વૉલ્ટા : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ઘાના દેશની મુખ્ય નદી. નાઇલ નદીની જેમ આ નદી પણ બે પ્રવાહોમાં વહે છે : શ્યામ વૉલ્ટા (Volta-Noire) અને શ્વેત વૉલ્ટા (Volta-Blanche). આ બંને નદીપ્રવાહો બુર્કના ફાસોના વાયવ્ય ભાગમાંથી નીકળે છે અને દક્ષિણ તરફ જુદા જુદા માર્ગે વહીને તમાલેના દક્ષિણ ભાગમાં વૉલ્ટા સરોવરના ઉત્તર કાંઠે તેમનાં જળ ઠાલવે છે. ત્યારબાદ 5° 46´ ઉ. અ. અને 0° 41´ સ્થળેથી, અર્થાત્ વૉલ્ટા સરોવરના દક્ષિણ કાંઠેથી નિર્ગમમાર્ગ બનાવી ઍટલાન્ટિક મહાસાગરના ગુયાના અખાતને મળે છે.
શ્યામ વૉલ્ટા : 733 મીટરની ઊંચાઈએ આવેલા હાઉટ્સ-(Hauts)ના થાળામાંથી તે ઉદ્ગમ પામે છે અને ઈશાન તરફ ડેડોઉગોઉ (Dedougou) પાસેથી વહે છે. ત્યાંથી આગળ જતાં ઉત્તર તરફથી આવતી સોઉરોઉ (Sourou) નદી તેને મળે છે. ત્યારબાદ તે અગ્નિકોણમાં આગળ વધે છે. આ નદી 33,106 ચોકિમી. જેટલો સ્રાવવિસ્તાર આવરી લે છે. ડેડોઉગોઉ નામનું મહત્વનું શહેર આ નદીને કાંઠે આવેલું છે. અહીંથી તે દક્ષિણ તરફનો વળાંક લે છે અને આઇવરી કોસ્ટ તથા ઘાના વચ્ચેની સીમા બનાવે છે. તેના મેદાની વિસ્તારમાં જુવાર, બાજરીની ખેતી તેમજ પશુપાલન-પ્રવૃત્તિ વિકસી છે. અહીં ટોઉગાન અને નોઉના નામનાં બે મહત્વનાં પશુબજારો આવેલાં છે. બુર્કિના ફાસોના વૉલ્ટા નૉઇર પ્રાંતમાં પશ્ચિમ વૉલ્ટા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિંચાઈ-યોજનાને લીધે ત્યાં કપાસ, મગફળી અને ડાંગરની ખેતી લેવાતી થઈ છે.
શ્વેત વૉલ્ટા : બુર્કિના ફાસોના ઓઉઆગાડોઉગોઉ પ્રાંતના ઉત્તર ભાગમાંથી શ્વેત વૉલ્ટા નીકળે છે. ત્યાંથી તે દક્ષિણ તરફ વહીને વૉલ્ટા સરોવરમાં ઠલવાય છે. તેનો વહનપથ આશરે 640 કિમી. જેટલો છે. (વૉલ્ટા સરોવર માનવસર્જિત છે.) ઓઉઆગાડોઉગોઉથી વાયવ્યમાં તેને લાલ વૉલ્ટા નદી મળે છે. લાલ વૉલ્ટાની લંબાઈ 320 કિમી. જેટલી છે. આ નદીને કાંઠે કાગાઓ શહેર આવેલું છે.
વૉલ્ટા નદીની મુખ્ય શાખા નદીઓ ઓટી અને અફ્રામ છે. નદીના વહનમાર્ગની કુલ લંબાઈ આશરે 1,600 કિમી. જેટલી છે. 3,98,000 ચોકિમી. ભૂમિવિસ્તારને આ નદીના જળનો લાભ મળે છે. આ નદી દર વર્ષે 1,210 ઘનમીટર/સેકંડ જેટલું જળ સમુદ્રમાં ઠાલવે છે.
શ્યામ વૉલ્ટા અને શ્વેત વૉલ્ટા નદીના ઉપરવાસની નદીઓ પ્રાદેશિક ઢોળાવ મુજબ વહેતી હોવાથી પંદરમી સદીમાં અહીં આવેલા પોર્ટુગીઝોએ તેને ‘વૉલ્ટા’ નામ આપેલું છે. આ નદી પર ઘાનાના આકોસોમ્બો ખાતે આકોસોમ્બો બંધનું 1965માં નિર્માણ કરવામાં આવ્યું છે. તેને પરિણામે કૃત્રિમ જળાશય તૈયાર થયું છે. તેની બહુહેતુક યોજના પૈકી તેમાંથી 9,12,000 કિલોવૉટ વીજળીનું ઉત્પાદન લેવાય છે. આકોસોમ્બોથી ટીમા સુધી 800 કિમી. લાંબી વીજપ્રવાહ લાઇન તૈયાર કરવામાં આવી છે, તેને પરિણામે ટીમા ખાતે ઍલ્યુમિનિયમ બનાવવાનો એકમ ઊભો કરી શકાયો છે. ટીમાથી વીજપ્રવાહ આક્રા, કેપ કોસ્ટ, સેકોન્ડી-ટાકોરાડી, ડુનકવા, કુમાસી, કોફોરિડુઆ ખાતે મોકલાય છે. પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ અને ખેતીના વિકાસ માટે જળવિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે છે.
બંધનું નિર્માણ કરવામાં વિશ્વબૅંક, યુ.એસ. અને યુ.કે.ની આર્થિક સહાય લેવામાં આવેલી. ત્યાંની ભૂમિસપાટીથી બંધની ઊંચાઈ 116 મીટર અને તેના શિખાગ્ર ભાગની પહોળાઈ આશરે 670 મીટર જેટલી છે. બંધની પાછળના જળાશયની જળસંગ્રહક્ષમતા 148 અબજ ઘનમીટર જેટલી છે. આટલા વિપુલ જળજથ્થાને કારણે વેપારી ધોરણે મત્સ્યપ્રવૃત્તિ પણ વિકસી છે.
નીતિન કોઠારી