વૉર્નર બ્રધર્સ : અમેરિકી ચલચિત્રનિર્માણ કંપની. ચાર ભાઈઓ હૅરી (1881-1958), આલ્બર્ટ (1884-1967), સૅમ્યુઅલ (1887-1927) અને જૅક વૉર્નરે (1892-1978) 1923માં આ કંપનીની સ્થાપના કરી. આ ચારેય ભાઈઓએ છેક 1903થી આ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને ક્રમશ: તેમાં આગળ વધતા ગયા. પહેલાં તેમણે એક સિનેમાગૃહ ચલાવ્યું. પછી વિતરણના વ્યવસાયમાં ઊતર્યા અને 1912માં તેમણે ચિત્રનિર્માણ શરૂ કરી દીધું. 1918માં તેમણે હૉલિવૂડમાં તેમનો પોતાનો સ્ટુડિયો સ્થાપી દીધો અને પાંચ વર્ષ પછી વૉર્નર બ્રધર્સ કંપનીની સ્થાપના કરી. વૉર્નર બ્રધર્સની કંપની મૂક ચિત્રોને અવાજ આપવામાં અગ્રણી રહી. 1926માં તેણે ચલચિત્રોને અવાજ આપવા માટે વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીના સહયોગમાં પોતાની એક ભગિની કંપની ‘વાઇટોફોન’નો પ્રારંભ કર્યો. પહેલાં કેટલાંક લઘુ ચિત્રો પર પ્રયોગો કર્યા બાદ 1927માં ‘ધ જાઝ સિંગર’ પ્રથમ સંગીતપ્રધાન ચિત્ર બનાવીને ઇતિહાસ સર્જ્યો. તેની આ સફળતાને કારણે રાતોરાત તે હૉલિવૂડની અગ્રણી ચિત્રનિર્માણ કંપની બની ગઈ.
1930ના મંદીના સમયગાળામાં પણ આ કંપનીએ જેમ્સ કેગ્ની, એડવર્ડ જી. રૉબિન્સન અને હમ્ફ્રી બોગાર્ટ જેવા કલાકારોને લઈને અપરાધચિત્રો બનાવ્યાં. તે સાથે એ સમયને અનુકૂળ સામાજિક ચિત્રોનું પણ નિર્માણ કર્યું. તેમનાં સંગીતપ્રધાન ચિત્રોમાં પણ તેમણે ગાયકો કે વાદકોના સંઘર્ષનાં કથાનકો રજૂ કર્યાં. આ જ સમયગાળામાં કંપનીએ લુઈ પૅસ્ટર, એમિલ ઝોલા, ડૉ. એર્લિચ જેવા મહાનુભાવોના જીવન પરથી પણ ચિત્રો બનાવ્યાં. એ સમયે કંપની પાસે માઇકલ કર્ટિઝ, મેરવિન લી રૉય જેવા દિગ્દર્શકો અને બેટ્ટી ડેવિસ, પોલ મુનિ, એરોલ ફ્લિન અને ઓલિવિયા જેવા કલાકારોની ફોજ હતી. તેને કારણે 1940ના દાયકામાં અનેક સફળ ચિત્રોને કારણે વૉર્નર બ્રધર્સ ચલચિત્ર નિર્માણક્ષેત્રે બહુ મોટું નામ બની ગયું. પણ 1950ના દાયકામાં ટેલિવિઝનના આગમન સાથે આ કંપનીએ પણ બીજી કંપનીઓની જેમ જ ભારે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો અને એક સમયે તો તે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ બની ગયો. અધૂરામાં પૂરું 1956માં આર્થિક ભીડને કારણે કંપનીએ 1950 પહેલાંનાં પોતાનાં તમામ ચિત્રો ધરાવતી લાઇબ્રેરી વેચી દેવાનો વખત આવ્યો. એસોસિયેટેડ આર્ટિસ્ટે તે ખરીદી લીધાં અને તેણે બધાં ચિત્રોના હકો યુનાઇટેડ આર્ટિસ્ટ્સને વેચી દીધા. ત્રીસ વર્ષ પછી આ બહુમૂલ્ય ખજાનો ટીવી ક્ષેત્રના માંધાતા ગણાતા ટેડ ટર્નરે ખરીદી લીધો.
