વ્હોરા, આશા રાણી (શ્રીમતી શકુંતલા વ્હોરા)

January, 2006

વ્હોરા, આશા રાણી (શ્રીમતી શકુંતલા વ્હોરા) [. 7 એપ્રિલ 1921, ચક્વાલ, જિ. ઝેલમ (હાલ પાકિસ્તાન)] : હિંદી કવયિત્રી અને નિબંધકાર. તેમણે સમાજવિદ્યા સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે સામાજિક કાર્ય અને પત્રકારત્વ દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત કરી. સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું.

આશા રાણી વ્હોરા

તેમણે અત્યારસુધીમાં 86 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મહિલાયેં ઔર સ્વરાજ્ય’ (1757-1947), ‘ભારતીય નારી : દશા ઓર દિશા’ (1983); ‘નારીશોષણ : આયને ઔર આયામ’ (1984); ‘ભારતીય નારી : અસ્મિતા ઔર અધિકાર’ (1986); ‘મહિલાયેં ઔર સ્વરાજ’ (1988)  એ તમામ તેમની મહિલાઓના પ્રશ્ર્નોની છણાવટ કરતી કૃતિઓ છે. ‘સરોકાર’ અને ‘પુન: ભારતીયતા કી ઓર’ એ બંને તેમના જાણીતા સમાજવિદ્યાવિષયક નિબંધસંગ્રહો છે. જ્યારે ‘લહર-લહર ગિનતે હુયે’ (1987); ‘અંશ અંશ મુક્તિ’ (1996); ‘મનુ કી નાવ’ (1996) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘પિઢિયોં સમાન્તર’ (1994) તેમનો વાર્તાસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1985માં રચના પુરસ્કાર કોલકાતા; 1987માં મ. પ્ર. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ભોપાલ તરફથી અંબિકા પ્રસાદ દિવ્ય પુરસ્કાર; 1987માં દિલ્હી હિંદી અકાદમી તરફથી સાહિત્યિક કૃતિ પુરસ્કાર પ્રાપ્ત થયેલા. વળી તેમને ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન, લખનઉ તરફથી સાહિત્યભૂષણ સન્માન; 1994માં હિંદી સાહિત્ય સંમેલન તરફથી સાહિત્ય વાચસ્પતિનો ખિતાબ આપવામાં આવેલાં.

બળદેવભાઈ કનીજિયા