વૉટ, જેમ્સ (Watt James) (જ. 19 જાન્યુઆરી 1736; અ. 25 ઑગસ્ટ 1819) : સ્કૉટલૅન્ડના ઇન્સ્ટ્રૂમેન્ટ-મિકેનિક અને સંશોધક. યાંત્રિક ક્રાંતિમાં તેમના વરાળ એન્જિનનો ઘણો જ ફાળો છે. 1795માં તેઓને ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીની ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.
તેમના પિતા વહાણ અને ઘર બાંધવાનો ધંધો કરતા હતા. તેમની તબિયત નાજુક હોઈ, તેમની માતા દ્વારા તેમને પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત થયું. ત્યારપછીનાં વર્ષોમાં નિશાળમાં તેઓ લૅટિન, ગ્રીક અને ગણિત ભણ્યા. તેમના પિતાની વર્કશોપમાંથી તેમને ઘણું જ શીખવા મળ્યું. ત્યાં તેમનાં પોતાનાં સાધનોની મદદથી તેમણે ક્રેઇન વગેરેનાં મૉડલ બનાવ્યાં અને વહાણોમાં વપરાતાં સાધનોથી પરિચિત થતા ગયા.
17 વર્ષની ઉંમરે તેમણે ગણિતીય સાધનો બનાવ્યાં. 1755માં તેઓ લંડન ગયા, જ્યાં તેમને શિક્ષણ માટે જરૂરી શિક્ષક પ્રાપ્ત થયા. પણ એક જ વર્ષમાં તેમની તબિયત બગડી. 1756માં તેઓ ગ્લાસગો ગયા અને ત્યાં વિશ્વવિદ્યાલય ખાતે ગણિતીય સાધનો બનાવવાની તેમની દુકાન ઊભી કરી. ત્યાં ઘણા વૈજ્ઞાનિકોને મળ્યા. જૉસેફ બ્લૅક સાથે તેમને સારી મિત્રતા થઈ. આ બ્લૅકે ગુપ્ત ગરમી(latent heat)નો સિદ્ધાંત વિકસાવ્યો. 1765માં વરાળયંત્રના એક મૉડલને સુધારવામાં તેઓ સફળ થયા. તેમણે જુદું ઠારક (coolent) બનાવ્યું. આ તેમની પ્રથમ અને સૌથી મોટી શોધ હતી. તેમણે શોધ્યું કે તેઓ જે મૉડલને સુધારતા હતા તેમાં ગુપ્ત ગરમીનો વ્યય એ મોટામાં મોટી ખામી હતી અને તેથી તેમણે જુદું ઠારક વિકસાવ્યું; પણ તેને વરાળયંત્રની સાથે જોડેલું રાખ્યું. 1768માં તેમણે જ્હૉન રોઇબક સાથે ભાગીદારીમાં ઊતરવાના કરાર કર્યા.
1766માં તેઓ જમીનના માપણીકાર થયા અને પછીનાં આઠ વર્ષોમાં તેમણે સ્કૉટલૅન્ડનો વ્યાપક પ્રવાસ કર્યો અને તેથી તેઓ તેમના વરાળ એન્જિન ઉપર વધુ કાર્ય કરી શક્યા નહિ. 1774માં જમીનના માપણીકાર તરીકે કંટાળેલા વૉટ બર્મિંગહામમાં સ્થાયી થયા.
1775માં તેમણે મૅથ્યુ બુલટોન સાથે કરાર કર્યો, જે 25 વર્ષ સુધી ચાલુ રહ્યો. બુલટોનની આર્થિક મદદથી વરાળયંત્રની બનાવટમાં ઝડપી પ્રગતિ શક્ય બની. 1776માં તેઓ બે યંત્રો બજારમાં મૂકવામાં સફળ થયા.
બીજાં પાંચ વર્ષમાં 1781 સુધી કૉપર અને ટિનની ખાણોમાં તેમણે અસંખ્ય યંત્રો બેસાડ્યાં. 1781માં તેમના વરાળ એન્જિનમાં રેસિપ્રોકેટિંગની જગ્યાએ રૉટરી ગતિનો સુધારો દાખલ કર્યો. 1782માં બે બાજુથી કાર્ય કરતું (double acting) યંત્ર વિકસાવ્યું. 1790માં દબાણ ગેઈજ શોધ્યો અને તેમનું વરાળયંત્ર સંપૂર્ણ થયું.
તેમના આ યંત્રની માગ પેપર બનાવતી, લોટ દળતી, કાપડ અને લોખંડ બનાવતી મિલોમાં ખૂબ રહી. વળી પાણી પૂરું પાડતાં પમ્પોમાં પણ તેની માગ હતી. 1790 સુધીમાં વૉટ ખૂબ જ ધનિક થઈ ગયા. 1785માં તેમને રૉયલ સોસાયટીનું સભ્યપદ પ્રાપ્ત થયું.
1794માં તેમણે વરાળયંત્ર બનાવવાની એક કંપની સ્થાપી. 1795માં તેમણે ધંધામાંથી નિવૃત્તિ લીધી.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