વ્યાપારચક્ર : મુક્ત અર્થતંત્ર (laissez faire) પર આધારિત અર્થવ્યવસ્થામાં અવારનવાર આવતાં આંદોલનો અથવા સ્પંદનો. તે જ્યારે આવે છે ત્યારે મૂડીરોકાણ, રોજગારી, ઉત્પાદન, ભાવસપાટી જેવા અર્થતંત્રનાં મુખ્ય અને નિર્ણાયક ઘટકો કે પરિબળોમાં અસાધારણ ઉતાર-ચઢાવ આવતાં હોય છે, જે સંચિત અથવા ઉત્તરોત્તર વૃદ્ધિગત થવાનું વલણ ધરાવતાં હોય છે અને તેને કારણે સમગ્ર અર્થતંત્રમાં અસમતુલાની સ્થિતિ પેદા થાય છે. વ્યાપારચક્રની સરખામણી દરિયાનાં મોજાં સાથે કરવામાં આવે છે.

મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે મૂડીવાદી અર્થતંત્રમાં વ્યાપારચક્રના ઉતાર-ચઢાવ વિશેષરૂપે આવતાં હોય છે, જોકે તેનાં કારણો વિશે અર્થશાસ્ત્રીઓમાં મતમતાંતર જોવા મળે છે.

વ્યાપારચક્રના બે મુખ્ય તબક્કા : તેજી અને મંદી તથા તે બંનેને ક્રમશ: જોડતા બે ગૌણ તબક્કા : સંકોચન અને પુન:પ્રવર્તન. તેજીમાં ભાવસપાટી મૂડીરોકાણ, રોજગારી, ઉત્પાદન વગેરેમાં અસાધારણ ઉછાળો આવે છે; જ્યારે મંદીમાં તેનું ઝડપથી સંકોચન થતું જાય છે.

વ્યાપારચક્રો રાષ્ટ્રીય અર્થતંત્રનાં બધાં જ ઘટકોને પોતાની લપેટમાં લેતા હોય છે અને તેટલે અંશે તે સાર્વત્રિક સ્વરૂપનાં હોય છે. તે અર્થતંત્રમાં ક્યારે આવશે, કેટલાક સમય સુધી રહેશે, તેની ગહનતા અને વ્યાપ કેટલાં રહેશે આ બધાંની આગાહી કરવી અસંભવ હોય છે. દરેક વ્યાપારચક્રમાં લક્ષણો સમાન હોય તોપણ અર્થતંત્રના કયા ઘટક પર તેની કેટલી અસર થશે તે અનિર્ણીત હોય છે. તેના તબક્કાઓનું સંચલન ઘડિયાળના કાંટાની દિશાને (clockwise) અનુરૂપ હોય છે અને તેથી તેજી પછી સંકોચન, સંકોચન પછી મંદી, મંદી પછી અર્થતંત્રનું પુન:પ્રવર્તન અને પુન:પ્રવર્તન પછી તેજી – આ ક્રમમાં તેની ઘટમાળ ચાલ્યાં કરે છે.

વ્યાપારચક્રની શરૂઆત ભલે કોઈ એક દેશના અર્થતંત્રમાં થઈ હોય, છતાં તેની દેશના સીમાડાઓ પાર કરી આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરવાની શક્યતા પૂરેપૂરી હોય છે. 1929ની મહામંદીની શરૂઆત અમેરિકાથી થઈ હતી, છતાં વિશ્વના સોવિયત સંઘ સિવાયના બધા જ દેશો તેની લપેટમાં આવી ગયેલા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં વ્યાપારચક્રોને નિયંત્રિત કરવા માટે નાણાનીતિ અને રાજકોષીય નીતિનો અસરકારક ઉપયોગ કરવાના પ્રયાસો અંશત: સફળ થયા છે. આ ઉપરથી એમ કહી શકાય કે જ્યાં સુધી મુક્ત અર્થતંત્રનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી વ્યાપારચક્રોને અમુક અંશે નિયંત્રિત કરી શકાય, પરંતુ તેમને સદંતર નાબૂદ કરી શકાય નહિ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે