વ્યાયામ : શરીરનાં સૌષ્ઠવ તથા બળમાં વૃદ્ધિ કરનારી વિવિધ પ્રકારની કસરતો અને શરીરનાં હલનચલનો. સજીવ સૃદૃષ્ટિમાં તે સર્વત્ર જોવા મળે છે. પંખીઓ ઊડાઊડ કરે છે. ગાય, વાછરડાં કૂદાકૂદ કરે છે. કૂતરાં ગેલ કરે છે. બકરીનાં બચ્ચાં માથાં અથડાવીને રમે છે. વાંદરાનાં બચ્ચાંઓ ઝાડની ડાળીએ ડાળીએ ઊછળકૂદ કરે છે. ખિસકોલીઓ એકબીજીને પકડવા દોડે છે. આ બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ વ્યાયામના વિવિધ પ્રકારો ગણાય છે. આમ રમતરૂપી વ્યાયામ સજીવ સૃદૃષ્ટિમાં સાર્વત્રિક છે.

પ્રાચીન સમયમાં માનવી પોતાના રક્ષણ માટે, ખોરાક પ્રાપ્ત કરવા માટે દોડતા, કૂદતા, ભાલો ફેંકતા, પથ્થરો ફેંકતા, તરતા, વજન ઊંચકતા. આવી પ્રવૃત્તિઓ વ્યાયામ ગણાતી. અર્વાચીન સમયમાં વ્યાયામ અંગેની દૃષ્ટિ તદ્દન બદલાઈ ગઈ છે. એ શરીરની લાભકારક પ્રવૃત્તિ છે, જે જીવનમાં દૃઢતા લાવે છે અને સ્નાયુબળમાં વૃદ્ધિ કરે છે. ભારતની સંસ્કૃતિના ઘડવૈયા ઋષિઓએ જીવનમાં જે કાંઈ ઇષ્ટ જણાયું તેને ધર્મ સાથે જોડી દઈ તેને દૈનિક જીવન સાથે વણી લીધું હતું. આમ ભારતની સંસ્કૃતિમાં આસનો; સૂર્યનમસ્કાર; ધનુર્વિદ્યા; મલ્લવિદ્યા; વન-ગુફાઓ, સાગરો તથા પર્વતોનાં પરિભ્રમણો – આ બધું પ્રતિષ્ઠિત થયું હતું. મન અને વ્યાયામ એ કોઈ અલગ બાબત ન હતી. ભારતીયોની જીવનપદ્ધતિમાં વ્યાયામ, સ્વાસ્થ્ય, રંજન અને આહારશાસ્ત્ર વગેરે સાથે વ્યવસ્થિતપણે અને અસરકારક રીતે વણાઈ ગયાં હતાં.

આયુર્વેદે વ્યાયામથી પ્રાપ્ત થતા લાભાલાભની વિશદ ચર્ચા કરી, સ્વાસ્થ્ય અને આહારવિહારની તલસ્પર્શી વિચારણા કરી, ભારતીયોને વૈજ્ઞાનિક જીવનપદ્ધતિ દ્વારા ચિરાયુ, બલિષ્ઠ અને સ્વસ્થ રહેવાનો અનુભવયુક્ત માર્ગ પ્રબોધ્યો હતો. આ સિવાય તળપદી રમતો, નૃત્યો, વનભ્રમણ, રઝળપાટ, પર્વતારોહણ, તરણ આદિ ભારતીય પરંપરાગત વ્યાયામ-પ્રવૃત્તિઓ તેમજ લોકોત્સવો, ક્રીડા-મહોત્સવો, વિહારધામો અને રંગભૂમિઓની પ્રવૃત્તિઓ કોઈ પણ રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવાં છે. ભારતીય વ્યાયામવિદ્યામાં દંડ, બેઠક, આસન, સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, મલખમ, કુસ્તી, વજ્રમુષ્ઠિ, દ્વંદ્વસ્પર્ધાઓ; પથ્થરગોળા, નાળ, એક્કા, સંતોલા, મગદળ, ગદા, લાઠી, ભાલા, લઠ્ઠ, બનેટ, બાના, માડું, તલવાર, જમૈયા, ફરસુ, પટ્ટા, ફરીગદકા, લકડી, લેઝિમ વગેરેના દાવ-ખેલ ધનુર્વિદ્યા તથા તળપદી રમતોમાં કબડ્ડી, ખોખો, આટાપાટા, આંબલીપીપળી, ગેડીદડા, ગિલ્લીદંડા વગેરેનો સમાવેશ થાય છે. ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ મોટાભાગે અખાડાઓમાં ચાલતી હોય છે.

