વ્યાસ, અવિનાશ (જ. 21 જુલાઈ 1911; અ. 20 ઑગસ્ટ 1984, મુંબઈ) : જાણીતા સંગીતકાર ને ગીતકાર. વિસલનગરા નાગર. પિતા આનંદરાય. માતુશ્રી મણિબહેન જ્ઞાતિના સ્ત્રીમંડળનાં મંત્રી, ગરબા વગેરે કરાવે. તેમના સંસ્કાર અવિનાશ વ્યાસમાં આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ. થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ ટેસ્ટમૅચ જોવાની ચૂક્યા નહોતા. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’. પિતાજીના અવસાન સમયે ગીત લખેલું : ‘ખોવાયા ને ખોળવા, દ્યો નયન અમને ……’ દરબારી કાનડામાં બંદિશ કરી. ચિત્રપટ ‘ગુણસુંદરી’માં આ ગીત મૂકેલું. ત્રીસીના દસકામાં અનેક રેકૉર્ડો દ્વારા ગુજરાતને રાસ-ગરબા લખી સ્વરબદ્ધ કરી આપ્યા અને તેને ગુંજતું કરવામાં પાયાના પથ્થરની ભૂમિકા ભજવી. અમદાવાદમાં એમેચ્યોર ક્લબનાં નાટકોમાં પણ પછી નાટ્યકાર થયેલા પ્રફુલ્લ દેસાઈ તથા અભિનયકારો પ્રદ્યુમ્ન મહેતા, બિપિન મહેતા અને પ્રદ્યુમ્ન ભટ્ટ સાથે ભૂમિકા પણ ભજવતા.
છ હજાર ગીતો લખનારા અવિનાશ વ્યાસે 1943ના અરસામાં દેશદાઝનાં ગીતો પણ લખી સ્વરબદ્ધ કરી ગવડાવ્યાં. ‘જોજે જવાન રંગ જાયે ના’ અને ‘ધરતી ક્યાં સુધી ધીર ધરતી’ જેવાં ગીતો તો લોકગીતના જેવો પ્રચાર પામ્યાં. તેઓ દાંડીકૂચમાં ભાગ લીધા પછી મુંબઈમાં સ્થાયી થયા અને એ.આઇ.સી.સી. વખતે થોડા જ દિવસોમાં ‘ભૂખ’ અને ‘કાળ ભૈરવ’ ગીતનાટિકાઓ તેમણે રજૂ કરી. પછી તો આઇ.એન. ટી. સાથે રહી ‘નરસૈંયો’, ‘મીરાં’, ‘આમ્રપાલી’ રજૂ કર્યાં. ભારતીય વિદ્યાભવનના કલાકેન્દ્રના સક્રિય સભ્ય તરીકે ‘જય સોમનાથ’, ‘રાસદુલારી’, ‘રામશબરી’, ‘ગીતગોવિંદ’ જેવી ઉત્તમ ગીતનાટિકાઓ આપી. યોગેન્દ્ર દેસાઈના સથવારે પછી તો ‘રૂપકોષા’, ‘ચિત્રલેખા’, ‘પરિવર્તન’, ‘પિંજરનું પંખી’, ‘વરદાન’, ‘અનારકલી’ અને ‘ચૌલાદેવી’ જેવી કૃતિઓ આપી.
એમના રાસગરબા પણ લોકગીતો જેવાં બની રહ્યા ! મૉસ્કોના ’57ના ઉત્સવમાં એમના ગરબાને ઇનામ મળ્યું કે ‘બાંકી રે પાઘલડીના ફૂમતા સાથે વિદેશીઓને નાચતા જોઈ’ આશાએ એમને લંડનમાં બોલાવ્યા. વિદેશના પ્રવાસ 1952, 1955 પછી 1963, 1966માં કરી 1969માં ભારત સરકાર તરફથી જર્મનીના પ્રવાસે શંભુ મિત્રા અને પુ. લ. દેશપાંડે સાથે ગયા. 1951માં આકાશવાણી ઉપરથી ગીત-સંગીત-રૂપકો સાથે ‘આ માસના ગીત’ની શ્રેણી આપી અને ભારતીય વિદ્યાભવન તરફથી આ માસનાં ગીતોમાં નવાં નવ-દસ ગીતો રજૂ કરી ગુજરાતના સુગમ સંગીત માટેની એક મજબૂત ભૂમિકા તૈયાર કરી. ગુજરાતી ફિલ્મમાં ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’થી એમણે ગીતસંગીતની નવી કેડી સર્જી. લગભગ અઢીસો ચિત્રમાં ગીતસંગીત આપી સરકારનાં સાતથી વધારે ઇનામ જીતનારા અવિનાશ વ્યાસે ફિલ્મ માટે જ બે હજારથી વધુ ગીતો લખ્યાં છે.
1969માં ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ જીતનાર અવિનાશને સંગીત-નૃત્ય-નાટક અકાદમીનો ગૌરવ પુરસ્કાર છેક 1983માં મળ્યો. ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન પ્રાચીન ભજનોની શક્તિ દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે. જેમકે રાખનાં રમકડાં, તાળિયોના તાલે, રંગલો, જવાનીને કહું છું પાછી વળી જા, પંખીડાને આ પિંજરું વગેરે. આ સંદર્ભમાં અવિનાશની એક ગીતપંક્તિ સ્મરણીય છે.
‘સાધુ સંત ફકીરા, અમે મીરાંનાં મંજીરાં’
ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રે અવિનાશ વ્યાસ ગીતો અને સ્વરનિયોજનોના અલગારી મુરશીદ જેવા ‘ભૂલા પડેલા શાપિત ગાંધર્વ જેવા હતા.’
‘દૂધગંગા’ (1944), ‘સથવારો’ (1952), ‘વર્તુળ’ (1983) વગેરે તેમના ગીત-ગરબાના સંગ્રહો છે. તો મેંદીનાં પાન (1947, અં. આવૃત્તિ 1958) એમનો નૃત્યનાટિકાઓનો સંગ્રહ છે. ‘રાખનાં રમકડાં’ (1952) તેમજ ‘અર્વાચીના’ (ધનસુખલાલ મહેતા સાથે, 1947) તેમનાં નાટકો છે.
પ્રબોધ જોશી