વૉરેલ, સર ફ્રૅંક (જ. 1 ઑગસ્ટ 1924, બ્રિજટાઉન, બાર્બાડોઝ, વેસ્ટ ઇન્ડિઝ; અ. 13 માર્ચ 1967, કિંગસ્ટન) : વેસ્ટ ઇન્ડિઝના ત્રણ મહાન ‘W’ ક્રિકેટરો પૈકીના એક પૂર્વ કપ્તાન તથા ઝંઝાવાતી ફટકાબાજ. ફ્રૅંક વૉરેલને ભારતના ક્રિકેટપ્રેમીઓ ‘માનવતાવાદી ક્રિકેટર’ તરીકે ઓળખે છે. તેમનું પૂરું નામ હતું : ફ્રૅન્ચ મોર્ટીમોવ મેગ્લીન વૉરેલ. તેઓ બાર્બાડોઝ, જમૈકા, લેંકેશાયર તથા વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના 1961-62ના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન, બ્રિજટાઉન ખાતેની ત્રીજી ટેસ્ટ પૂર્વે, બાર્બાડોઝ સામેની મૈત્રી-મૅચમાં, ભારતના કપ્તાન નરી કૉન્ટ્રાક્ટર બાર્બાડોઝ અને વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બૉલર ચાર્લી ગ્રિફીથના બાઉન્સરથી માથા પર ગંભીર રીતે જખ્મી થયા હતા અને બ્રિજટાઉનની હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા નરીમાન કૉન્ટ્રાક્ટર માટે વેસ્ટ ઇન્ડિઝના કપ્તાન ફ્રૅંક વૉરેલે ‘રક્તદાન’ કરીને નરીમાનને નવી જિંદગી બક્ષી હતી.
ફ્રૅંક વૉરેલને ક્રિકેટ ઉપરાંત માનવતાવાદી અને સામાજિક કાર્યોને ધ્યાનમાં લઈ 1964માં ઇંગ્લૅન્ડની રાણીના જન્મદિને ‘સર’નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો હતો.
ફ્રૅંક વૉરેલે 18 વર્ષની વયે, 1941-42ની ક્રિકેટ-મોસમમાં બાર્બાડોઝ તરફથી ધીમા ડાબોડી બૉલર તરીકે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું હતું. તુરત જ બીજી મોસમમાં નાઇટ વૉચમૅન તરીકે રમતમાં આવી તેમણે 64 રન નોંધાવ્યા હતા અને ત્યારબાદ પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે ત્રિનિદાદ સામેની મૅચમાં ઑપનિંગ બૅટ્સમૅન તરીકે તેમણે 188 રન નોંધાવ્યા હતા.
19 વર્ષની વયે, 1943-44માં બ્રિજટાઉન ખાતે ત્રિનિદાદ સામે તેમણે શાનદાર અણનમ ત્રેવડી સદી ફટકારતા 308 રન નોંધાવતાં, જૉન ગોડાર્ડ સાથે ચોથી વિકેટની 502 રનની ભાગીદારી નોંધાવી હતી ત્યારબાદ 1945-46માં ફ્રૅંક વૉરેલે પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે ત્રિનિદાદ વિરુદ્ધ અણનમ 255 રન ફટકારતાં ક્લાઇડ વૉલકોટ સાથે ચોથી વિકેટ માટે 574 રનની વિશ્વવિક્રમી ભાગીદારી નોંધાવી હતી.
11મી ફેબ્રુઆરી 1948ના રોજ પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે બીજી ટેસ્ટમાં ફ્રૅંક વૉરેલે ટેસ્ટ પદાર્પણ કર્યા બાદ, તેમાં પણ તેમનો ઝંઝાવાતી દેખાવ રહ્યો હતો. વૉરેલ તેમની 51 ટેસ્ટમૅચોની કારકિર્દી દરમિયાન ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ભારત સામે ટેસ્ટ રમ્યા હતા. 1952-53માં કિંગસ્ટન ખાતે ભારત સામેની પાંચમી ટેસ્ટમાં તેમણે બેવડી સદી ફટકારતાં 237 રન નોંધાવ્યા હતા. 1957માં ઇંગ્લૅન્ડમાં ટ્રૅન્ટબ્રિજના મેદાન પર ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં તેમણે બૅટિંગમાં અણનમ 191 રન નોંધાવ્યા બાદ, ઇંગ્લૅન્ડની પ્રથમ દાવની 70 રનમાં 7 વિકેટો ઝડપીને સર્વોત્તમ બૉલિંગ-દેખાવ કર્યો હતો.
ઇંગ્લૅન્ડ સામે પૉર્ટ ઑવ્ સ્પેનમાં ટેસ્ટપ્રવેશે જ 97 રન નોંધાવનારા ફ્રૅંક વૉરેલે જ્યૉર્જટાઉન ખાતેની તુરત બીજી ટેસ્ટમાં અણનમ 131 રન નોંધાવ્યા હતા. 1959-60માં બ્રિજટાઉન ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 11 કલાક 29 મિનિટ બૅટિંગ કરીને અણનમ 197 રન નોંધાવનારા ફ્રૅંક વૉરેલે ગેરી સૉબર્સ સાથે 4થી વિકેટની 399 રનની ભાગીદારી નોંધાવી હતી.
51 ટેસ્ટમૅચોના 87 દાવમાં 9 વાર અણનમ રહી 9 સદીઓ, 22 અર્ધ સદીઓની સહાયથી ફ્રૅંક વોરેલે 49.49ની સરેરાશથી કુલ 3,860 રન નોંધાવ્યા હતા અને 38.72ની સરેરાશથી 69 વિકેટો ઝડપી હતી. દાવમાં પાંચ કે વધુ વિકેટો તેમણે 2 વાર ઝડપી હતી.
ફ્રૅંક વૉરેલે 15 ટેસ્ટમૅચોમાં વેસ્ટ ઇન્ડિઝનું કપ્તાનપદ સંભાળ્યું હતું; જેમાં 1960-61ના ઑસ્ટ્રેલિયા પ્રવાસની બ્રિસ્બેન ખાતેની ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ ‘‘ઐતિહાસિક બરાબરી(TIE)’’માં ઊતરી હતી વૉરેલ ત્યારે વેસ્ટ ઇન્ડિઝના કપ્તાન હતા. 1961-62માં ઘરઆંગણે પ્રવાસી ભારતનો ફ્રૅંક વૉરેલના નેતૃત્વ હેઠળ વેસ્ટ ઇન્ડિઝે 5.0થી ‘વ્હાઇટ વૉશ’ કર્યો હતો. 1961-62 પછી તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1941થી 1964 દરમિયાન 39 સદીઓ સાથે તેમણે 15,025 રન નોંધાવી 349 વિકેટો ઝડપી હતી, 139 કૅચ કર્યા હતા.
માંચેસ્ટર યુનિવર્સિટીમાં સોશ્યોલોજી ભણેલા સર ફ્રૅંક વૉરેલ જમૈકા સંસદમાં સેનેટર રહી ચૂક્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટીની કૉલેજમાં વૉર્ડન પણ તેઓ રહી ચૂક્યા હતા.
તેમના અવસાન બાદ વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટીમાં ‘વૉરેલ મેમૉરિયલ વ્યાખ્યાનમાળા’ શરૂ કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયાવેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ-શ્રેણી માટે પણ ‘સર ફ્રૅંક વૉરેલ ટ્રૉફી’ એનાયત થઈ છે.
જગદીશ બિનીવાલે