વીસમી સદીની શરૂઆતમાં વ્યાયામ માટે પશ્ચિમમાં ‘જિમ્નેસ્ટિક’ શબ્દ પ્રચલિત બન્યો. ‘જિમ્નેસ્ટિક’ એટલે શરીરને વધુ બળવાન અને વધુ કાર્યક્ષમ બનાવવા માટેની શરીરની કસરતો એવો થાય છે. વીસમી સદી અગાઉ પણ ‘જિમ્નેસ્ટિક’નો વિશાળ અર્થમાં વિચાર કરવામાં આવ્યો હતો; જેમાં વિવિધ પ્રકારની વિકાસાત્મક કસરતો, રમતો તથા નૃત્યપગલાંઓ વગેરે સર્વ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. ‘જિમ્નેસ્ટિક્સ’ શબ્દપ્રયોગ ગોળમટાં ગાદલાં પર થતા સ્ટંટ તથા વૉલ્ટિંગ બૉક્સ, હૉરિઝૉન્ટલ બાર, પૅરેલલ બાર, ટૅમ્પોલિન વગેરે જેવાં સાધનો પર કરાતી કસરતો માટે કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓએ સ્પર્ધાત્મક સ્વરૂપ પકડ્યું છે.

વિશાળ અર્થમાં વ્યાયામ શરીરનાં વિવિધ અંગો, તંત્રો તથા શારીરિક શક્તિઓને કેળવવામાં તથા વિકસાવવામાં સહાયક નીવડે તે હેતુથી યોજવામાં અને કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિઓ છે. વ્યાયામના વિવિધ પ્રકારો નીચે મુજબ છે :

(1) સ્પર્ધાત્મક વ્યાયામ : આંતરરાષ્ટ્રીય વ્યાયામ સંઘે નક્કી કરેલા નિયમો મુજબ વ્યાયામ(જિમ્નેસ્ટિક)ની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. પુરુષો માટે હૉરિઝૉન્ટલ બાર, પૅરેલલ બાર, રોમન રિંગ્ઝ, વોલ્ટિંગ બૉક્સ, પોમેલ્ડ હોર્સ, અને ફ્લોર એક્સર્સાઇઝ  એમ કુલ છ રમતોની સ્પર્ધાઓ થાય છે; જ્યારે સ્ત્રીઓ માટે અનઇવન પૅરેલલ બાર, બીમ, વોલ્ટિંગ બૉક્સ અને ફ્રી હૅન્ડ એક્સર્સાઇઝની સ્પર્ધાઓ થાય છે.

(2) કલાત્મક વ્યાયામ : કલાત્મક વ્યાયામ બહેનો માટેની પ્રવૃત્તિ છે. તેમાં રિબન દોરડાં, હૂલાહૂપ (રિંગ) તેમજ ગોળા વગેરેની કસરતોનો સમાવેશ થાય છે. આ વ્યાયામ પણ સ્પર્ધાત્મક છે.

(3) ઊછળકૂદવ્યાયામ : વ્યક્તિગત ઊછળકૂદ વ્યાયામમાં સરળ અને કઠિન પ્રકારના કૂદકાઓ અને ઉછાળનો સમાવેશ થાય છે; જ્યારે સામૂહિક ઊછળકૂદ વ્યાયામમાં પિરામિડો, માર્ચિંગ, સમૂહ- કૅલિસ્થેનિક્સ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

(4) સ્વાસ્થ્યવર્ધક વ્યાયામ : રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યની જાળવણી માટે કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિઓ. સામાન્ય રીતે લોકો સવારમાં વહેલા ઊઠીને ચાલવાની, દોડવાની; દંડ, બેઠક, આસન, પ્રાણાયામ તથા અન્ય અંગકસરતો કરે છે. તેમને સ્વાસ્થ્યવર્ધક વ્યાયામ કહેવામાં આવે છે.

