વૉલ્ગોગ્રાદ (સ્ટાલિનગ્રાદ) : રશિયામાં આવેલું મહત્વનું ઉત્પાદનલક્ષી શહેર. ભૌગોલિક સ્થાન : 48° 45´ ઉ. અ. અને 44° 30´ પૂ. રે.. તે વૉલ્ગા નદીના મુખથી આશરે 400 કિમી. અંતરે વૉલ્ગા નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. 13મી સદીમાં આ શહેરની સ્થાપના થઈ ત્યારે તેનું મૂળ નામ ત્સેરિત્સિન હતું. જૉસેફ સ્ટાલિનના માનમાં 1925માં તેને ‘સ્ટાલિનગ્રાદ’ નામ અપાયેલું. 1961માં સ્ટાલિનનું નામ તત્કાલીન સોવિયેત સંઘમાં અનાદરને પાત્ર બની ગયેલું, તેથી તેને ‘વૉલ્ગોગ્રાદ’ નામ આપવામાં આવ્યું.
બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન, જર્મની માટે આ સ્થળ સોવિયેત સંઘમાં સરળતાથી પ્રવેશ કરવા માટેનું પ્રવેશદ્વાર બની ગયેલું. સોવિયેત સંઘનાં લશ્કરી દળોએ આ શહેરને રક્ષણ તો આપેલું; પરંતુ લાંબી લડાઈ બાદ જર્મનીના મોટા લશ્કરી દળને હંફાવ્યું, બધાંને પકડી લીધા. વિશ્વયુદ્ધ પછી આ શહેરની ઉત્તરે વૉલ્ગા નદી પર જળવિદ્યુતમથક અને બંધ બાંધવામાં આવ્યા છે.
2000 મુજબ આ શહેરની વસ્તી આશરે 12,00,000 જેટલી જ્યારે પ્રાંતની વસ્તી 27,02,000 (1997) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા