વ્લામિન્ક, મોરિસ (Vlamink, Maurice) (. 4 એપ્રિલ 1876, પૅરિસ, ફ્રાંસ; . 11 ઑક્ટોબર 1958, રૂએલાગાદિલિયેરે, ફ્રાંસ) : પ્રસિદ્ધ આધુનિક ફ્રેંચ ચિત્રકાર. આધુનિક ચિત્રકલાની ફૉવવાદ (fauvism) શાખાના એક પ્રમુખ ચિત્રકાર. ઝળહળતા ભડક રંગો વડે ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતા થયા. તેમની બળવાખોર પ્રકૃતિ આ માટે જવાબદાર ગણી શકાય.

ફ્રાંસના ગ્રામીણ વિસ્તારમાં તેમનો ઉછેર થયેલો. ઓગણીસ વરસની ઉંમરે તેમને ચિત્રકલાનો નાદ લાગ્યો. પ્રભાવવાદી (impresseonistic) ચિત્રકારોના પ્રભાવ હેઠળ તેમણે કુદરતને ખોળે જ અવૈધિક તાલીમ પ્રાપ્ત કરી નિસર્ગ-ચિત્રો ચીતરવાનું શરૂ કર્યું; પણ, પ્રભાવવાદીઓથી વિપરીત વ્લામિન્કનાં ચિત્રોના રંગો પ્રકૃતિમાં રહેલા વાસ્તવિક રંગ કરતાં વધુ ઘેરા-ભડક થવા માંડ્યા. એ જ અરસામાં એક અન્ય ફોવવાદી ચિત્રકાર દેરાઈ (Derain) સાથે ભાગીદારીમાં ચિત્રકલા માટેનો સ્ટુડિયો પણ રાખ્યો.

1901માં વ્લામિન્કે વાન ગોદાનાં ચિત્રોનું એક પ્રદર્શન જોયું. જેનાથી તે ખૂબ જ પ્રભાવિત થયો. પછી એ પ્રમુખ ફૉવવાદી ચિત્રકાર હાંરી માતીસ(Henry Mattise)ને મળ્યો, જેના પીઠબળ વડે એણે ‘સાલો દ ઇન્દિપેન્દા’(Salon des independants)માં પૅરિસ ખાતે પોતાનાં ચિત્રોનું પહેલું વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. વિશ્વના અલગ અલગ ઘટકોને તેમની સપાટીઓ પર સામાન્યતયા દેખાતા રંગોને વધુ તીવ્ર કરીને અથવા ક્યારેક તો તદ્દન કલ્પનામાં રહેલા રંગ વડે ચિત્રિત કરવાનું તેમનું વલણ માતીસ અને દેરાઈએ ઉમળકાથી વધાવી લીધું. આ જ વલણ ફૉવવાદનું હાર્દ કે મૂળભૂત લક્ષણ તરીકે સ્વીકૃતિ પામ્યું. આમ આ વાદ હેઠળ વિશ્વને કૅન્વાસ પર રજૂ કરવાની નેમ રહી ખરી, પણ તે કૃત્રિમ રંગો વડે.

મોરિસ વ્લામિન્ક

1905માં વ્લામિન્કે ‘સાલોં દાતો મેં’ Salon d’ Anthmne નામના સમૂહ ચિત્રપ્રદર્શનમાં ભાગ લીધો. અહીં જ વ્લામિન્ક, દેરાઈ અને માતીસનાં ચિત્રો કલાવિવેચકો દ્વારા ‘ફૉવ’ (fauve) એટલે કે ‘જંગલી પશુ’ એવી ઓળખ પામ્યા, કારણ કે એમનાં ચિત્રોના રંગો માત્ર ભડક જ નહિ, પણ હિંસક અને ડરામણા પણ જણાતા હતા.

1930 પછી વ્લામિન્કના રંગોની હિંસક ભડક ઓછી થઈ અને તેમાં રંગોની કઠોરતાના સ્થાને ઋજુ સંવેદનાએ સ્થાન લીધું. આમ તેમની કલાએ અભિવ્યક્તિવાદ (expressionism) તરફ પ્રયાણ કર્યું.

અમિતાભ મડિયા