ-સિદ્ધ-સંવાદ’, ‘ગુણમાળા’ (પ્ર. 1), ‘રામાયણ’, ‘ઉત્તરકાંડ’, ‘બારગીતા’ (સંગ્રહ), ‘ભક્તિરત્નાકર’ અને નાટકો, ‘કાલિદમન’, ‘કેલિ-ગોપાલ’, ‘રુક્મિણી-હરણ-કાવ્ય’, ‘પારિજાતહરણ’ અને ‘રામવિજય’ (1568) નામક ગ્રંથો પ્રગટ થયા.
‘હરિશ્ર્ચંદ્ર ઉપાખ્યાન’ 615 કડવાંનું બનેલું છે અને તેનું વિષયવસ્તુ માર્કન્ડેય પુરાણમાંથી લીધું છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદયુક્ત ‘ભક્તિપ્રદીપ’ 308 કડવાંમાં ગૂંથાયેલ છે અને તેની કથા ગરુડ-પુરાણમાંથી લીધી છે. એમનું ‘રુક્મિણી-હરણ’ કાવ્ય આસામમાં આજે પણ લગ્નપ્રસંગે ગવાતી 795 કડવાંની બનેલી લોકપ્રિય કૃતિ છે. ‘કીર્તનઘોષ’માં 189 કીર્તનો અને 2,264 કડવાંનો સમાવેશ કરાયો છે. ‘બારગીતા’ 761 કડવાંનો ઉત્તરકાંડસાર છે. તેમનાં નાટકો સંસ્કૃત કે પ્રાકૃત શૈલીને અનુસરતાં નથી. તેમાં કોઈ અંક કે શ્યો બદલાતાં નથી. તેમાં સૂત્રધાર મંચ પર આવી નાટક જાહેર કરે અને નૃત્ય, ગીતો અને સમજૂતી આપતો આખો વેશ ભજવે છે. તેને ‘આસામી વ્રજબુલી’ કહે છે. ‘કેલિગોપાલ’માં કૃષ્ણની વ્રજમાં ગોપીઓ સાથેની રાસ-ક્રીડાનું સુંદર ચિત્રાંકન છે.
આમ, શંકરદેવનો સમયગાળો સાહિત્યિક અને સાંસ્કૃતિક પુનરુત્થાનનો ગણાય છે. શંકરદેવે ઉપદેશેલા નવા વૈષ્ણવ ધર્મે સાહિત્યિક ક્રાંતિ સર્જી અને સંગીત, નૃત્ય અને ચિત્રકામ જેવી લલિતકલાઓએ લોકોનાં જીવનમાં યોગ્ય સ્થાન મેળવ્યું. આવા શંકરદેવ નીડર સર્જક અને પ્રતિભાસંપન્ન સંતકવિ તરીકે પ્રતિષ્ઠિત છે.
બળદેવભાઈ કનીજિયા