વૉરંટ (warrant) : સત્તા, અધિકાર કે ખાતરી આપતું લખાણ. કાયદાની પરિભાષામાં વૉરંટ એટલે જડતી કરવાનું અધિકારપત્ર.

માલસામાનની જપ્તી માટેના અધિકારપત્રને ડિસ્ટ્રેસ વૉરંટ (distress warrant) કહે છે. જ્યારે કોઈના ઘરની કે કોઈ સ્થળની જડતી લેવાની હોય ત્યારે જે વૉરંટ આપવામાં આવે છે તેને સર્ચ વૉરંટ (search warrant) કહેવાય છે. વૉરંટ વિશેનો કાયદો ફોજદારી કાર્યરીતિ સંહિતા(Criminal Procedure Code)ની 75થી 86 કલમોમાં દર્શાવવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિની ધરપકડ કરવા માટે કાઢવામાં આવતા વૉરંટને ઍરેસ્ટ વૉરંટ (Arrest warrant) કહે છે.

અપરાધના મુખ્ય બે પ્રકારો છે : (1) એવા અપરાધો જે પોલીસ અધિકારના હોઈ એમાં પોલીસ આરોપીની વિના વૉરંટે ધરપકડ કરી શકે, અને અપરાધની તપાસ પણ કરી શકે. (2) બીજા અપરાધોમાં પોલીસને એવી સત્તા હોતી નથી.

કોઈ વ્યક્તિને કેદ કરવા માટે વૉરંટ કાઢવું એ વધુ કડક પગલું છે. ગુનેગારે કરેલો ગુનો ગંભીર ન હોય તો કેદ કરવા માટેનું વૉરંટ કાઢી અપાતું નથી. જ્યારે અદાલતે કાઢી આપેલા અને આરોપી પર યોગ્ય રીતે બજાવેલા સમન્સ(summons)ને તાબે ન થઈ આરોપી હાજર ન થાય ત્યારે તેનું વર્તન અદાલતનો અનાદર ગણાય છે અને તેથી આરોપીની ધરપકડ માટે વૉરંટ કાઢી આપવામાં આવે છે.

વૉરંટ લેખિત, પ્રિસાઇડિંગ અધિકારીની સહી સાથેનું, જે તે ઑફિસની મહોર(seal)વાળું અને જેની ધરપકડ કરવાની છે તે વ્યક્તિની ઓળખ સ્પષ્ટ રીતે થઈ શકે તેવા વર્ણનવાળું હોવું જોઈએ (ક. 75). આ ઉપરાંત આરોપીએ જે અપરાધ કર્યો હોય તેનો તેમાં નિર્દેશ હોવો જોઈએ અને જે વ્યક્તિ વૉરંટ બજાવે કે તેનો અમલ કરાવે તે વ્યક્તિનું નામ પણ તેમાં હોવું જોઈએ. એ સિવાયનું વૉરંટ કાયદાવિરુદ્ધનું ગણાય. જ્યાં સુધી અદાલત આવા કાયદેસરના વૉરંટને રદ કરે નહિ અથવા તેની બજવણી ન કરે ત્યાં સુધી આવું વૉરંટ અમલમાં અથવા ચાલુ છે એમ ગણાય છે.

અમુક ગંભીર અપરાધો એવા હોય છે કે જેમાં જામીન પર છૂટી શકાતું નથી (non-bailable offences); ત્યારે બાકીના એવા હોય છે કે જેમાં જામીન પર મુક્ત થઈ શકાય છે (bailable offences). જામીની વૉરંટ(bailable warrant)માં તે જેના પર બજાવવામાં આવે તેવી વ્યક્તિ, અદાલત તેને કહે ત્યારે તે અદાલતમાં હાજર થશે એવી ખાતરી આપતું લખાણ અને એ વિશેનું બૉન્ડ  જામીન સાથેનો મુચરકો – લખી આપે તો જ તેને હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે. આવા વૉરંટમાં કેટલા જામીનો લેવાના છે અને તેઓ કેટલી રકમ માટે બંધાય છે તથા તેઓ અદાલતમાં કયા સમયે હાજર રહેશે તે જણાવેલું હોય છે. આવું વૉરંટ એક વ્યક્તિ સામે, અનેક વ્યક્તિઓ સામે અથવા કોઈ જમીનમાલિકો પ્રત્યે પણ હોય.

વૉરંટ પોલીસ-અધિકારીને બજવણી માટે મોકલાય છે અને જેની ધરપકડ કરવાની હોય તેવી વ્યક્તિને આવો પોલીસ-અધિકારી તે વૉરંટનો સાર કહી સંભળાવે છે. ધરપકડ કરાયેલી વ્યક્તિને અદાલત સમક્ષ હાજર કરવામાં આવે છે. ધરપકડના વૉરંટનો અમલ ભારતમાં ગમે તે સ્થળે કરી શકાય છે. એક અદાલત બીજી અદાલતની હકૂમતમાં હોય તેવા સ્થળે પોતાનું વૉરંટ બજવણી માટે મોકલી શકે છે.

સર્ચ-વૉરંટ : (1) કોઈ દસ્તાવેજ રજૂ કરાવવા માટે, (2) ચોરાયેલી મિલકત અથવા બનાવટી દસ્તાવેજોની શોધ માટે, (3) કોઈ જપ્ત કરાયેલા લખાણને કે તેવા કોઈ પુસ્તકોને શોધી કબજે લેવા માટે અથવા (4) ખોટી રીતે અટકાયતમાં રાખેલી વ્યક્તિને શોધી કાઢવા માટે કાઢવામાં આવે છે.

પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અમુક સંજોગોમાં વિના વૉરંટે નાગરિકની ધરપકડ કરી શકે છે [ક. 41(2), 109, 120]; અને જો કોઈ વ્યક્તિ એની હાજરીમાં કોઈ બિનજામીની અને કૉગ્નિઝેબલ ગુનો (પોલીસ-અધિકારનો) કરતી હોય અથવા તો એવી વ્યક્તિ કોઈ જાહેર કરાયેલો ગુનેગાર હોય તો, કોઈ ખાનગી વ્યક્તિ પણ વિના વૉરંટે તેની ધરપકડ કરી શકે છે. મૅજિસ્ટ્રેટ પણ કોઈ નાગરિકની વિના વૉરંટે ધરપકડ કરી શકે છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી