વૉરેન, અર્લ (જ. 19 માર્ચ 1881, લૉસ ઍન્જલિસ, યુ.એસ.; અ. 9 જુલાઈ 1974, વૉશિંગ્ટન) : અમેરિકાના પ્રગતિશીલ અને બાહોશ ધારાશાસ્ત્રી. તે દેશના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ તથા નાગરિક અધિકારોના પ્રખર હિમાયતી હતા. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. 1912માં કૅલિફૉર્નિયાની લૉ સ્કૂલમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ 1914માં સાન ફ્રાન્સિસ્કો તથા ઑકલૅન્ડમાં વકીલાત શરૂ કરી (1914-17). 1917માં તેઓ લશ્કરમાં જોડાયા. ત્યાંથી નિયમ મુજબ મુક્ત થયા પછી 1918-25 દરમિયાન કાયદાના ક્ષેત્રનાં વિવિધ પદો પર કામ કર્યું. 1925-39 દરમિયાન અલ્મેડા પરગણાના ડિસ્ટ્રિક્ટ-ઍટર્ની પદ પર રહ્યા. 1939માં કૅલિફૉર્નિયા રાજ્યના ઍટર્ની જનરલ નિમાયા. આ પદ પર 1943 સુધી કાર્ય કર્યું. 1943માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે કૅલિફૉર્નિયા રાજ્યના ગવર્નર ચૂંટાયા. આ પદ પર તેઓ સતત ત્રણ કાર્યકાળ (term) સુધી ચૂંટાતા રહ્યા (1943-53). દરમિયાન પોતાના પક્ષમાં પણ તેઓ વિવિધ પદો પર કામ કરતા રહ્યા. 1948માં દેશના ઉપપ્રમુખપદ માટેની ચૂંટણીમાં તેમને પરાજય વહોરવો પડ્યો. ઑક્ટોબર 1953માં પ્રમુખ આઇઝેનહૉવરે તેમને દેશની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર નિમણૂક આપી, જે પદ પર તેઓ જૂન 1969 સુધી કામ કરતા રહ્યા. તેઓ અમેરિકાના ચૌદમા મુખ્ય ન્યાયમૂર્તિ હતા. દરમિયાન 1963-64ના વર્ષમાં રાષ્ટ્રપતિ જે. એફ. કૅનેડીની હત્યાના કેસની તપાસ સમિતિના પંચ તરીકે ફરજ બજાવી. સપ્ટેમ્બર 1964માં તે તપાસનો અહેવાલ રાષ્ટ્રાધ્યક્ષને સુપરત કર્યો. 1969માં મુખ્ય ન્યાયમૂર્તિના પદ પરથી તેઓ નિવૃત્ત થયા.
એક પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ન્યાયમૂર્તિ તરીકે તેમણે પોતાના કેટલાક શકવર્તી ચુકાદા દ્વારા પોતાના વિશેની આગવી છાપ ઊભી કરી. નાગરિક અધિકારોના પ્રખર હિમાયતી તરીકે તેમણે તેમના ચુકાદા આપ્યા છે. તેમના 1954ના એક ઐતિહાસિક ચુકાદા દ્વારા તેમણે દેશની શાળાઓમાં અગાઉ અમલમાં મુકાતી રંગભેદનીતિને ગેરકાયદેસર જાહેર કરી હતી. બીજા એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓને પણ પોતાનો બચાવ કરવાનો અને તે માટે વકીલ દ્વારા રજૂઆત કરવાનો હક બહાલ કર્યો હતો.
તેમણે ‘અ રિપબ્લિક, ઇફ યુ કૅન કીપ ઇટ’ નામનો એક ગ્રંથ લખ્યો છે. (1972)
બાળકૃષ્ણ માધવરાવ મૂળે