(5) સુધારણાવ્યાયામ : વ્યક્તિની ખોડ; જેવી કે ખૂંધ, રાંટા પગ, આગળ પડતું પેઢું, અથડાતા ઢીંચણ, આગળ નમતું માથું, ચપટા પગ જેવી શારીરિક વિકૃતિઓની સુધારણા માટે કરવામાં આવતા વ્યાયામને સુધારણા-વ્યાયામ કહેવામાં આવે છે. ખોડ અથવા વિકૃતિ મુજબ નિષ્ણાત વ્યાયામની કસરતો કરાવે છે, જેમનાથી લાંબા ગાળે જે તે વ્યક્તિની જે તે પ્રકારની ખોડ, ખામી કે શારીરિક વિકૃતિ દૂર થઈ જાય છે.

(6) વ્યાવસાયિક વ્યાયામ : જે લોકો આખો દિવસ એક જ પ્રકારનું કાર્ય કરે છે, તેઓમાં શારીરિક વિકૃતિ આવવાનો સંભવ રહે છે; જેમ કે મોચી, દરજીને ખૂંધ થવાનો ભય રહે. ઑફિસમાં કામ કરતા કારકુનોમાં ખભાના સાંધા તથા ગર્દનના સાંધાની તકલીફો થાય છે. બેઠાડુ જીવન હોવાથી શરીરનાં અંગો નિષ્ક્રિય બનતાં જાય છે. તંત્રોની કાર્યક્ષમતા મંદ પડતી જાય છે. આવા બેઠાડુ જીવન સાથે કામ કરતા લોકોનાં નિષ્ક્રિય અંગો અને તંત્રોને સતેજ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી યોજવામાં આવતી કસરતોને વ્યાવસાયિક વ્યાયામ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં ઑફિસોમાં કામ કરતા ઑફિસરો, કારકુનો, કારખાનાંઓમાં કામ કરનારાઓ માટે ઑફિસ તથા કારખાનાંઓમાં જ કસરતો કરાવવા માટેનો સમય ફાળવવામાં આવે છે અને બધાંએ ફરજિયાત કસરતોના કાર્યક્રમમાં ભાગ લેવાનો હોય છે.

(7) સ્વૈચ્છિક વ્યાયામ : વ્યક્તિની ઉંમર, જાતિ અને વ્યવસાયને અનુલક્ષીને યોજવામાં આવતી કસરતોને સ્વૈચ્છિક વ્યાયામ તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે વ્યાયામ કરે છે.

(8) ઉપકારક વ્યાયામ : સ્પર્ધાત્મક રમતોમાં રમતવીર પોતાના રમવાનું ધોરણ સારી રીતે બતાવી શકે અથવા દોડ, કૂદ, ફેંક તથા તરણના આંકને તોડવા માટે વધારાની કસરતો અને તાલીમ લે છે તેને ઉપકારક વ્યાયામ કહેવામાં આવે છે. રમતવીરની શારીરિક યોગ્યતાના વિકાસ માટે કરવામાં આવતી કસરતોને ઉપકારક વ્યાયામ તરીકે ઓળખવામાં આવે છે.

(9) પાયાગત વ્યાયામ : કમજોર અને નબળી વ્યક્તિઓને આપવામાં આવતા વ્યાયામને પાયાનો વ્યાયામ કહેવામાં આવે છે. ફિઝિયૉથેરાપિસ્ટ આ પ્રકારની કસરતો જે તે અવયવને માટે નક્કી કરે છે અને પાયાની કસરતો કરાવીને જે તે અવયવના સાંધાઓ તથા સ્નાયુઓને મજબૂત બનાવે છે. શરૂઆતમાં હાથપગની કસરતો ત્યારબાદ કમરની કસરતો કરાવવામાં આવે છે. ગર્દન, કાંડાં, ખભા, કમર, થાપા, ઢીંચણ તથા ઘૂંટીના સાંધાઓને મજબૂત બનાવવા માટે હળવી કસરતોથી શરૂઆત કરીને ભારે કસરતો કરાવવાના વ્યાયામને પાયાગત વ્યાયામ કહેવામાં આવે છે.

(10) શૈક્ષણિક વ્યાયામ : શરીર ટટ્ટાર અને સૌષ્ઠવયુક્ત રહે તે માટે તેનાં વિવિધ અવયવો તેમજ આંતરિક તંત્રોની કાર્યક્ષમતાને શક્તિ જાળવવા-વિકસાવવા માટેની કસરતોને શૈક્ષણિક વ્યાયામ કહેવામાં આવે છે.

હર્ષદભાઈ ઈ. પટેલ