1967માં કૅનેડા-સ્થિત એક કંપની સેવન આર્ટ્સ પ્રોડક્શન્સે વૉર્નર બ્રધર્સનો કબજો લઈ લીધો. એ પછી કંપનીનું નામ ‘વૉર્નર બ્રધર્સ-સેવન આર્ટ્સ’ થઈ ગયું. બે વર્ષ પછી ફરી તેની માલિકી બદલાઈ. મોટરકાર ભાડે આપવાથી માંડીને અનેકવિધ ધંધા કરતી કંપની કિન્ની નૅશનલ સર્વિસે તે ખરીદી લઈને તેને નામ આપ્યું ‘વૉર્નર કૉમ્યુનિકેશન્સ’. તે સાથે ચલચિત્રો બનાવવા ઉપરાંત કંપનીએ ટીવી કાર્યક્રમો, પ્રકાશન, સંગીત સહિતના વિવિધ ક્ષેત્રે વ્યવસાય વિસ્તાર્યો. કંપનીના વડા સ્ટીવન જે. રોસે ફરી એક વાર કંપનીને સફળતાના પથ પર મૂકી દીધી. ફરી એક વાર કંપની અનેક સફળ ચિત્રોનું નિર્માણ કરવા માંડી. જોકે 1989માં પ્રકાશન-ક્ષેત્રે માંધાતા ગણાતી ‘ટાઇમ ઇન્કૉર્પોરેટેડ’ કંપની સાથે વૉર્નર કૉમ્યુનિકેશન્સ વિલીન થતાં આ ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક તે બની ગઈ. તે પછી 2001માં ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રૉનિક સંદેશાવ્યવહાર ક્ષેત્રે અગ્રણી અમેરિકન કંપની ‘એઓએલ’ (અમેરિકન ઑનલાઇન) સાથે ‘ટાઇમે’ જોડાણ કરતાં કંપનીનું નામ ‘એઓએલ ટાઇમ વૉર્નર ઇન્કૉર્પોરેટેડ’ થયું.
નોંધપાત્ર ચિત્રો : ‘લિટલ સીઝર’ (1930), ‘ધ પબ્લિક એનિમી’ (1939), ‘કૅપ્ટન બ્લડ’ (1935), ‘ઑફ હ્યુમન બૉન્ડેજ’ (1935), ‘ધ ગુડ અર્થ’ (1937), ‘ધી એડ્વેન્ચર ઑવ્ રોબિનહૂડ’ (1938), ‘ધ કન્ફેશન્સ ઑવ્ એ નાઝી સ્પાય’ (1939), ‘ધ માલ્ટિસી ફાલ્કન’ (1941), ‘કાસાબ્લાન્કા’ (1943), ‘ધ બિગ સ્લિપ’ (1946), ‘ધ રોપ’ (1948), ‘ડાયલ એમ ફૉર મર્ડર’ (1953), ‘એ સ્ટાર ઇઝ બોર્ન’ (1954), ‘બોની ઍન્ડ ક્લાઇડ’ (1967), ‘માય ફેર લેડી’ (1964), ‘ધ એક્ઝૉર્સિસ્ટ’ (1973), ‘સુપરમૅન ધ મુવી’ (1979), ‘ધ ટાવરિંગ ઇન્ફર્નો’ (1975), ‘ઑલ ધ પ્રેસિડન્ટ્સ મેન’ (1976), ‘સુપરમૅન’ (1978), ‘લેથલ વેપન અને પોલીસ એકૅડેમી સિરીઝ’ (1983), ‘બૅટમૅન’ (1989), ‘ધ બૉડીગાર્ડ’ (1992) અને ‘ધ ફ્યુજિટિવ’ (1993).
હરસુખ થાનકી