વ્યાસ, હરિપ્રસાદ મણિરાય (જ. 25 મે 1904, બોડકા, જિ. વડોદરા; અ. 13 જુલાઈ 1980, સાનહોઝે; કૅલિફૉર્નિયા) : બાળસાહિત્યકાર અને હાસ્યલેખક. ઉપનામો ‘પ્રસાદ’ અને ‘હરિનવેદ’. 1921માં મૅટ્રિક. 1925થી ઝેનિથ લાઇફ ઍન્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની એજન્સી ઑફિસમાં મૅનેજર. ‘ગાંડીવ’ના વૈવિધ્યસભર કથાસાહિત્યમાં હરિપ્રસાદ વ્યાસ શિરમોર રહે છે તેમના ‘બકોર પટેલ’ના ત્રીસ ભાગની શ્રેણીથી. બકોર પટેલ અને તેની પાત્રસૃષ્ટિ થકી તેમણે ગુજરાતી બાળકથામાં હાસ્યની છોળો ઉડાડી છે. 1938થી બકોર પટેલની વાતો ગુજરાતમાં ઘેરઘેર વ્યાપી રહી. બકોર પટેલની પાત્રસૃષ્ટિમાં ચહેરા જ પ્રાણીઓના, બાકી વાણીવર્તન તો માનવપરિવારના. બકોર પટેલ, શકરી પટલાણી, હાથીશંકર, ડૉક્ટર ઊંટડિયા, જમાદાર ડાઘિયો વગેરે બાળકોના જ નહિ, મોટાઓના પણ મિત્રો બની રહ્યા છે. છબરડાઓ થાય ને સાથે રસમય રીતે શિક્ષણ-બોધ પણ મળતો રહે ! આ કથાશ્રેણી નિમિત્તે લેખકે જીવનનાં વિવિધ પાસાંઓનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. તેમણે તેમના હાસ્યરસના નિરૂપણમાં શિષ્ટ રુચિનો સતત ખ્યાલ રાખ્યો છે. તેઓ માત્ર બકોર પટેલના પાત્રસર્જનથીયે ગુજરાતી બાળસાહિત્યમાં ચિરંજીવ સ્થાન પામ્યા હોત. પણ આ ઉપરાંત પણ તેમણે અન્ય હાસ્યનવલકથાઓ આપી છે. ‘લંબોદર શર્મા’ (1944) મોટાં બાળકો માણી શકે તેવી વીસ પ્રકરણની લાંબી, પ્રારંભમાં હાસ્યપ્રધાન અને પાછળથી કરુણરસવાળી કથા છે. બકોર પટેલ જેવું જ બીજું યાદગાર પાત્ર છે ભોટવાશંકરનું. ‘શ્રીમાન ભોટવાશંકર અને ચીનના શાહુકાર’ (1953) અને ‘શ્રીમાન ભોટવાશંકર હવાફેરમાંથી કાણે’(1953)માં ભોટવાશંકરની સ્થૂળતા અને ભોજનપ્રિયતા નિમિત્તે હાસ્ય નિરૂપ્યું છે. આ કથા સળંગ રીતે તેમ અલગ કથાએકમો રૂપે પણ માણી શકાય તેવી છે. પાત્ર અને પરિસ્થિતિગત હાસ્યની આ કથામાં સૂક્ષ્મના મુકાબલે સ્થૂળ હાસ્ય વિશેષ છે. ‘પરદુ:ખભંજન પશાકાકા’ (1954) પણ તેમની એવી જ પાત્રપ્રધાન હાસ્યકથા છે. પરગજુ અને પરદુ:ખભંજન પશાકાકાનું પાત્રાલેખન ખૂબ સરસ છે. ‘કનુનો અંધાર-પિછોડો’ (1955) કંઈક અલગ પ્રકારની કથા છે. પરીએ આપેલા અંધારપિછોડાને લીધે કનુને કોઈ ન જોઈ શકે, પણ એ બધાંને જોઈ શકે એવી ભૂમિકા પામે છે ને પછી શરૂ થાય છે કનુનાં તોફાનો. આ ઉપરાંત ‘ભેજાબાજ ભગાબાઈ’ (1972; 1-6) ‘હાથીભાઈ ધમધમિયા’ (1972; 16), ‘ગુંદર અને સુંદર’ (1972; 16), ‘હસાહસ કથામાળા’ (1978; 130), ‘આનંદવિનોદ-કથામાળા’ (1982) વગેરે બાળકથાસાહિત્યનાં તેમનાં અન્ય પુસ્તકો છે. તેમણે હાસ્યરસ માટેના પ્રસંગો માણસના રોજબરોજના જીવનમાંથી ઉપાડ્યા છે. વારેતહેવારે કે આકસ્મિક રીતે માણસના જીવનપ્રવાહમાં જે ઘટનાઓ ઘટે છે તેમાંથી તેમણે કથાવસ્તુ ઉપાડ્યું છે. ક્યારેક માણસના વાસ્તવિક જીવનના બેહૂદાપણામાંથી પણ હાસ્ય નિપજાવ્યું છે અને તેની રજૂઆત બાલભોગ્ય થાય એ રીતની રાખી છે. ‘ચાલો ભજવીએ’ (1964, 110)માં એમણે બાલનાટકો આપ્યાં છે. ‘હાસ્યઝરણાં’ (1933), ‘હાસ્યકિલ્લોલ’ (1933), ‘કથાહાસ્ય’ (1942), ‘પોથીમાંનાં રીંગણાં’ (1958) વગેરે એમના હાસ્યલેખોના સંગ્રહો છે. એક સમર્થ બાળસાહિત્યકાર અને હાસ્યલેખક તરીકે ને તેમાંય બકોર પટેલના સર્જક તરીકે તેઓ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
શ્રદ્ધા ત્રિવેદી