વ્યાસ, નારાયણરાવ (પંડિત)

January, 2006

વ્યાસ, નારાયણરાવ (પંડિત) (. 4 એપ્રિલ 1902, કોલ્હાપુર; . 18 માર્ચ 1984, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક તથા કલાગુરુ. પિતા પંડિત શ્રીગણેશ સિતાર અને હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હતા; જેમની પાસેથી બાલ્યાવસ્થામાં જ નારાયણરાવને (અને તેમના મોટા ભાઈ શંકરરાવને) શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમણે શાસ્ત્રીય સંગીતની વિધિસરની શિક્ષા અને તાલીમ ગ્વાલિયર ઘરાણાના વિખ્યાત ગાયક અને શાસ્ત્રીય સંગીતના પ્રસારક પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસેથી પ્રાપ્ત કરી હતી. પલુસ્કરજીએ ભારતમાં તેમની જે ઉજ્જ્વળ શિષ્યપરંપરા ઊભી કરી હતી તેમાં ઓમકારનાથ ઠાકુર, વિનાયકરાવ પટવર્ધન, પ્રોફેસર બી. આર. દેવધર જેવા દિગ્ગજોની જેમ નારાયણરાવ વ્યાસનો પણ સમાવેશ થાય છે. ભારતમાં શાસ્ત્રીય સંગીતના પ્રસારાર્થે એક વાર પલુસ્કરજી દેશનું ભ્રમણ કરતા હતા

નારાયણરાવ (પંડિત) વ્યાસ

ત્યારે 1909માં તેમનો એક જાહેર કાર્યક્રમ કોલ્હાપુર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શંકરરાવ અને નારાયણરાવ બંને ભાઈઓ તેમના પિતાની સાથે હાજર રહ્યા હતા. પલુસ્કરજીની ગાયકીથી બંને ભાઈઓ એટલા બધા પ્રભાવિત થયા કે શાસ્ત્રીય સંગીતની વિધિવત્ શિક્ષા ગ્રહણ કરવાના હેતુથી કોલ્હાપુર ખાતેના ગાંધર્વવિદ્યાલયમાં બંને ભાઈઓ ક્રમશ: 1909 અને 1911માં દાખલ થયા અને ત્યારપછીનાં અગિયાર વર્ષ એટલે કે 1922 સુધી નારાયણરાવે શાસ્ત્રીય સંગીતની ગહન અને વિસ્તૃત શિક્ષા પ્રાપ્ત કરી. આ વિદ્યાલયમાં તે અરસામાં માત્ર ગાયનની જ નહિ; તેની આનુષંગિક વિદ્યાઓની શિક્ષા પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી; દા.ત., વાદ્યવાદન, વાદ્યોનું સમારકામ, તાલવાદન વગેરે. નારાયણરાવે તેમાં પણ નિપુણતા હાંસલ કરી. તેમનો અવાજ ઝીણો, મધુર અને અનુકૂલનક્ષમ હોવાથી એક ઉત્તમ ગાયક તરીકે તેમની ખ્યાતિ સર્વત્ર પ્રસરી. ગાંધર્વ વિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીતની શિક્ષા પૂર્ણ થયા પછી પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજીની આજ્ઞાથી બંને ભાઈઓ કાયમી નિવાસ માટે 1922માં કોલ્હાપુરથી અમદાવાદ આવ્યા અને ત્યાં તેમણે ‘ગુજરાત સંગીત મહાવિદ્યાલય’ નામની શાસ્ત્રીય સંગીતના શિક્ષણ અને પ્રસારને વરેલી સંસ્થાની સ્થાપના કરી (1922-7). પરંતુ પારિવારિક પરિસ્થિતિ અને શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરવાની ષ્ટિએ અમદાવાદ તેમને અનુકૂળ ન જણાતાં 1927માં બંને ભાઈઓ અમદાવાદ છોડી મુંબઈ ગયા; જ્યાં નારાયણરાવે પોતાની સમગ્ર શક્તિઓ તથા સમય શાસ્ત્રીય સંગીતના પ્રસાર-પ્રચાર માટે ફાળવવાનો નિર્ણય કર્યો. એક સારા ગાયક તરીકે નારાયણરાવની ખ્યાતિ સર્વત્ર પ્રસરી હતી; જેને પરિણામે માત્ર મુંબઈમાં જ નહિ, પરંતુ દેશનાં ભિન્ન ભિન્ન નગરોમાં તેમના જાહેર કાર્યક્રમો થવા લાગ્યા. અખિલ ભારતીય સંગીત સંમેલનમાં પણ તેમની ગાયકીની પ્રશંસા થવા લાગી.

