વૉરંટી : વસ્તુની યોગ્યતાની ગ્રાહકને ખાતરી આપતો કરાર. તે અનુસાર જો ખાતરીનો ભંગ થાય તો ખરીદનાર સમારકામ કે નુકસાન માટે વળતર માગી શકે છે, પરંતુ બાંયધરી(guarantee)ની માફક કરાર રદ કરી માલનો અસ્વીકાર કરી શકતો નથી. કરારના મુખ્ય ઉદ્દેશ માટેના જરૂરી ઉલ્લેખને બાંયધરી (guarentee) કહેવામાં આવે છે, જ્યારે ઉદ્દેશના આનુષંગિક ઉલ્લેખને ખાતરી (warranty) કહેવામાં આવે છે. કરાર વખતે પક્ષકારો વચ્ચે જે ખાતરી વ્યક્ત કરવામાં આવે છે તેને સ્પષ્ટ ખાતરી (express warranty) કહેવાય છે, જ્યારે કાયદા કે પ્રણાલી અનુસાર જે ખાતરી કરારમાં સમાયેલી હોવાનું માની લેવામાં આવે છે તેને ગર્ભિત ખાતરી (implied warranty) કહેવામાં આવે છે. કરારમાં પક્ષકાર ન હોવા છતાં પણ ત્રીજા દ્વારા અમલપાત્ર (enforceable) ખાતરીને અસ્થાયી ખાતરી કહેવામાં આવે છે. દા.ત., અરુણભાઈએ કારીગર સાથે પોતાનો બંગલો રંગવાનો કરાર કર્યો અને યોગ્ય રંગ માટે ચિમનભાઈની ખાતરીને અનુલક્ષીને તેમનો જ રંગ વાપરવા સૂચના આપી. પરંતુ રંગ અયોગ્ય નીવડતાં કરારમાં પક્ષકાર ન હોવા છતાં પણ અરુણભાઈએ ચિમનભાઈ સામે નુકસાનીના વળતરનો દાવો માંડ્યો. તેવી જ રીતે વિક્રેતાએ ભાડાખરીદ (hire purchase) કંપની દ્વારા માલનું વેચાણ કર્યું હોવા છતાં પણ ખરીદનાર માલની ખામી માટે વિક્રેતા સામે દાવો માંડી શકે છે. કોર્ટમાં પોતાનો દાવો લડવા માટે અસીલ કરાર દ્વારા વકીલની નિમણૂક કરી શકે છે. સધ્ધરતાની ખાતરી (warranty of solvency) મુજબ જ્યારે હસ્તાંતરકર્તા કરજદારની ખાતરી આપે ત્યારે તે સમયની ખાતરી જ લાગુ પડે છે. જ્યારે હસ્તાંતર અવેજથી કરવામાં આવ્યો હોય ત્યારે તે અવેજની રકમ અથવા કિંમત પૂરતી જ તે મર્યાદિત હોય છે. વીમાની પૉલિસીની શરતોમાંની કોઈ પણ શરતનો ભંગ કરવામાં આવે ત્યારે મૂળ દાવા સાથે નિસબત ન હોવા છતાં પણ વીમા કંપની તે દાવો નકારી શકે છે. દા.ત., ઘરની સાધનસામગ્રીના વીમા માટે બારીબારણાં પર અમુક જ તાળાં વાપરવાની શરત રાખવામાં આવી હોય, પરંતુ તે પાળવામાં ન આવી હોય અને ટેલિવિઝન જેવી ઘરમાં મૂકેલ વસ્તુને નુકસાન થાય તો તે અંગેના હક્કદાવાને, તાળા સાથે કોઈ નિસબત ન હોવા છતાં પણ વીમા કંપની હક્કદાવો નકારી શકે છે. જોકે વીમા કંપની સામાન્ય રીતે વ્યવહારુ અભિગમ અપનાવતી હોય છે.
જિગીષ દેરાસરી