વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે માંસલ, રાખોડી લીલાં, નીચેનાં પર્ણો અંડાકાર અને 7.5 સેમી.થી 12.5 સેમી. લાંબાં, ઉપરનાં પર્ણો ગોળાકાર અને લગભગ 5.0 સેમી. લાંબાં, શલ્કોથી છવાયેલાં અને કર્ણચ્છેદી (perfoliate) હોય છે.
પુષ્પો સઘન શૂકી(spike)માં ગોઠવાયેલાં હોય છે. તેઓ રતાશ પડતાં નિપત્રો ધરાવે છે. વજ્ર ગ્રંથિરહિત [આ કુળની પ્લેમ્બેગો (ચિત્રકમૂળ) પ્રજાતિમાં વજ્ર ગ્રંથિઓ વડે આચ્છાદિત હોય છે.]; દીર્ઘસ્થાયી (persistent), પાંચ ખાંચાવાળું અને ખાંચા વચ્ચે સપક્ષ (winged) હોય છે. દલપુંજ S-યુક્ત દલપત્રોનો બનેલો અને નલિકાકાર હોય છે. પુંકેસરો મહદ્અંશે દલપુંજ વડે ઢંકાયેલાં હોય છે. પરાગવાહિની તલભાગેથી રોમમય હોય છે.
ગુજરાતમાં Vogalia perfoliata (પાવી) નામની જાતિ થાય છે. તેનાં મૂળ ચિત્રકમૂળ તરીકે વાપરવામાં આવે છે.
મીનુ પરબીઆ
દિનાઝ પરબીઆ