વ્લાદિવૉસ્તૉક : પૅસિફિક મહાસાગર પર આવેલું મહત્વનું રશિયાઈ બંદર. ભૌ. સ્થાન : 43° 10´ ઉ. અ. અને 131° 56´ પૂ. રે.. તે અગ્નિ સાઇબીરિયામાં કોરિયાની સરહદ પર આવેલું છે. તે ગોલ્ડન હૉર્નના ઉપસાગર પર આવેલું, 5 ચોકિમી. વિસ્તાર ધરાવતું શ્રેષ્ઠ બારું છે. આ બારું જાન્યુઆરી(14.4° સે.)થી માર્ચ વચ્ચેના ગાળામાં લગભગ ઠરેલું રહે છે, પરંતુ બરફ તોડવાનાં યંત્રોથી તેનું બારું ખુલ્લું રાખવામાં આવે છે. માછીમારી માટે આવતાં વહાણો માટેનું પણ તે મથક બની રહેલું છે. પૅસિફિક બંદરોથી રશિયામાં આવતો ઘણોખરો માલસામાન વ્લાદિવૉસ્તૉક મારફતે આવે છે. અહીં વહાણો માટેનો જહાજવાડો પણ છે. હવાચુસ્ત ડબાઓમાં માછલીઓ ભરવાના એકમો અહીં આવેલા છે. ખાણકાર્ય માટે જરૂરી સાધનસામગ્રીનું ઉત્પાદન પણ અહીં થાય છે. સાઇબીરિયાને વીંધીને પસાર થતી ટ્રાન્સસાઇબીરિયન રેલવેનું આ પૂર્વ તરફનું છેલ્લું રેલમથક છે. 1860માં રશિયનોએ આ સ્થળ વસાવેલું.
રશિયાએ 1905માં લુશુન ગુમાવ્યું ત્યારે તે નૌકામથક તરીકે ઉપયોગમાં લેવાયેલું. વસ્તી 6,45,000 (2000).
ગિરીશભાઈ પંડ્યા