વ્યાસ, જયનારાયણ (જ. 14 એપ્રિલ 1947, વીરમગામ) : જનસેવામાં પ્રવૃત્ત તજ્જ્ઞ અને કુશળ વહીવટકર્તા. તેમના પિતા નર્મદાશંકર રેલવેમાં સેવા આપતા હતા. જ્યારે શિસ્તનાં આગ્રહી માતા પદ્માવતી ગૃહકાર્ય સંભાળતાં હતાં. પ્રાથમિક તથા એસ.એસ.સી. સુધીનું શિક્ષણ રાજપુર અને સિદ્ધપુરમાં પૂરું કર્યું. 1969માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી બી.ઈ.(સિવિલ)ની પદવી મેળવી. 1971માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી, મુંબઈમાંથી ભૂમિયંત્રવિજ્ઞાન અને સ્થાપન ઇજનેરી(soil mechanic and foundation engineering)ના વિષયો સાથે માસ્ટર ઑવ્ ટેક્નૉલોજીની પદવી પ્રથમ ક્રમે હાંસલ કરી. 1975માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી માર્કેટિંગ મૅનેજમેન્ટની પરીક્ષામાં પ્રથમ આવી અનુસ્નાતક પ્રમાણપત્ર મેળવ્યું હતું. 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની પદવી મેળવી હતી.
તેમણે 1971થી 1973 દરમિયાન એમ. એસ. યુનિવર્સિટીના ટેક્નૉલોજી અને ઇજનેરી વિભાગમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. 1973થી 1975 ગુજરાત હાઉસિંગ બૉર્ડમાં નાયબ ઇજનેર તરીકે સેવા આપી હતી. 1975થી 1978 દરમિયાન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં નાયબ મુખ્ય વહીવટી અધિકારી તરીકે પ્રવૃત્ત હતા. 1978થી 1990 સુધી ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરોમાં વહીવટી સંચાલક તરીકે તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
તેમની દીર્ઘ સમયથી સુપ્ત જનસેવાની આકાંક્ષાને સાકાર કરવા 1990માં સિદ્ધપુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. 1990થી 2002 સુધી સિદ્ધપુર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સિદ્ધપુર તેમજ ઉત્તર ગુજરાતના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસમાં તેમણે સક્રિય ફાળો આપ્યો હતો અને હાલ (2006) પણ આપી રહ્યા છે.
1995માં ગુજરાત સરકારના મોટી સિંચાઈ અને જળસ્રોતો વિભાગનું પ્રધાનપદ સ્વીકાર્યું હતું. 1995-1997 દરમિયાન સરદાર સરોવર યોજનાનું ચૅરમૅનપદ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ઇજનેરી કૌશલ્ય, વહીવટી દક્ષતા અને દૂરંદેશીપણું દર્શાવી સરદાર સરોવર યોજના સાકાર કરવા આવશ્યક સમર્થન મેળવવા તથા નાણાં એકત્ર કરવા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સચોટ રજૂઆતો કરી હતી. વળી અસરગ્રસ્તોના પુનર્વસવાટના પ્રશ્ર્નોને સુલઝાવવા માટે સુગઠિત યોજનાઓ પ્રસ્તુત કરી હતી. જેને પરિણામે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ગુજરાત સરકારની તરફેણમાં આવ્યો. આમ આ યશનું શ્રેય જયનારાયણ વ્યાસના ફાળે જાય છે. યોજનાના બંધનું બાંધકામ પૂરું થાય તે દરમિયાન ગુજરાતના ખેડૂતોને પાણી મળતું રહે તે માટે તેમણે સિંચાઈ વૈકલ્પિક સુરંગ(Irrigation Bypass Tunnel)ની યોજનાને મૂર્ત સ્વરૂપ આપવામાં અગ્રભાગ લીધો હતો. જેને પરિણામે રાજ્યના ખેડૂતોને નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે.
તેમના જળ-વ્યવસ્થાપન અને વિકાસ અંગેનું જ્ઞાન તેમજ સરદાર સરોવર યોજનાની સબળ રજૂઆતોને પરિણામે ત્રીજા વિશ્વની ઉત્તમ જળવ્યવસ્થાપન અને આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અને જળ-સંશોધન કેન્દ્રે (Third World Centre for better management and international water research Association) સ્થાપેલ ‘કલબ ઑવ્ ટોકિયો’માં આમંત્રિત માત્ર 14 તજ્જ્ઞોમાં જયનારાયણભાઈને આમંત્રી 3 વર્ષનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. તુર્કસ્તાનના મુખ્ય પ્રધાને તેમના દેશની સિંચાઈના વિકાસ માટે પરામર્શ કરવા તેમને આમંત્ર્યા હતા. વિશાળ બંધો માટેના આંતરરાષ્ટ્રીય આયોગે (International Commission on large dam) જળવ્યવસ્થાપનમાં નોંધપાત્ર-પ્રદાન માટે 2003ના વર્ષનો પુરસ્કાર તેમને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત જયનારાયણભાઈએ સ્ટૉકહોમ આંતરરાષ્ટ્રીય જળસંસ્થાપન સ્વીડનમાં તેમજ દુબાઈમાં જળવ્યવસ્થાપન અને પુનર્વસવાટના વિષયો પર પ્રવચનો આપ્યાં હતાં.
તેમણે અનાજ અને પુરવઠા વિભાગના મંત્રી તેમજ ગુજરાત રાજ્ય માર્ગપરિવહન નિગમના ચૅરમૅન તરીકે પણ સેવાઓ આપી હતી. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં રસ લઈને વિવિધ વિષયો દા.ત., ઉદ્યોગોનું આયોજન, નાણાકીય સહાય, લઘુ ઉદ્યોગો, વિદેશ સહયોગ અને તકનીકી તબદીલી, બિનનિવાસી મૂડીરોકાણ વગેરે પર પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેમની સંસ્થા તરફથી ઔદ્યોગિક સામયિકો પણ બહાર પાડવામાં આવે છે.
હાલમાં તેઓ સાકેત પ્રૉજેક્ટ્સ લિમિટેડ નામની ઔદ્યોગિક સલાહકાર કંપનીનું સંચાલન સંભાળે છે. તેમનાં પત્ની અને બે પુત્રો તેમના વ્યવસાયમાં સક્રિય સહયોગ આપી રહ્યાં છે.
જિગીષ દેરાસરી