વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો

January, 2006

વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો (જ. 18 ફેબ્રુઆરી 1745, કોમો, લોમ્બાર્ડી; અ. 5 માર્ચ 1827, કોમો) : વિદ્યુતબૅટરીના ઇટાલિયન શોધક. ઇટાલિયન આલ્પ્સની તળેટીમાં કોમો નામે વિશાળ અને સુંદર સરોવર આવેલું છે. તેની પાસે તવંગરોની ઠીક ઠીક વસ્તી ધરાવતું કોમો નગર છે અને તે આકર્ષક પ્રવાસન-સ્થળ છે. ત્યાં વસતો વોલ્ટાનો પરિવાર ધનિક ન હતો. વોલ્ટાને દેવળના કેટલાક વગદાર લોકોને કારણે શિક્ષણ મળ્યું. માત્ર

એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો વોલ્ટા

સત્તર વર્ષની વયે તેમને સ્નાતકની પદવી મળી. ત્યારબાદ કોમોની શાળામાં શિક્ષક થયા. 1779 સુધી તેમણે ત્યાં જ રહીને શિક્ષણકાર્ય કર્યું. 34 વર્ષની વયે તેમને યુનિવર્સિટીમાં નિમણૂક મળી અને ત્યાં તેમણે ભૌતિકશાસ્ત્ર વિભાગની સ્થાપના કરી. સંશોધન માટેનો આ સમય હતો. કોમોની શાળામાં કામ કરતાં કરતાં તેમણે ઇલેક્ટ્રોફોરસની શોધ કરી. તેનું વર્ણન કરી તેમણે ઇંગ્લૅન્ડના જૉસેફ પ્રિસ્ટલીને મોકલ્યું. હાલને તબક્કે આ સાધનનું ખાસ કોઈ મહત્વ નથી, પણ વિજ્ઞાનના વર્ગમાં સ્થિત-વિદ્યુતની સમજૂતી અને નિર્દેશન માટે આજેય તેનો ઉપયોગ થાય છે. સંગ્રાહક(condenser)ને લગતા કેટલાક નિયમો ઇલેક્ટ્રોફોરસની મદદથી તારવવામાં આવેલા.

1775માં વોલ્ટાને વિદ્યુતમાં ભારે રસ પડ્યો. તેમને કારણે તે વિદ્યુત પેદા કરે તેવી પ્રયુક્તિ ઇલેક્ટ્રોફોરસની શોધ કરવા પ્રેરાયા. તેમણે 1778માં મિથેન વાયુ શોધી કાઢ્યો અને તેને અલગ પણ પાડ્યો. એક વર્ષ પાવિયા યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનની સ્વાધ્યાયપીઠ (chair) માટે તેમની નિમણૂક થઈ. 1780માં તેમના જીવશાસ્ત્રી મિત્ર ગૅલ્વાનીએ બે ધાતુઓનું દેડકાના સ્નાયુ વડે જોડાણ કરીને વિદ્યુતપ્રવાહ મેળવ્યો. આ તે સમયે અનોખી શોધ હતી. વોલ્ટાએ 1794માં આવો પ્રયોગ શરૂ કર્યો. તેમણે બે ધાતુઓને પ્રાણીના ઉતક (tissue) વિના જોડી વિદ્યુતપ્રવાહ મેળવ્યો. આ ઘટનાથી પ્રાણીજ વિદ્યુત અને ધાતુ વડે પેદા થતી વિદ્યુત વચ્ચે ભારે વિવાદ સર્જાયો. 1800માં વોલ્ટાએ પ્રથમ વિદ્યુતબૅટરી બનાવી પ્રદર્શિત કરી અને ધારી સિદ્ધિ મેળવી.

વોલ્ટાની પાઇલ

તેમણે ચાંદીની પ્લેટ, મીઠાના પાણીમાં ભીંજવેલ કાર્ડબૉર્ડ, જસતની પ્લેટ, ફરીથી ચાંદીની પ્લેટ, કાર્ડબૉર્ડ અને જસતની પ્લેટ એમ એકબીજા ઉપર ગોઠવણી કરીને થપ્પી બનાવી. જ્યારે ઉપર અને નીચેની પ્લેટને જોડી દેવામાં આવી ત્યારે વિદ્યુતપ્રવાહ મળ્યો. આ રચનાને વોલ્ટેક પાઇલ્સ કહે છે. હાલની શુષ્ક કોષની આ પૂર્વજ પ્રયુક્તિ ગણાય. તેમણે આ રીતે વિદ્યુતપ્રવાહ માટેનું ઉત્પાદક સાધન બનાવ્યું, જે વિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ હતું. આને આધારે વિદ્યુત અને રાસાયણિક ક્ષેત્રે સંશોધનનો માર્ગ મોકળો થયો. થોડાક જ સમય બાદ વોલ્ટેક પાઇલ્સનો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓએ પાણીનું વિઘટન કરી હાઇડ્રોજન તથા ઑક્સિજન છૂટા પાડ્યા. ડેવીએ તેને આધારે સોડિયમ અને પોટૅશિયમ શોધ્યાં. ત્યારબાદ વિદ્યુત અને ચુંબકત્વનો અભ્યાસ સત્વરે શરૂ થયો.

કોમોમાં વોલ્ટાની સિદ્ધિઓને મૂર્તિમંત કરતું અસરકારક સ્મારક રચવામાં આવ્યું છે. તેથી વિશેષ તો ઇલેક્ટ્રિશિયનની કૉંગ્રેસે 1893માં વિદ્યુતપ્રવાહ માટે જવાબદાર વિદ્યુતચાલકબળ(EMF)ના એકમને વોલ્ટથી નવાજીને વોલ્ટાનું વૈશ્વિક અને કાયમી સ્મારક રચ્યું છે. 1801માં તેણે પૅરિસમાં નેપોલિયન સમક્ષ વિદ્યુતબૅટરીનું કાર્ય નિર્દેશિત કરી બતાવ્યું. આ સફળતાને આધારે તેને લોમ્બાર્ડી પરગણાનો ઉમરાવ (‘count’) અને સેનેપ્ટ બનાવવામાં આવ્યો. 1815માં ઑસ્ટ્રિયાના સમ્રાટે વોલ્ટાને પદુઆ યુનિવર્સિટીની ફિલૉસૉફીની વિદ્યાશાખાનો નિયામક બનાવેલો.

આશા પ્ર. પટેલ