વ્યાસ, ગિરજાશંકર (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : ઉચ્ચરિત શબ્દોના બેતાજ બાદશાહ અને દૂરદર્શનના પહેલવહેલા ગુજરાતી ડિરેક્ટર જનરલ.

ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ એટલે રેડિયોની નોકરીની નિસરણીનું લગભગ સૌથી પહેલું પગથિયું. ત્યાંથી  શરૂઆત કરી  ટેલિવિઝન એટલે કે દૂરદર્શનના સર્વોચ્ચ પદે પહોંચ્યા. એ વખતે સરકારી દૂરદર્શન એ એકમાત્ર ટીવી ચૅનલ. બીજી ખાનગી અને પરદેશી ચૅનલોને હજી સરકારે દેશમાં છૂટ આપી નહોતી એટલે દૂરદર્શન અને એના વડાનો દબદબો અને મોભો ઘણો, પણ જ્યારે સેવાનિવૃત્ત થયા ત્યારે સાપ કાંચળી ઉતારે તેમ એ બધું ઉતારીને એ સાંજે ગિરજાશંકરભાઈ આમઆદમી બની ઑટોરિક્ષામાં ઘરે આવ્યા. આ ગિરજાશંકરભાઈ એટલે બીજું કોઈ નહીં પણ સ્પોકન વર્ડના બેતાજ બાદશાહ ગિજુભાઈ વ્યાસ.

એમનું  કુટુંબ મુંબઈ આવ્યું અને ગિજુભાઈ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણી બી.એ. થયા. આગળ ભણવાની હોંશ હતી, પણ એ જ વખતે પિતાને ધંધામાં ભારે ખોટ ગઈ. પોતાનાં આશા-અરમાનનો વીંટો વાળીને ગિજુભાઈએ લીધી નોકરી ‘માતૃભૂમિ’ નામના ગુજરાતી અખબારમાં. ત્યારબાદ શામળદાસ ગાંધીના ‘વન્દેમાતરમ્’ દૈનિકમાં જોડાયા અને પછી 1943માં જોડાયા ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશન પર ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ તરીકે.

1948ના જાન્યુઆરીની ૩૦મીની સાંજ. ગિજુભાઈ આકાશવાણીમાંની ફરજ પર હતા ત્યારે એક ઓળખીતા વેપારીનો ફોન આવ્યો અને મહાત્મા ગાંધીજીની હત્યાના સમાચાર આપ્યા. તેઓ સીધા પહોંચ્યા સ્ટેશનડિરેક્ટરની પાસે અને તેમની પરવાનગી લઈ એક ચૅનલ પરના ઉર્દૂમાં બાળકો માટેનો કાર્યક્રમ અને બી ચૅનલ પર કન્નડમાં સમાચાર રોકીને આ સમાચાર ફ્લૅશ  કર્યા . જોકે દિલ્હી સ્ટેશન કરતાં ‘પહેલાં  કેમ સમાચાર આપી દીધા’ તે બાબતે મેમો મળ્યો – પણ આ મેમોને ગિજુભાઈ પોતાની સિદ્ધિ ગણાવતા, કારણકે આપણા પહેલા જો બી.બી.સી. કે વૉઇસ ઑફ અમેરિકા કે દુનિયાનો કોઈ પણ દેશ આ સમાચાર દુનિયાને આપી દેશે તો આપણા દેશનું નાક કપાઈ જશે એ ભાવના સાથે એમણે આ દુઃખદ સમાચાર વહેતા કર્યા અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પણ પડ્યા.

બ્રૉડકાસ્ટિંગ ક્ષેત્રે પ્રોગ્રામ ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ તરીકેની કારકિર્દી શરૂ કરનારા  ગિજુભાઈ  વ્યાસે એ ધીમે ધીમે આ માધ્યમને પૂરેપૂરું સમજી  લીધું અને સાથે સાથે  કુનેહ ઉપરાંત સુશીલ, શાંત સ્વભાવને કારણે અનેક પદોન્નતિ પામીને છેલ્લે ભારતના દૂરદર્શનના ડાયરેક્ટર જનરલના પદ પરથી 1980માં નિવૃત્ત થયા. તેઓએ મુંબઈ, પટણા, રાજકોટ, અમદાવાદ-વડોદરા, ભુજ તથા જલંધરનાં આકાશવાણી-કેન્દ્રોના નિયામક તરીકે તેમજ વિવિધ ભારતી અને આકાશવાણીની વાણિજ્યસેવાના નિયામક તરીકે કામગીરી બજાવી. એમનો ધીરગંભીર અવાજ – એ ગુજરાતી બ્રૉડકાસ્ટિંગની મહામૂલી મૂડી હતો. તેમણે ગાંધીજીની આત્મકથાનું રેડિયો ઉપર કરેલું પઠન આજે પણ સ્મરણીય રહ્યું છે. પોતાની આગવી કલાદૃષ્ટિથી તેમણે અનેક ગુજરાતી બ્રૉડકાસ્ટરોને તાલીમ આપી પ્રોત્સાહિત કર્યા. રેડિયો-પ્રસારણક્ષેત્રે નિર્માણ અને સંશોધનમાં માર્ગદર્શન આપ્યું. મુંબઈ અને સમગ્ર ગુજરાતની નાટ્યપ્રવૃત્તિ સાથે વિવિધ સ્તરે પાંચ દાયકા સુધી તેઓ સંકળાયેલા રહ્યા હતા. 1967થી 1979 દરમિયાન તેમણે વિવિધ વિદેશ-પ્રવાસ ખેડ્યા.

ત્રિલોક સંઘાણી