1929માં નારાયણરાવની પ્રથમ ધ્વનિમુદ્રિકા (રેકર્ડ) હિઝ માસ્ટર્સ વૉઇસ (HMV) કંપનીએ બહાર પાડી, જેની એક બાજુએ અડાણા રાગની ‘મેરી મોહેજા’ બંદિશ તો બીજી બાજુએ ‘શ્યામસુંદર મદનમોહન’ આ ભજન મુદ્રિત કરવામાં આવ્યાં હતાં. આમ કરવા પાછળ નારાયણરાવનું જે વ્યવહારચાતુર્ય હતું તેનો લાભ કંપનીને સારા પ્રમાણમાં મળ્યો. આ ધ્વનિમુદ્રિકા દ્વારા નારાયણરાવનું નામ દરેક સંગીતપ્રેમી પરિવારમાં ગુંજતું થયું. આની કદર રૂપે એચ.એમ.વી. કંપનીએ નારાયણરાવને સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ત્યારપછી ભૈરવ રાગની બંદિશ ‘તુમ જાગો મોહન પ્યારે’, રાગ તિલક કામોદની બંદિશ ‘નીર ભરન કૈસે જાઉં’, રાગ દુર્ગાની બંદિશ ‘સખી મોરી રુમઝુમ’ ઇત્યાદિ રાગરાગિણી ધ્વનિમુદ્રિકાની એક તરફ તો બીજી તરફ ‘રામકૃષ્ણ બોલ મુખસે’, ‘કહાં કે પથિક’ જેવાં ભજનો, ‘જય જગદીશ હરે’ જેવી પ્રાર્થના, ‘વંદે માતરમ્’, ‘ભારત હમારા દેશ હૈ’ જેવાં રાષ્ટ્રગીતો ધરાવતી નારાયણરાવની ધ્વનિ-મુદ્રિકાઓ ઘરઘરમાં વાગતી થઈ.

1937માં શંકરરાવ અને નારાયણરાવ બંનેએ સહિયારા પ્રયત્નથી મુંબઈના દાદર પરામાં ‘વ્યાસ સંગીત વિદ્યાલય’ની સ્થાપના કરી. આ વિદ્યાલય દ્વારા નારાયણરાવે અનેક વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીતની શિક્ષા આપી અને એક ઉત્તમ ગુરુ તરીકે નામના મેળવી. તેમના શિષ્યવર્ગમાં માસ્ટર નવરંગ, વસંતરાવ રાજોપાધ્યે, વિમલ પત્કી, વિનાયક રામચંદ્ર આઠવલે, શંકર અભ્યંકર, પ્રસાદ સાવકાર અને શરદ જાંભેકર સવિશેષ ઉલ્લેખનીય છે. વળી પોતાના પુત્ર વિદ્યાધર વ્યાસને પણ શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે સારા ગાયક તરીકે તેમણે તૈયાર કર્યા. મુંબઈ યુનિવર્સિટીના સંગીતવિભાગના વડા તરીકે વિદ્યાધર વ્યાસે કરેલું કાર્ય પ્રશંસાને પાત્ર ઠર્યું છે. મરાઠી રંગભૂમિ પર ઘણાં સંગીત-નાટકોમાં ભૂમિકા ભજવી વિદ્યાધરે નામના મેળવી છે.

નારાયણરાવને ‘સંગીતાચાર્ય’, ‘ગાયનાચાર્ય’ જેવી પદવીઓ ઉપરાંત ‘તાનસેન સન્માન’ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. અવસાનના લગભગ પંદર દિવસ પહેલાં એટલે કે માર્ચ 1984ના પ્રથમ અઠવાડિયા સુધી આકાશવાણી, મુંબઈ પર તેમના ગાયનનું જીવંત પ્રસારણ થયું હતું; જેનું સ્મરણ શાસ્ત્રીય સંગીતના રસિયાઓને અવારનવાર થયા કરે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે