વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)

January, 2006

વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન ડંકને મેજર ઍલેક્ઝાન્ડર વૉકરને લશ્કરી ટુકડી સાથે આ બાબતમાં લવાદી કરવા અને વડોદરાના બીજા પ્રશ્ર્નોના ઉકેલ શોધવા માટે મોકલ્યા. વૉકરે આનંદરાવનો ગાદીનો હક્ક સ્વીકાર્યો અને કાન્હોજીરાવને કેદ કર્યો. એ પછી તા. 6ઠ્ઠી જૂન 1802ના રોજ વૉકરની વડોદરાના રેસિડન્ટ તરીકે નિમણૂક થઈ એટલે એમણે એ હોદ્દો સંભાળી લીધો. સમય જતાં વૉકરને ‘મેજર’માંથી ‘કર્નલ’નો ઊંચો હોદ્દો પણ આપવામાં આવ્યો.

કાઠિયાવાડનાં રાજ્યોમાંથી પેશવાની ખંડણી (જમાબંદી) ઉઘરાવવાની સત્તા ગાયકવાડને મળી હતી. કાઠિયાવાડમાંથી આ ખંડણી નિશ્ચિત રૂપે અને શાંતિથી ભરાતી રહે એ માટે એમણે 1807માં કાઠિયાવાડના બધા રાજાઓને મોરબી પાસેના ગુંટું ગામે ભેગા કર્યા. એમનો અહેવાલ એમણે મુંબઈના ગવર્નરને મોકલ્યો, જે ‘વૉકર રિપૉર્ટ’ તરીકે ઓળખાય છે. એમની સાથે નિશ્ચિત ખંડણી ભરવાના અને શાંતિ તથા સલામતી જાળવવાના કાયમી કરારો કર્યા, જેને ‘વૉકર સેટલમેન્ટ’ અથવા ‘વૉકર કરાર’ તરીકે ઓળખવામાં આવે છે. આ સેટલમેન્ટ અથવા કરાર કરવામાં એમણે ગાયકવાડના પ્રતિનિધિ વિઠ્ઠલરાવ દેવાજીને પોતાની સાથે રાખ્યા હતા. આમ એમણે કાઠિયાવાડમાં અરાજકતાના યુગનો અંત આણ્યો અને શાંતિ, સલામતી તથા વ્યવસ્થાના યુગની શરૂઆત કરી.

જૂના ખેડા જિલ્લાનાં પરગણાંઓ જ્યારે બ્રિટિશ સત્તા નીચે આવ્યાં ત્યારે એ પરગણાંઓ કર્નલ વૉકરની સત્તા નીચે મુકાયાં. એમના ઉપર એમના મદદનીશો વહીવટ ચલાવતા હતા. વડોદરાના રાજા સયાજીરાવ 2જાના સમયમાં એ વડોદરાથી અમદાવાદ જઈને રહ્યા. તા. 1લી ડિસેમ્બર 1830થી એમણે ગુજરાતના પૉલિટિકલ કમિશનર તરીકે કામગીરી સંભાળી હતી. આમ, કર્નલ વૉકરે ગુજરાતમાં વિવિધ પ્રકારની કામગીરી કરી, છતાં વડોદરાના રેસિડેન્ટ તરીકે 1807માં એમણે સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો સાથે જે ‘વૉકર કરાર’ કર્યા તે સૌથી વધારે મહત્વનું કાર્ય હતું. એનાથી સૌરાષ્ટ્રમાં શાંતિ અને સલામતીના યુગની શરૂઆત થઈ.

મુગટલાલ પોપટલાલ બાવીસી