વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર

January, 2006

વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર (. 22 મે 1888, સેંજળ, જિ. ભાવનગર; . 4 જુલાઈ 1975, રાજકોટ) : ગુજરાતી કવિ. પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ; માતાનું નામ જયકુંવર હીરજી. જ્ઞાતિએ ખરેડી સમવાયના ઔદીચ્ય બ્રાહ્મણ. મૂળ વતન જૂના સાવર. પ્રાથમિક શિક્ષણ જૂના સાવરમાં. પણ શિક્ષકના મારકણા સ્વભાવને કારણે કંટાળીને, વતન છોડી, સાતમું ધોરણ મોસાળ પીઠવડીમાં પૂરું કર્યું. 16 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં, કૌટુંબિક જવાબદારી વહન કરવાની આવવાથી નાની ઉંમરે શિક્ષક તરીકે કામગીરી શરૂ કરી. પિતાના વૈદ્યના ધંધાના સંસ્કાર પડેલા નહિ, એટલે એમાં રુચિ હોવા છતાં કેળવણીક્ષેત્ર પસંદ કર્યું. 1906થી લગભગ ચાર વર્ષ ગ્રામશાળામાં કામ

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

કર્યું. દરમિયાન સાહિત્યની વાચન-લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખેલી. 1911માં તક મળતાં વડોદરાની ટ્રેનિંગ કૉલેજમાં જોડાઈ, સફળતાપૂર્વક અભ્યાસ કરી, ઉપરી અધિકારીઓની પ્રીતિ અને માન મેળવેલ. તે સમયે ‘નર્મદા પ્રવાસ’વિષયક નિબંધ માટે પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલો. પરિસ્થિતિવશાત્ અમદાવાદ આવ્યા અને ‘નવજીવન’માં ગમતું કાર્ય કર્યું. સ્વાતંત્ર્ય-આંદોલનને કારણે નોકરી-ત્યાગ. ખાદી-પ્રચાર તેમજ ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં કાર્ય કર્યું. આ બધા સમય દરમિયાન બાલગીતોનું લેખન ચાલુ રહ્યું. ‘નવજીવન’માં પ્રકટ થયેલ ‘રતનબાનો ગરબો’ પ્રત્યે સૌનું ધ્યાન ખેંચાયું. પછી અમદાવાદથી રાજકોટ જઈ રાષ્ટ્રીય શાળામાં જોડાયા. નોકરીનાં પાછળનાં વર્ષો કિશોરસિંહજી તાલુકાશાળાના આચાર્ય તરીકે ગાળ્યાં. વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી અને શિસ્તનો આગ્રહ તેમના આચાર્યપણાની લાક્ષણિકતા ગણાય. કાવ્યસર્જન તેમનો પ્રથમ પ્રેમ. કુદરત તેમની પ્રેરણાભૂમિ. તેમના વ્યક્તિત્વ પર સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની અસર પડેલી, જેની અસર તેમના સાહિત્ય-સર્જનમાં પણ વરતાય છે. વાચન-તત્વચિંતન અને કાવ્યસર્જન તેમના રસનાં ક્ષેત્રો રહેલાં.

