વ્યાસ, શ્રીમંત કુમાર

January, 2006

વ્યાસ, શ્રીમંત કુમાર (. 3 ડિસેમ્બર 1927, લાડનુન, જિ. નાગોર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે ‘હિંદી પ્રભાકર’ની તેમજ પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી પ્રાપ્ત કરી.

તેમણે હિંદીમાં 19 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રામદૂત’ (1955); ‘કૈકયી’ (1986); ‘દ્રૌપદી’ (1987); ‘મીરાં કો પ્રભુ ગિરધર નાગર’ (1992); ‘મીરાં મહાકાવ્ય’ (1996) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘મુન્શીજી રી ડાયરી’ (1994) એકાંકી છે. તો ‘ઝાંઝર કો’ (1991) નિબંધસંગ્રહ છે. ‘રાજસ્થાની કી લોક કથાએં’ (1961) લોકકથાસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ફૂલચંદ બંઢિયા ઍવૉર્ડ અને રાજસ્થાની વિકાસ મંચ, જાલોર દ્વારા ‘વિદ્યાલંકાર’ અને રાજસ્થાની સાહિત્યના ડૉક્ટરેટની પદવી આપવામાં આવ્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા