વ્હોલ્કર, પૉલ ઍડૉલ્ફ
January, 2006
વ્હોલ્કર, પૉલ ઍડૉલ્ફ (જ. 1 સપ્ટેમ્બર 1927, કેપ મે, ન્યૂ જર્સી) : વિત્તવ્યવસ્થાપન, એકાઉન્ટિંગ અને જાહેર પ્રશાસનના નિષ્ણાત, અમેરિકાના અનુભવી જાહેર સેવક અને તે દેશની મધ્યસ્થ બૅંકના પૂર્વ ચૅરમૅન (1979–87). મૂળ જર્મન નાગરિકત્વ ધરાવતા પિતાના સંતાન. તેમનું ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન અને હાર્વર્ડ યુનિવર્સિટીઓમાં તથા વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં સંપન્ન થયું હતું. 1951–52માં તે સંસ્થામાં ફેલો રહ્યા. થોડોક સમય અધ્યાપન પણ કર્યું. તેમના અત્યાર સુધીનાં જીવનનાં મોટા ભાગનાં વ્યાવસાયિક વર્ષો અમેરિકાની સરકારની સેવામાં વીત્યાં છે; એટલું
જ નહિ, પરંતુ તેમની ગણના અમેરિકામાં સર્વોત્તમ સાર્વજનિક સેવકોમાં કરવામાં આવે છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાનું અર્થતંત્ર જ્યારે ડામાડોળ થઈ રહ્યું હતું ત્યારે તેને તેમાંથી સહીસલામત ઉગારવામાં અને ફરી મજબૂત પાયા પર મુકાવવામાં તેમનો ફાળો શકવર્તી રહ્યો છે. જૉન એફ. કૅનડીથી રોનાલ્ડ રેગન (1962–1989) સુધીના અમેરિકાના પાંચ પ્રમુખોની કારકિર્દી દરમિયાન તેમણે અમેરિકાની સરકારમાં કાર્ય કર્યું છે. ન્યૂયૉર્ક ખાતેના ફેડરલ રિઝર્વ બકના અધ્યક્ષપદે તેમણે કરેલ કાર્ય સર્વત્ર પ્રશંસનીય ઠર્યું છે (1979–1987) અને તેથી આ કાર્યકાળ તેમના જાહેર જીવનનો સુવર્ણકાળ ગણાય છે. 1979માં તેમણે ઉપર્યુક્ત પદનો સ્વીકાર કર્યો ત્યારે અમેરિકાની આર્થિક સ્થિતિ કફોડી હતી. ફુગાવાનાં વલણો કાબૂ બહાર જઈ રહ્યાં હતાં અને તેથી ફુગાવા પર નિયંત્રણ કરવાના ઉપાયો શોધવાની તાતી જરૂર હતી. તે અરસામાં વ્હોલ્કરે ફુગાવાને કાબૂમાં લેવા માટે બિનપરંપરાગત અને સાહસિક પગલાં લીધાં હતાં, જે અસરકારક અને પ્રશંસનીય બન્યાં હતાં. મધ્યસ્થ બૅંકના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા પછીનાં નવ વર્ષ (1987–1996) તેમણે બૅંકક્ષેત્રે મૂડીરોકાણ કરવા માટેના નિષ્ણાત સલાહકાર તરીકે વિતાવ્યાં હતાં. ત્યાર બાદ જર્મનીના સર્વેસર્વા હિટલરના કાર્યકાળ દરમિયાન (1934–1945) નાઝી પક્ષે હજારોની સંખ્યામાં જે યહૂદીઓ અને નાઝી વિચારસરણીના અન્ય વિરોધીઓને કૉન્સન્ટ્રેશન કૅમ્પોમાં પૂરી રાખેલા તેમનાં સ્વિસ બૅંકોનાં ખાતાંઓનો જે તે સમયે વહીવટ કેવી રીતે કરવામાં આવેલો તેની ઊંડાણથી તપાસ કરવા માટે જે પંચની નિમણૂક કરવામાં આવેલી તેના અધ્યક્ષ તરીકે વ્હોલ્કરની વરણી કરવામાં આવેલી. વળી અમેરિકાની પેઢી એન્રૉન ફડચામાં કેમ અને કેવી રીતે ગઈ તેની તપાસ કરવાનું કામ પણ વ્હોલ્કરને સોંપવામાં આવેલું.
વર્ષ 2004માં રાષ્ટ્રસંઘે ‘તેલના બદલામાં અનાજ’ (oil for food) કાર્યક્રમ હેઠળ ઇરાકે વિશ્વના જે જે દેશો સાથે વ્યવહાર કરેલા તેનું વાજબીપણું તપાસવા માટે જે પંચની નિમણૂક કરી હતી તેના પ્રમુખપદે પણ તેમની જ વરણી કરવામાં આવેલી. આ વ્યવહારમાં ભારત દેશ પણ સંડોવાયેલો. ઉપર્યુક્ત પંચે ઑગસ્ટ 2004થી પોતાના કામચલાઉ અહેવાલ ક્રમશ: પ્રસ્તુત કરવાની શરૂઆત કરી, જેના ત્રીજા હપતા કે અહેવાલમાં આ પંચે એવો વિસ્ફોટ કર્યો કે ઇરાકે ભારત સાથે આ યોજના હેઠળ જે વ્યવહાર કર્યો તેમાં ભારત સરકારના તત્કાલીન વિદેશમંત્રી કે. નટવરસિંગ, તેમનો પુત્ર જગત અને જગતનો એક મિત્ર – આ ત્રણેએ ગેરરીતિ કરી હતી અને ‘કટકી’ તરીકે હજારો ડૉલરની રકમ મેળવી હતી, જે અરબ દેશની એક બૅંકમાં જમા કરવામાં આવેલી. રાષ્ટ્રસંઘના પૂર્વ સેક્રેટરી જનરલ કોફી અન્નાનનો પુત્ર પણ આ ગેરવ્યવહારમાં સંડોવાયેલો હતો એ હકીકત પણ વ્હોલ્કર પંચે બહાર પાડી હતી. વ્હોલ્કર પંચના આ વિસ્ફોટને કારણે કે. નટવરસિંગને ભારતના વિદેશપ્રધાન તરીકેના પોતાના પદ પરથી ફારેગ કરવામાં આવેલા તથા કૉંગ્રેસ પક્ષમાંથી તેમને હાંકી કાઢવામાં આવેલા. ઉપર્યુક્ત કૌભાંડમાં નટવરસિંગનો પુત્ર તથા તેનો એક મિત્ર પણ સંડોવાયેલા હતા. આ બાબત પણ છતી થઈ છે.
‘તેલના બદલામાં અનાજ’ નામના વ્યવહારમાં જે ગેરરીતિઓ થઈ હતી તે કૌભાંડનો સ્ફોટ કરવાના કારણસર જ પૉલ ઍડૉલ્ફ વ્હોલ્કર વિશ્વમાં જાણીતા બન્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિપદની 2008માં થયેલ ચૂંટણીમાં વિજેતા બનેલા ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવાર બરાક ઓબામાએ પૉલ વ્હોલકરને તેમની કૅબિનેટમાં આર્થિક સલાહકારનું ઉચ્ચ પદ બહાલ કર્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે