વ્યાસ, વિદ્યાધર (. 8 સપ્ટેમ્બર 1944, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક, સંગીતના શાસ્ત્રકાર (musicologist) તથા લખનૌ ખાતેની ભાતખંડે સંગીત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ. ગાયનાચાર્ય પંડિત નારાયણરાવ વ્યાસ તેમના પિતા. તેમના કાકા પંડિત શંકરરાવ વ્યાસ પણ તેમના જમાનાના જાણીતા ગાયક અને શાસ્ત્રકાર હતા. માતાનું નામ લક્ષ્મીબાઈ. વિદ્યાધરને બાળપણથી જ પરિવારમાં શાસ્ત્રીય સંગીતના સંસ્કાર મળ્યા હતા. શાળા-કૉલેજ તથા સંગીતનું સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. દાદરની કિંગ જ્યૉર્જ હાઈસ્કૂલમાંથી 1960માં મૅટ્રિક, 1964માં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી તથા 1968માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ અધ્યયન માટે પોતાનો સમય અને શક્તિઓ સમર્પિત કર્યાં.

પિતા નારાયણરાવ સંગીતમહર્ષિ પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરના પટ્ટશિષ્ય. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાધરે ખયાલ, તરાના તથા ભજન-ગાયકી આત્મસાત્ કરી અને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડલની ડૉક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી. અત્યંત કર્ણપ્રિય અવાજની ઈશ્વરદત્ત બક્ષિસ ધરાવતા આ કલાકારે સતત પરિશ્રમ અને નિયમિત રિયાઝ દ્વારા અલ્પ સમયમાં જ એક યશસ્વી મહેફિલ-ગાયક તરીકેની નામના મેળવી. દરેક રાગની સ્વરૂપ-રચના (form) અને ખૂબીઓ(contents)નો સંપૂર્ણ ખ્યાલ રાખીને તેના ભાવોનું પોતાની ગાયકીમાં આબેહૂબ નિદર્શન કરવું એ વિદ્યાધર વ્યાસની ગાયકીની વિશેષતા ગણાય છે. 1964માં સિમલા ખાતે પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યા બાદ દેશ-વિદેશનાં મહાનગરોમાં તેમણે શ્રોતાઓને પોતાની ગાયકીનો પરિચય કરાવ્યો છે. તેમણે વિદેશથી આવતાં આમંત્રણોને માન આપી ઘણા દેશોની મુલાકાત લીધી છે; જેમાં અમેરિકા, કૅનેડા, હોલૅન્ડ, ફિનલૅન્ડ, મૉરિશિયસ, સિંગાપુર, ફ્રેન્ચ વેસ્ટ ઇન્ડિઝ જેવા અનેક દેશોનો સમાવેશ થાય છે; જ્યાં પોતાની ગાયકી દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરી છે. 1992માં ભારત અને અમેરિકા – આ બંને દેશોમાં સામસામા આયોજિત થયેલા ભારતીય અને અમેરિકન સંગીત મુકાબલાઓમાં વિદ્યાધર વ્યાસે હિંદુસ્તાની ખયાલ-ગાયકીનું પ્રસ્તુતીકરણ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેવી જ રીતે 1995માં હૉલેન્ડના રૉટરડેમ નગરમાં આયોજિત વિશ્વસંગીત-સંમેલનમાં તેમણે ખયાલ પ્રસ્તુત કરી પ્રશંસા પ્રાપ્ત કરી હતી.

આકાશવાણી અને દૂરદર્શનના તેઓ ઉચ્ચ કોટિ(top grade)ના ગાયક કલાકાર છે અને તે રૂએ અવારનવાર તેમની ગાયકીનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં વિવિધ કેન્દ્રો પરથી થતું હોય છે. સ્વરશ્રી, મૅગ્નાસાઉન્ડ, હિઝ માસ્ટર્સ વૉઇસ (HMV) જેવી માતબર કંપનીઓએ તેમની ધ્વનિમુદ્રિકાઓ, કૅસેટો તથા કૉમ્પૅક્ટ ડિસ્ક (C.D.) તૈયાર કરી છે, જેની દેશવિદેશમાં વ્યાપક માંગ છે.

શાસ્ત્રીય સંગીતના જાહેર એકલ (solo) કાર્યક્રમો ઉપરાંત વિચક્ષણ કૌશલ્ય ધરાવતા આ કલાકારે શાસ્ત્રીય સંગીતનાં ગીતોથી ભરપૂર એવાં મરાઠી સંગીત-નાટકોમાં અભિનય કર્યો છે તથા મરાઠી નાટ્યગીતોના જાહેર એકલ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે.

તેઓ શાસ્ત્રીય સંગીતના પંકાયેલા શિક્ષક-અધ્યાપક છે, જેની રૂએ અત્યારસુધીમાં તેમણે ઘણા પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરનાં સંગીતકાર્યશિબિરો, સંમેલનો, પરિસંવાદો, તાલીમવર્ગો વગેરેનું આયોજન તથા સંચાલન કરેલું છે અને તેમના દ્વારા મહર્ષિ પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં ઊભી કરેલી ઉજ્જ્વળ પરંપરાઓનું સંવર્ધન કર્યું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) દ્વારા આ કલાકારના એક સોશિયલ મ્યૂઝિકૉલોજી પ્રકલ્પ માટે સિનિયર ફેલોશિપ એનાયત થઈ હતી. ભારતની ઘણી તથા વિદેશની કેટલીક યુનિવર્સિટીઓમાં અવારનવાર તેમનાં વ્યાખ્યાન-પ્રાત્યક્ષિકો (Lecture-cum-demonstrations) પ્રસ્તુત થતાં હોય છે. શાસ્ત્રીય સંગીતનાં પ્રચાર-પ્રસારને વરેલાં સામયિકોમાં તેમના લેખો પણ પ્રકાશિત થતા હોય છે. યુરોપના ધ રૉટરડેમ ક્ધઝર્વટૉરિયમ ખાતે વિદ્યાધર વ્યાસ શાસ્ત્રીય સંગીતના નિયમિત મુલાકાતી અધ્યાપક છે.

1964થી સ્નાતક અને અનુસ્નાતક સ્તરે શાસ્ત્રીય સંગીતના અધ્યાપક તરીકે તથા 1972થી ડૉક્ટરેટના માર્ગદર્શક તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યારસુધીમાં (2005) ત્રણ વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય સંગીતના વિષયોમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે.

તેમણે અત્યારસુધી જે વિવિધ પદો શોભાવ્યાં છે તેમાં 1937માં સ્થપાયેલ ‘વ્યાસ અકાદમી ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિક, મુંબઈ’ના માનદ મંત્રી (1964-2005); જયપુર ખાતેના ‘રાજસ્થાન સંગીત સંસ્થાન’(સરકારી સંગીત-વિદ્યાલય)ના આચાર્ય (1973-84); મુંબઈ યુનિવર્સિટીની શાસ્ત્રીય સંગીત વિદ્યાશાખાના પ્રોફેસર અને અધ્યક્ષ (1984-2004) તથા ફેબ્રુઆરી 2004થી લખનૌ ખાતેની ડીમ્ડ યુનિવર્સિટી ભાતખંડે મ્યૂઝિક ઇન્સ્ટિટ્યૂટના કુલપતિ-પદનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે