વ્હાઇટ માઉન્ટેન્સ (White Mountains)
January, 2006
વ્હાઇટ માઉન્ટેન્સ (White Mountains) : યુ.એસ.ના પૂર્વ ભાગમાં વિસ્તરેલા પર્વત સંકુલનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : તે 44° 10´ ઉ. અ. અને 71° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 2,590 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પર્વતો મેઇન રાજ્યમાંથી ન્યૂ હૅમ્પશાયર રાજ્યમાં ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલા છે. પર્વત-શિખરો હિમાચ્છાદિત રહેતાં હોવાથી તેમનું નામ ‘વ્હાઇટ માઉન્ટેન્સ’ પડેલું છે. ઉનાળાની ઋતુમાં પર્વતોના નીચલા ઢોળાવો પરનો બરફ ઓગળી જતો હોય છે, પરંતુ વસંતઋતુ અને શરદઋતુમાં પર્વતોના શિખરભાગો સફેદ બરફથી ઢંકાયેલા રહે છે.
આ પર્વતવિભાગ અનિયમિત ઊંચાણ-નીચાણવાળો હોવાથી તેમજ ત્યાં ખેતીનો વિકાસ નજીવો હોવાથી વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. આ વિસ્તારમાં ઘણી હારમાળાઓ આવેલી છે, તે પૈકીની ન્યૂ હૅમ્પશાયરની પ્રેસિડેન્શિયલ હારમાળા મહત્વની છે. અહીંના મુખ્ય પર્વતોને યુ.એસ.ના જૂના પ્રમુખોનાં નામ અપાયાં છે. માઉન્ટ વૉશિંગ્ટન ન્યૂ હૅમ્પશાયરનું સર્વોચ્ચ શિખર (1,917 મીટર) છે, બીજાં 68 જેટલાં શિખરો 1,190 મીટરથી વધુ ઊંચાઈવાળાં છે.
વ્હાઇટ માઉન્ટેન્સમાં કેટલાંક ઊંડાં મહાકોતરો પણ છે. જાણીતાં મહાકોતરોમાં કાર્ટર, ક્રોફૉર્ડ, ડિક્સવિલે, ફ્રેકોનિયા, કિન્સમૅન અને પિન્કહૅમનો સમાવેશ થાય છે.
ઓલ્ડ મૅન ઑવ્ ધ માઉન્ટન્સ અથવા ગ્રેટ સ્ટોન ફેસ પ્રોફાઇલ માઉન્ટનમાં કુદરતી પરિબળો દ્વારા વિશિષ્ટ આકારો તૈયાર થયેલા છે. અહીંની ભેખડોની બાજુઓ પર ફૂંકાતા રહેતા પવનો અને વરસાદના મારાથી ઘસારાજન્ય તથા ધોવાણજન્ય કુદરતી આકારો ઉદ્ભવ્યા છે. જાણીતા લેખક નાથાનિયેલ હૉથૉર્ને તેમની ‘ધ ગ્રેટ સ્ટોન ફેસ’ કૃતિમાં આ લક્ષણોનું આબેહૂબ વર્ણન કરીને આ પર્વતોને અમર બનાવી દીધા છે.
1911થી આ વ્હાઇટ માઉન્ટેન્સને રાષ્ટ્રીય વન્ય પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવેલા છે. ક્રોફૉર્ડ કોતરને 1911માં અને ફ્રેન્કોનિયા કોતરને 1925માં રાષ્ટ્રના રાષ્ટ્રીય નૈસર્ગિક સૌંદર્યપ્રદેશ તરીકે જાળવી રાખવાની વ્યવસ્થા કરી છે.
માઉન્ટ વૉશિંગ્ટન તેના વિષમ તેમજ ઝડપથી બદલાતા રહેતા હવામાન માટે ખૂબ જ જાણીતો બનેલો છે. માઉન્ટ વૉશિંગ્ટન વેધશાળા ત્યાંનાં તાપમાન, પવનવેગ વગેરેની દૈનિક નોંધ રાખે છે. 1934ના એપ્રિલની 12મીએ અહીં કલાકે 372 કિમી.ની ગતિથી પવન ફૂંકાયેલો. દુનિયાભરમાં આજ સુધીમાં નોંધાયેલી આ પવનગતિ વધુમાં વધુ હતી. 1955થી પરીક્ષણ-સ્થળ તરીકે માઉન્ટ વૉશિંગ્ટન ખાતે વાદળોમાંથી કૃત્રિમ વરસાદ મેળવવા રસાયણોનો છંટકાવ કરાતો આવ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા