વૉલ્ગા (નદી) : યુરોપની લાંબામાં લાંબી નદી. તે સંપૂર્ણપણે રશિયામાં જ વહે છે. તે લેનિનગ્રાડથી અગ્નિકોણમાં આશરે 300 કિમી. અંતરે આવેલી વાલ્દાઈ ટેકરીઓમાંથી નીકળે છે. તે શરૂઆતમાં પૂર્વ તરફ અને પછીથી દક્ષિણ તરફ વહીને કાસ્પિયન સમુદ્રને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે સ્થળ સમુદ્રસપાટીથી 228 મીટરની ઊંચાઈ પર અને જ્યાં તે ઠલવાય છે તે સ્થળ સમુદ્રસપાટીથી 28 મીટર નીચે આવેલું છે. તેની કુલ લંબાઈ 3,685 કિમી. જેટલી છે. તેનો ત્રિકોણ-પ્રદેશ આશરે 160 કિમી. લાંબો છે, જે 500 જેટલી નાની-મોટી નદીઓ અને ખાડીઓમાં ફાંટાઓ રૂપે વહેંચાઈ જાય છે. મૂળથી મુખ સુધીના તેના લાંબા પ્રવાહપથમાં તેને ઘણી નાની-મોટી સહાયક નદીઓ મળે છે, તે પૈકી કામા, ઓકા, વેટલુગા અને સુરા નદીઓ મુખ્ય છે. વૉલ્ગા અને સહાયક નદીઓનું એક વિશાળ નદીથાળું રચાય છે, જે આશરે 14,58,900 ચો.કિમી.નો સ્રાવવિસ્તાર આવરી લે છે. સ્રાવવિસ્તારનો મોટો ભાગ રશિયાના ગીચ વસ્તીવાળા પ્રદેશોમાંથી પસાર થાય છે.
આ નદી દર વર્ષે ત્રણ માસ માટે તેની સળંગ લંબાઈમાં ઠરી જાય છે. તે બાલ્ટિક સમુદ્ર, શ્વેત સમુદ્ર અને કાળા સમુદ્ર સાથે નહેરો મારફતે સંકળાયેલી છે. વૉલ્ગાએ વિશાળ અને ફળદ્રૂપ ખીણપ્રદેશ બનાવ્યો છે, જ્યાં મોટા પાયા પર ઘઉં ઉગાડવામાં આવે છે. વળી તેની આજુબાજુનો પ્રદેશ ખનિજોથી પણ સમૃદ્ધ છે. અહીં ખનિજતેલ, કુદરતી વાયુ, મીઠું અને પોટાશના વિશાળ જથ્થા રહેલા છે. વૉલ્ગાનો ત્રિકોણ પ્રદેશ અને કાસ્પિયન સમુદ્ર મત્સ્યકેન્દ્રો માટે જાણીતા બનેલા છે. ત્રિકોણપ્રદેશને મથાળે આવેલું અસ્ત્રાખાન સ્ટર્જન માછલીના ઈંડાંનાં અથાણાંનું ઔદ્યોગિક મથક છે.
વૉલ્ગોગ્રાદ (અગાઉનું ‘સ્ટાલિનગ્રાદ’) અને ગૉર્કી આ નદીના કાંઠે આવેલાં મહત્વનાં ઉત્પાદક શહેરો છે. અન્ય શહેરોમાં સારાટૉવ, કાઝાન, કુબીશેવ વગેરેનો સમાવેશ થાય છે. આ નદી પર મુખ્ય નવ જળવિદ્યુત-મથકો આવેલાં છે. જ્યાં જ્યાં બંધ બાંધેલા છે ત્યાં કૃત્રિમ જળાશયો રચાયાં છે. આ પૈકી મોટાં ગણાતાં જળાશયોમાં રિબિન્સ્ક, ગૉર્કી, કુબીશેવ અને વૉલ્ગોગ્રાદ મુખ્ય છે.
ઍલેક્ઝાન્ડ્રિયાના પ્રાચીન વિદ્વાન સફરી ટૉલેમીએ તેની ભૌગોલિક નોંધમાં વૉલ્ગા નદીનો ઉલ્લેખ કરેલો છે. ત્યારે અને તે પછી પણ એશિયા-યુરોપ જતા-આવતા લોકો માટે આ વૉલ્ગાનો પટ જળમાર્ગ-વ્યવહાર તરીકે મહત્વનો બની રહેલો. વૉલ્ગા અને કામાના સંગમ આજુબાજુ સમર્થ બલ્ગેરિયન સામ્રાજ્ય વિકસેલું. બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેત યુનિયન સામે જર્મનીના વિજયનું સ્ટાલિનગ્રાદ સાક્ષી રહેલું. સંવેદનશીલ કવિઓએ અને લેખકોએ તેમનાં ગીતો અને સાહિત્યમાં વૉલ્ગાને વણી લીધેલી છે.
ગિરીશભાઈ પંડ્યા