વ્યાસ, કાન્તિલાલ બ.

January, 2006

વ્યાસ, કાન્તિલાલ . (. 21 નવેમ્બર 1910, હાજીપુર; . 23 જુલાઈ 1991, વીરમગામ) : ગુજરાતના અગ્રણી ભાષાશાસ્ત્રી અને સંશોધક. વતન વીરમગામ. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઈ.સ. 1930માં બી. એ. થયા અને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અને સમાજવિદ્યા વિષયમાં એમ બે વાર એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સાક્ષર શ્રી નરસિંહરાવ દિવેટિયાના તેઓ પ્રિય વિદ્યાર્થી હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં 23 વર્ષ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યા પછી વિસનગર, રાજકોટ, ભાવનગર, માંડવી અને વીરમગામની કૉલેજોના આચાર્ય તરીકે તેમણે સેવા આપી હતી. ઇંગ્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટીના તેઓ ફેલો હતા. ગુજરાતી અધ્યાપક સંઘના 15મા સંમેલનના પ્રમુખપદે અને ગુજરાતી સાહિત્ય પરિષદના 29મા સંમેલનના સંશોધન વિભાગના અધ્યક્ષપદે તેઓ નિયુક્ત થયા હતા. અભ્યાસકાળ દરમિયાન અને અધ્યાપનકાળ દરમિયાન એમણે અનેક નિબંધો લખી નારાયણ માંડલિક સુવર્ણચંદ્રક, પંડિત ભગવાનલાલ ઇંદ્રજી સુવર્ણચંદ્રક, કે. જી. નાયક સુવર્ણચંદ્રક વગેરે પ્રાપ્ત કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીની ડિ. લિટ્.ની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી હતી. મુંબઈ યુનિવર્સિટીની સુખ્યાત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા એમણે આપી હતી અને ‘કાવ્યની શૈલી’ એ પુસ્તકમાં એ ગ્રંથસ્થ થઈ છે. એમાં ભારતીય કાવ્યશાસ્ત્ર અને શૈલીવિજ્ઞાનની દૃષ્ટિએ કાવ્યની શૈલીની વિચારણા થઈ છે.

‘ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર’(1945)થી એમનું લેખનકાર્ય આરંભાયું હતું. એમનું મહત્વનું પ્રદાન મધ્યકાલીન સાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે, ભાષાવિજ્ઞાનક્ષેત્રે અને સાહિત્યવિવેચનક્ષેત્રે રહ્યું છે. ‘વસંતવિલાસ’નું એમનું ગુજરાતી અને અંગ્રેજીમાં કાવ્યસંપાદન એક નમૂનેદાર શાસ્ત્રીય સંપાદન ગણાયું છે. ઈ. સ. 1942માં અને પછી ઈ. સ. 1957માં અને એ પછી ઈ. સ. 1959માં એની સંશોધિત આવૃત્તિઓ પ્રગટ થતી રહી હતી. નવી હસ્તપ્રતો મળતાં નવું સંસ્કરણ કરવાની એમની સંશોધનાત્મક અભ્યાસદૃષ્ટિ સહુની પ્રશંસા પામી હતી. ‘કાન્હડદે પ્રબંધ’ ખંડ 12 (1959) અને ખંડ 34 (1977) પણ એમનું એવું જ ઉત્તમ પ્રકારનું મધ્યકાલીન કાવ્યકૃતિનું સંપાદન છે. સંશોધનાત્મક સંપાદનનો એમનો આદર્શ ઘણો ઊંચો હતો. ‘ચાર ફાગુકાવ્યો’, ‘રણમલ્લ છંદ’ તથા ‘કુંવરબાઈનું મામેરું’ (અન્ય સાથે) પણ એમનાં અન્ય નોંધપાત્ર સંપાદનો છે. ડૉ. સુનીતિકુમાર ચૅટરજી અને મુનિશ્રી જિનવિજયજી જેવા પ્રશિષ્ટ વિદ્વાનોની પ્રશંસા તેમનાં સંપાદનોને પ્રાપ્ત થઈ હતી.

ભાષાવિજ્ઞાનક્ષેત્રે ‘ભાષાવિજ્ઞાન’ અદ્યતન સાહિત્યવિચારણા અને (ઈ.સ. 1978) 900 પાનાંમાં વિસ્તરેલું મૌલિક અભિગમવાળું અદ્યતન માહિતી અને નૂતન સામગ્રીથી મૂલ્યવાન ગણાય એવું પુસ્તક છે. ભાષાના ઉદ્ગમથી માંડી ધ્વનિ-લિપિ-પદ-વાક્ય-અર્થ વગેરે અંગોની પ્રચુર ગુજરાતી ઉદાહરણો સાથે એમણે એમાં વિશદ વિચારણા કરી છે. ‘ગુજરાતી ભાષા – ઉદ્ગમ અને વિકાસ’ (1964) એમનું આ વિષયનું વિદ્યાર્થીભોગ્ય પુસ્તક છે. ‘કાવ્યની શૈલી’ (1983) પછી ‘ગુર્જરી કંઠાભરણ’(બે ભાગ)માં એમણે મધ્યકાળના અને દલપત-નર્મદ યુગના પ્રશિષ્ટ કવિઓ અને કૃતિઓનો રસલક્ષી પરિચય કરાવ્યો છે. ‘ગીર્વાણ વાસન્તિકી’માં સંસ્કૃત સાહિત્યમાં નિરૂપાયેલા વસન્તના વૈભવનું રસમય નિરૂપણ છે. ઈ.સ. 1990માં સિદ્ધિચંદ્ર સંકલિત ‘ઋતુ વર્ણન’(પસંદ કરેલાં મુક્તકો)નો સુવાચ્ય અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો હતો.

ચિમનલાલ ત્રિવેદી