વ્યાજ : મૂડીની ઉત્પાદકતાનો લાભ લેવાના બદલામાં મૂડીના માલિકને ચૂકવાતો બદલો / વળતર. ઉત્પાદનનાં સાધનો અને તેને મળતા વળતર-નિર્ધારણની બાબત અર્થશાસ્ત્રમાં બહુવિધ અગત્ય ધરાવે છે. મૂલ્યના સિદ્ધાંતોમાં વસ્તુ / સેવા-કિંમત-નિર્ધારણ બહુધા સાધન-કિંમત-નિર્ધારણ પર અવલંબે છે. જોકે બંને મૂળભૂત રીતે અલગ એ દૃષ્ટિએ છે કે વસ્તુ / સેવા માગ અને પુરવઠા અને તેને અસર કરતાં પરિબળો એક બાબત છે અને સાધન માગ અને પુરવઠા અને તેને અસર કરતાં પરિબળો બીજી અને તદ્દન ભિન્ન બાબત છે અને તેથી જ સાધન-કિંમત-નિર્ધારણ એ એક વિશિષ્ટ બાબત ગણાય છે. સર્વ સાધન માટે માર્ગદર્શક ગણાય તેવો સર્વમાન્ય સિદ્ધાંત વહેંચણીનો સામાન્ય સિદ્ધાંત તો છે જ, ઉપરાંત, અલગ અલગ સાધનોનું વળતર નક્કી કરતા જુદા જુદા સિદ્ધાંતો પણ પ્રવર્તે છે.
ભૂમિ અને શ્રમ મૂળભૂત સાધનો ગણાય છે, જ્યારે મૂડી અને નિયોજન વ્યુત્પન્ન સાધનો ગણાય છે. આજના મૂડીવાદી અર્થતંત્રમાં સૌથી વધુ અગત્ય ધરાવતું કોઈ સાધન હોય તો તે મૂડી છે. વ્યાજ અને વ્યાજ અંગેના સિદ્ધાંતો કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ ગણાય છે. સામાન્ય અર્થમાં વ્યાજ એટલે મૂડીના ઉપયોગ બદલ મૂડીના માલિકને ચૂકવવામાં આવતું વળતર. મૂડી નાણાકીય સ્વરૂપે દર્શાવાતી હોવાથી વ્યાજની ગણતરી નાણાકીય મૂડી પર પ્રતિવર્ષ ટકાવારીની રીતે કરવામાં આવે છે. મૂડીનું ઉદ્ભવસ્થાન બચત છે અને તેનું પરિણામ મૂડી-સાધનોની રચના છે. મૂડીનો ઉપયોગ ઉત્પાદન-પ્રક્રિયાને વધુ પરોક્ષ (round about) અને ફળદાયી બનાવે છે.
કાચું વ્યાજ અને ચોખ્ખું વ્યાજ : શુદ્ધ અથવા ચોખ્ખું વ્યાજ માત્ર મૂડીના ઉપયોગ બદલ તેના માલિકને ચૂકવવામાં આવે છે; જ્યારે કાચા વ્યાજમાં શુદ્ધ વ્યાજ ઉપરાંત અન્ય તત્વો ભળેલાં હોય છે. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર અથવા નાણાં ઉછીનાં લેનારે નાણાં ઉછીનાં આપનારને ચૂકવેલો વ્યાજનો દર હંમેશાં શુદ્ધ વ્યાજ માત્ર હોતું નથી. કાચા વ્યાજમાં શુદ્ધ વ્યાજ ઉપરાંત અન્ય ત્રણ તત્વોનો સમાવેશ થાય છે : (1) મૂડી ડૂબે તે અંગેના સંભાવ્ય જોખમનો બદલો; (2) લોન આપનારને સહન કરવી પડતી અગવડોનો બદલો અને (3) લોનની વ્યવસ્થા, હિસાબકિતાબ રાખવાના ખર્ચનો બદલો. કાચા વ્યાજમાંથી આ પ્રકારની ચુકવણીઓને બાદ કરતાં જે અધિશેષ રહે છે તે શુદ્ધ વ્યાજ.
વ્યાજનો દર : ‘વ્યાજ’ની વ્યાખ્યા અને અર્થઘટનમાં ભારે વૈવિધ્ય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ તેને મૂડીની ઊપજ તરીકે ઘટાવ્યું. મૂડી પરના વળતરદર તરીકે તેમણે તેને ઓળખાવ્યું. મૂડીની સીમાંત ઉત્પાદકતા એટલે વ્યાજનો દર એવી તેની વ્યાખ્યા કરવામાં આવી. કેટલાક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજના કુદરતી અથવા વાસ્તવિક દર અને વ્યાજના બજારદર વચ્ચે ભેદ પાડ્યો. વ્યાજનો બજારદર તે દર છે કે જે દરે બજારમાંથી ભંડોળ ઉછીનાં લઈ શકાય, જ્યારે વ્યાજનો કુદરતી દર એ મૂડીરોકાણ પરનો વળતરદર (મૂડીની સીમાંત ઉત્પાદકતા) છે. જ્યારે વ્યાજના બજારદર કરતાં કુદરતી દર ઊંચો હોય છે ત્યારે મૂડીરોકાણ વધે છે; પરિણામે કુદરતી દર ઘટવા પામે છે. તેમની વચ્ચે સમતુલા ત્યારે સ્થપાય છે જ્યારે વ્યાજનો કુદરતી દર બજારના વ્યાજના દર બરાબર થાય.
