શંકરદાસ સ્વામિગલ (જ. 1867; અ. 1922) : ખ્યાતનામ તમિળ નાટ્યકાર. પિતા પાસેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે તુતિકોરિન ખાતે મીઠાના કારખાનામાં હિસાબનીશ તરીકે થોડો વખત કામ કર્યું.
24મા વર્ષે તેઓ નાટ્યક્ષેત્રે પ્રવેશ્યા. કેટલાક સમય માટે જીવન ચર્ચાસ્પદ રહ્યું, અને ભગવો પોશાક ધારણ કરીને એક સ્થળેથી બીજા સ્થળે તીર્થયાત્રા કરી. તેથી તેમને ‘સ્વામિગલ’ની ઉપાધિ મળી. પુડુકોટ્ટઇના મહાવિદ્વાન કાંચિરામન્ પૂન્ડિયા પિલ્લાઈની વિનંતીથી તેમણે રંગમંચપ્રવૃત્તિમાં ઝુકાવ્યું અને પરિશ્રમપૂર્વક કામગીરી કરી.
તેમણે ખૂબ કુશળતાપૂર્વક ‘સમરસ સન્માર્ગ નાટક સભા’ અને ‘તત્વ મીન લોચની વિદ્વ બાલ સભા’નું સંચાલન કર્યું. તેઓ ઘણાં વર્ષો સુધી ‘બાલ મીન રંજની સભા’ના મંચનિર્દેશક તરીકે રહ્યા. તેમના દ્વારા તાલીમ પામેલા ટી. કે. શન્મુગમ અને ટી. કે. ભગવતી જેવા કેટલાક અભિનેતાઓ તેમની કળામાં ખ્યાતિ પામ્યા.
તેમણે 40 જેટલાં નાટકો આપ્યાં છે. તેમનું ‘અભિમન્યુ સુંદરી’ ખૂબ જાણીતું નાટક છે. તેની રચના તેમણે એક જ રાત્રે એક જ બેઠકે કરી હતી. તેમની શૈલીમાં ગીતો અને સામાન્ય માનવીની રોજબરોજની બોલીવાળા ગદ્યની ગૂંથણી જોવા મળે છે. તેઓ વન્ના પડલ અને સાંથ પડલ વગેરે ગાવામાં કુશળ હતા અને તેમણે તેમનાં નાટકોનાં અનેક ગીતોમાં આ છંદોનો ઉપયોગ કર્યો છે.
તેમનાં અન્ય ઉલ્લેખનીય નાટકો છે : ‘આલ્લિ ચરિતિરમ્’ (1934); ‘વલ્લિ તિરુમનમ્’ (1937), ‘સતી અનસૂયા’, ‘સત્યવાન સાવિત્રી’, ‘સીમંતિની’ વગેરે.
‘ગુરુદેવ’ તરીકે તેમનો આદર કરાતો. મંચનકલામાં તેમણે મંચની ભવ્ય સજાવટ દ્વારા ઘટના વિશેની આકર્ષક અસરો ઉપજાવી. યોગ્ય વેશભૂષા, કર્ણપ્રિય સંગીત અને વચ્ચે વચ્ચે કહેવતો સાથેનું યોગ્ય ગદ્ય દાખલ કર્યાં. તેમનાં નાટકોમાં નારદ મુનિનું સ્થાન મહત્વનું હતું. તેઓ મંચના અગ્રદૂત લેખાયા.
બળદેવભાઈ કનીજિયા