વ્યાસ, જયનારાયણ (જ. 1898; અ. 1963) : અગાઉના જોધપુર રાજ્યના વડાપ્રધાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી. તેમના પિતાશ્રી સેવારામ વ્યાસ અગાઉના જોધપુર રાજ્યના રેલવે ખાતામાં સામાન્ય અધિકારી હતા. તે રૂઢિચુસ્ત પુષ્કર્ણા જ્ઞાતિના હતા. તે પંજાબ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા આપવા માર્ચ 1919માં દિલ્હી ગયા, ત્યાં સુધી ખાસ બહાર ગયા ન હતા. દિલ્હીમાં 30 માર્ચ 1919ના દિવસે ચાંદની ચૉકમાં સ્વામી શ્રદ્ધાનંદ તથા હકીમ અજમલખાન પર પોલીસે ગોળીબાર કર્યો. તે પ્રસંગે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન કર્યું. ત્યારબાદ પંડિત મોતીલાલ નહેરુ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુનો તેમના જીવન ઉપર પ્રભાવ પડ્યો.
જોધપુર પાછા ફર્યા બાદ, તેમણે દેશી રાજ્યોમાં રાજકીય પ્રવૃત્તિનું સંગઠન સાધવામાં પોતાનો બધો સમય આપ્યો. દેશી રાજ્યોના લોકોની જાગૃતિમાં જમનાલાલ બજાજ અને અમૃતલાલ શેઠી પણ રસ લેતા હતા. તેમના સહકારથી તેમણે કામ કર્યું.
તેમનો હેતુ સિદ્ધ કરવામાં તેમણે પત્રકારત્વનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેમણે ‘અખંડ ભારત’, ‘પુષ્કર્ણા’, ‘તરુણ રાજસ્થાન’ અને ‘આજીવન’ સામયિકો શરૂ કરીને તેના સંપાદકની જવાબદારી નિભાવી. તેમણે ‘પ્રજાસેવક’, ‘રિયાસતી’ અને ‘વીર દુર્ગાદાસ’ નામનાં અખબારોને પણ સક્રિય સહાય કરી. વર્તમાનપત્રોમાં તેમના નિર્ભય લેખોના ફલસ્વરૂપે દેશી રાજાઓના આપખુદ શાસનના પાયા હચમચી ગયા. પત્રકારત્વમાં તેમને ભારે નાણાકીય ખોટ સહન કરવી પડી; પરંતુ તેમનો જુસ્સો નરમ પડ્યો નહિ. વર્તમાનપત્રો દ્વારા તેમણે ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કર્યો. પત્રકારત્વ દ્વારા તેમણે સામાજિક અનિષ્ટો સુધારવાનો ઇરાદો પણ રાખ્યો હતો. આમ, વ્યાસજી રાજકીય અને સામાજિક બંને દૃષ્ટિએ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા.
ભારતીય સમાજમાંથી ગરીબી, શોષણ અને ગુલામી દૂર કરવા માટે વ્યાસજીએ લડત આપી. રૂઢિચુસ્તપણું અને પરંપરાવાદ સમાજના તંદુરસ્ત વિકાસને અટકાવે છે. તેથી તેમણે તેને નાબૂદ કરવાનું પોતાના જીવનનું ધ્યેય રાખ્યું. સામાજિક બદીઓમાં સુધારા કરવા માટે તેમણે શુદ્ધ અને નૈતિક પદ્ધતિઓ અપનાવવાનો આગ્રહ રાખ્યો હતો. સમાજ-સુધારક તરીકે તે અનિષ્ટો સાથે તડજોડ કરતા નહિ.
વ્યાસજીના મિત્રો, પ્રશંસકો, અનુયાયીઓ વગેરે તેમને આદરપૂર્વક ‘જનનાયક’ કહેતા. તેમના ઉપર ધાર્મિક માન્યતાઓનો પ્રભાવ હતો; છતાં કોઈ ધાર્મિક સિદ્ધાંતોમાં પોતાનો વિશ્ર્વાસ તે જાહેર કરતા નહિ. યુવાનીમાં તે જૈન આચાર્યોના પ્રભાવ હેઠળ હતા. પોતાના સહકાર્યકરોને તે મંદિર જેવા ધાર્મિક સ્થળે મળતા. ‘અધ્યંત તત્વ પ્રકાશ’ નામનો તેમનો ગ્રંથ ધર્મ અને નીતિ પ્રત્યેનું તેમનું વલણ પ્રગટ કરે છે. તેમનાં કાવ્યોની કેટલીક પંક્તિઓ ક્રાંતિ માટેનો તેમનો ઉત્સાહ, સામાજિક અનિષ્ટો દૂર કરવાની ઇચ્છા અને સંગઠનશક્તિમાં તેમનો વિશ્ર્વાસ વ્યક્ત કરે છે.
તે જુલમ અને દમનના વિરોધી હતા; સામાજિક અન્યાય સામે અહિંસક સંઘર્ષ કરવામાં માનતા હતા. તે દેશભક્ત હતા અને ઘરમાં કાંતેલી ખાદીનાં કપડાં પહેરતા હતા. તેમનાં પ્રવચનો અને લખાણોમાં તે મારવાડી(રાજસ્થાનની એક બોલી)નો પણ ઉપયોગ કરતા. તેના પરિણામે તેમાં જુસ્સો પેદા કરી શકાતો હતો. તેમનાં લખાણોથી લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ પેદા થતો હતો.
જૂના જોધપુર રાજ્યના, તેઓ થોડા સમય માટે વડાપ્રધાન અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી રાજસ્થાનના મુખ્ય મંત્રી હતા. તેમણે જોધપુર રાજ્ય અને રાજસ્થાનમાં સ્વચ્છ વહીવટનું કાયમી ઉદાહરણ પૂરું પાડ્યું. તે પોતાને જ્ઞાતિવાદ તથા સંકુચિત ધાર્મિક ભાવનાથી પર માનતા હતા. તેથી સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુને તેમનામાં વિશ્ર્વાસ હતો. તેમના મિત્રો તથા વિરોધીઓ તેમના સદ્ગુણોનાં એકસરખાં વખાણ કરતા હતા. તેથી સમગ્ર રાજસ્થાનમાં તેઓ લોકપ્રિય આગેવાન બની રહ્યા.
વ્યાસજી ઘણા સારા ગાયક હતા અને નૃત્ય કરવાની તેમનામાં ઈશ્વરી બક્ષિસ હતી. આ આવડતનો ઉપયોગ તેઓ લોકકલ્યાણ માટે કરતા હતા.
તેમણે મારવાડ સેવાસંઘની સ્થાપના કરી તેનું સંચાલન પણ કર્યું હતું. 1939થી 1949 સુધી તેઓ ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના મહામંત્રી હતા. તેઓ રાજપૂતાના પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પણ હતા. તેઓ નિ:સ્વાર્થ રાષ્ટ્રસેવક હતા. રાજસ્થાન સરકાર અને ત્યાંની કૉંગ્રેસમાં તેમનું સ્થાન ઊંચું હતું. બ્રિટિશ અમલદારોને વ્યાસજીની પ્રામાણિકતા માટે ઘણો ઊંચો અભિપ્રાય હતો. તેઓ જાણતા હતા કે તેમને કોઈ પણ કિંમતે ખરીદી શકાશે નહિ.
જયકુમાર ર. શુક્લ