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ભૌતિક મૂડીની સીમાંત ઉત્પાદકતાને વ્યાજ તરીકે ઘટાવી, પરંતુ ભૌતિક મૂડી નાણાકીય ભંડોળ દ્વારા ખરીદાતી હોવાથી ભૌતિક મૂડીમાં રોકાતાં નાણાં પર મળતો વળતર-દર એ વ્યાજનો દર ગણાય. ભૌતિક મૂડીમાં રોકાતાં નાણાં કોઈકે તો બચાવવાં પડે અને તે દૃષ્ટિએ વ્યાજ એ ત્યાગ, પ્રતીક્ષા કે સમય- પસંદગીનો બદલો અથવા તે માટે ચૂકવાતી કિંમત બને છે. વ્યાજના સ્વરૂપ અંગે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સિનિયર, માર્શલ જેવા અર્થશાસ્ત્રીઓમાં સંપૂર્ણ સહમતી નથી. કેટલાકે તેની પુરવઠાના પાસાને આધારે ત્રેવડ એટલે કે બચતને ધ્યાનમાં લઈ સમજૂતી આપી અને ત્યાગ, પ્રતીક્ષા, સમયપસંદગી વ્યાજના દરનિર્ધારણમાં શો ભાગ ભજવે છે તે પર ભાર મૂક્યો. બીજી તરફ નાઇટ અને જે. બી. ક્લાર્કે મૂડીની માગના દૃષ્ટિકોણથી વ્યાજને સમજાવ્યું. મૂડીની સીમાંત ઉત્પાદકતાને વ્યાજના નિર્ણાયક પરિબળ તરીકે લેખી. ઇરવિંગ ફિશર, બોહમ બવર્ક અને અન્યોએ પુરવઠાના પક્ષે સમયપસંદગી અને માગના પક્ષે મૂડીની સીમાંત ઉત્પાદકતા – એમ બંને પરિબળોને ધ્યાનમાં લીધાં. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજનિર્ધારણમાં ભાગ ભજવતાં ત્રેવડ, ત્યાગ, પ્રતીક્ષા, સમયપસંદગી, મૂડીની ઉત્પાદકતા જેવાં વાસ્તવિક પરિબળો ધ્યાનમાં લીધાં, તેથી તેમના સિદ્ધાંતને વ્યાજનો વાસ્તવિક સિદ્ધાંત (Real Theory) કહે છે.
નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વિકસેલ, ઓહલિન, હેબરલર, રૉબર્ટસન, વાઇનર વગેરેએ ધિરાણભંડોળનો સિદ્ધાંત (વ્યાજનો નવપ્રશિષ્ટ સિદ્ધાંત) વિકસાવ્યો. તેઓએ વ્યાજના દર નિર્ધારણમાં નાણાકીય અને બિનનાણાકીય પરિબળોની આંતરક્રિયા નિહાળી. તેઓની દૃષ્ટિએ નાણાકીય અને વાસ્તવિક પરિબળો સંયુક્તપણે વ્યાજદર નિર્ધારણ કરે છે. અલબત્ત, નવપ્રશિષ્ટ સિદ્ધાંતથી જ વ્યાજના નાણાકીય સિદ્ધાંતનાં મંડાણ મંડાયાં; પરંતુ કેઇન્સનું ‘જનરલ થિયરી’ પ્રસિદ્ધ થયું તે સાથે નાણાકીય સિદ્ધાંતને સ્વીકૃતિ મળી. કેઇન્સના મત મુજબ વ્યાજ એ વિશુદ્ધ નાણાકીય ઘટના છે. (રોકડતા પસંદગી) નાણાંની માગ અને નાણાંના પુરવઠા દ્વારા તે નક્કી થાય છે. તેમના મત મુજબ વ્યાજ એ ત્યાગ કે સમય-પસંદગીનો નહિ, પરંતુ તરલતા કે રોકડતા જતી કરવાનો કે ગુમાવવાનો બદલો છે. તેથી તેમના સિદ્ધાંતને રોકડ પસંદગીનો સિદ્ધાંત કહે છે.
જે. આર. હિક્સ, એ. પી. લર્નર, એ. એસ. હેન્સન જેવા આધુનિક અર્થશાસ્ત્રીઓએ એક તરફ પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ વિચારસરણી અને બીજી તરફ કેઇન્સની વિચારસરણીનો સમન્વય કર્યો છે. એકંદરે વ્યાજના બધા સિદ્ધાંતો માગ અને પુરવઠાનાં પરિબળોની સમતુલા દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે તેમ દર્શાવે છે.
હર્ષદ ઠાકર