તેઓ એક ઉત્તમ બાળગીતકવિ તરીકે પ્રતિષ્ઠિત છે. મધુર ભાવો, લયાત્મક – આકર્ષક વર્ણનશૈલી, ચિત્રાત્મક, સહજસિદ્ધ અલંકારો, રસમય રીતે ઉપદેશ અને જ્ઞાન આપે તેવાં ગીતોના સર્જક તરીકે તેઓ ગુજરાતી બાળકાવ્યક્ષેત્રે અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. શિક્ષણકાર્યની સાથે જ તેમનું આ સર્જનકાર્ય ચાલુ રહ્યું હતું. બાળકો ગ્રહી શકે તેવાં, તાલબદ્ધ પદ્ય કે ગદ્ય દ્વારા તેમણે બાળકોને પથ્ય વાચનસામગ્રી પીરસી છે. ‘નવાં ગીતો’ (ભાગ 1-2, 1925), ‘ગુંજારવ’ (1941) તેમના બાળગીતસંગ્રહો છે. ‘ટ્રેન’, ‘ઘરનો વાઘ’, ‘વીજળી’, ‘સાગર’, ‘ભારતનિશાન’ વગેરે તેમની અતિપ્રસિદ્ધ કૃતિઓ છે. પ્રકૃતિ, પરમેશ્વર, કુટુંબ અને કૌટુંબિક સંબંધો, રમતો, પ્રાણીઓ, પંખીઓ, ઋતુઓ, દેશપ્રેમ વગેરે તેમના કાવ્ય-વિષયો છે, જે બાળકોની આંખે જોવાયા છે ને રજૂ થયા છે. તેમનો પ્રકૃતિપ્રેમ સવિશેષ ધ્યાનપાત્ર છે. ‘નવાં ગીતો’નો બીજો ભાગ બાલોપયોગી, વર્ણનપ્રધાન અને ભાવપ્રધાન એમ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. ‘ફૂદરડી’, ‘ખિસકોલી’ એ બાળકોમાં અત્યંત પ્રિય એવી ખ્યાત રચનાઓ છે. ‘વિલાયતી મુસાફર’માં હિંદુ સ્ત્રી અને વિલાયતી સ્ત્રી વચ્ચે સંવાદ કરતી કૃતિ છે, જે નિમિત્તે ભારતની વાસ્તવિકતા રજૂ કરી છે. પહેલા ભાગ કરતાં બીજો ભાગ ભાષા તેમજ ભાવ દૃષ્ટિએ થોડો ભારેખમ છે. ‘બે દેશગીતો’ (1928) અને ‘નવી ગરબાવળી’(1942)માં લોકબોલીનો પ્રભાવ છે. ‘નવી ગરબાવળી’માં ‘વનરાજનું હાલરડું’ રચના ધ્યાનપાત્ર છે. ગીતકાર તરીકે ઊંચું સ્થાન ધરાવતા આ સર્જકે ‘ખાનખાનાન’(1946)માં એક લોકકથાને મોટી ઉંમરનાં બાળકો માણી શકે તે રીતે રજૂ કરી છે. એક ખાણિયો અક્કલ-હોશિયારીથી કેવી રીતે ખાનખાનાન બને છે તેની આ એક રસિક કથા છે. આ સિવાય તેમની કેટલીક વાર્તાઓ ‘વસુંધરા’ અને ‘આનંદ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થયેલી. તેમની પાસેથી ‘મેઘદૂત’ (1937), ‘ઋતુસંહાર’ (1946) વગેરે સંસ્કૃત ખંડકાવ્યોના પદ્યાનુવાદ, તો નિષ્કુળાનંદકૃત ‘ધીરજ આખ્યાન’નું એમણે કરેલું ગદ્ય રૂપાંતર પણ મળ્યાં છે. ‘સદ્ગુરુચરિત્ર’ (1924)  એ તેમનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિશે વિસ્તૃત માહિતી આપતો ભક્તિપોષક ગ્રંથ છે. શ્રી કિશોરલાલ મશરૂવાળાના સહજાનંદ સ્વામીના ચરિત્રગ્રંથ જેવો આ ગ્રંથ હૃદયસ્પર્શી રીતે લખાયો છે. આ ઉપરાંત ‘સર લાખાજીરાજનાં સંસ્મરણો’, ‘સ્વામીનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક આલોચના’ (1956) જેવા ગ્રંથો પણ તેમની પાસેથી મળ્યા છે; પણ તેમની ચિરંતનતા તેમનાં બાળકાવ્યો પર નિર્ભર છે. તેમની જન્મશતાબ્દી નિમિત્તે ઉમાશંકર જોશી, મકરન્દ દવે અને નાથાલાલ દવેની પ્રસ્તાવનાઓ સાથે સંપાદિત થયેલાં એમનાં કાવ્યોનો ગ્રંથ ‘આવર્તન’ (1985) એમની કવિપ્રતિભાનો રમણીય પરિચય આપી રહે છે.

શ્રદ્ધા ત્રિવેદી