વૉર ઍન્ડ પીસ : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1966-67, રંગીન; ભાષા : રશિયન; નિર્માતા-દિગ્દર્શક : સર્ગેઈ બોન્દાર્ચુક; પટકથાલેખક : સર્ગેઈ બોન્દાર્ચુક, વાસિલી સોલોવ્યૉવ; કથા : લિયૉ તૉલ્સ્તૉયની નવલકથા પર આધારિત; છબિકલા : ઍનાતોલી પેત્રિત્સ્કી; સંગીત : વ્યાચેસ્લાવ ઑવચિનિકૉવ; કળાનિર્દેશક : મિખાઈલ બોગ્દાનૉવ, ગેન્નાદી મ્યાસ્નિકૉવ; મુખ્ય કલાકારો : લુદમિલા સાવેલ્યેવા, સર્ગેઈ બોન્દાર્ચુક, વ્યાચેસ્લાવ તિખોનૉવ, વિક્તોર સ્તાનિત્સીન, ઓલેગ તાબાકૉવ.
રશિયન કથાસ્વામી લિયો તૉલ્સ્તૉયની વિશાળ ફલક પર પથરાયેલી મહાનવલ ‘યુદ્ધ અને શાંતિ’ વિશ્વસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓમાં સ્થાન પામેલી છે. ફ્રાન્સના સમ્રાટ નેપોલિયને રશિયા પર આક્રમણ કર્યું અને જે યુદ્ધ ખેલાયું (1799-1815) તે પહેલાં, તે દરમિયાન અને તે પછીના સમયગાળામાં ચાર રશિયન ભદ્ર પરિવારોના અનુભવોનું આલેખન આ મહાનવલમાં કરાયું છે. ચિત્રમાં સમય પસાર થવાની સાથે તેની નાયિકા નતાશા રોસ્તૉવાનું એક નાનકડી ઉત્સાહી બાળામાંથી એક ગંભીર પરિપક્વ સ્ત્રીમાં પરિવર્તન થાય છે. તેની સાથોસાથ એક બાજુ દેશ યુદ્ધમાં ધમરોળાઈ રહ્યો છે અને બીજી બાજુ નતાશાનો ધનાઢ્ય પરિવાર તેના એશોઆરામમાં રત રહે છે. રશિયા જ્યારે ભારે કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારના તેના ઇતિહાસ અને સમાજ-જીવનથી આ નવલકથા પરિચિત કરાવે છે. પહેલા વિશ્વયુદ્ધને પણ ત્યારે હજી લગભગ એક આખી સદીની વાર હતી, પણ યુદ્ધ તેના કોઈ પણ સ્વરૂપમાં નિરર્થક છે અને શાંતિપૂર્ણ રીતે જિંદગી જીવવા જેવી શ્રેષ્ઠ કોઈ ચીજ નથી તેના પર ભાર મૂકતી આ મહાનવલ પરથી બનાવાયેલા આ રશિયન ચિત્રને પહેલાં અંગ્રેજી ઉપશીર્ષકો સાથે અને પછી અંગ્રેજીમાં ડબ કરીને પ્રદર્શિત કરાયું હતું. આ ચિત્ર તેનાં નિર્માણમૂલ્યોને કારણે વખણાયું હતું. ચાર ભાગમાં બનાવાયેલું આ ચિત્ર કુલ 8 કલાક અને 27 મિનિટ જેવી અસામાન્ય લંબાઈ ધરાવતું હતું. અંગ્રેજીમાં તેની લંબાઈ 6 કલાક 13 મિનિટ રખાઈ હતી. આ ચિત્રને શ્રેષ્ઠ વિદેશી ચિત્રનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો અને કળાનિર્દેશન અને સેટ-ડેકોરેશન માટે તેને નામાંકન મળ્યાં હતાં.
1956માં હોલિવુડે પણ આ નવલકથા પરથી ચિત્ર બનાવ્યું હતું. 3 કલાક 28 મિનિટ લંબાઈ ધરાવતા આ રંગીન ચિત્રનું નિર્માણ ડિનો ડી લૉરેન્ટિસે અને દિગ્દર્શન કિંગ વિડોરે કર્યું હતું. બ્રિજેટ બોલાન્ડ, વેસ્ટરબી, કિંગ વિડોર, મારિયો કામેરિની, એનિયો ડી કોન્સિની, આઈવો પેરિલી અને ઇરવિન શૉએ તેની પટકથા લખી હતી. આ ચિત્રમાં ઓડ્રી હેપબર્ન, હેન્રી ફોન્ડા, મેલ ફેરર, વિટ્ટોરિયો ગાસમેન, જોન મિલ્સ, અનિતા એકબર્ગ, બેરી જોનેસ જેવાં ખ્યાતનામ કલાકારોએ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ છબિકલા અને શ્રેષ્ઠ પોશાકો માટે આ ચિત્રને ઑસ્કાર ઍવૉર્ડ માટે નામાંકન મળ્યા હતાં.
હરસુખ થાનકી